જૂની એસએમએસ સર્વિસમાં રિચ કમ્યુનિકેશન સર્વિસીઝ (આરસીએસ)ની સુવિધા ઉમેરાવાના કારણે, આપણી મિત્રો કે સ્વજનો સાથે સંપર્કમાં રહેવાની પદ્ધતિમાં કદાચ બહુ મોટાં પરિવર્તનો નહીં આવે કારણ કે એ બાબતે તો વોટ્સએપ કે ફેસબુક મેસેન્જર જેવી સર્વિસ ઘણી આગળ વધી ગઈ છે અને આપણને સૌને તે ઘણી માફક આવી ગઈ છે.
પરંતુ જુદી જુદી બિઝનેસ કંપની એસએમએસમાં આરસીએસની સુવિધાનો કેવી રીતે લાભ લઈ શકશે અને તેનો આપણને શો ફાયદો થશે તે જાણવા જેવું છે.
ફેસબુકે તેની મેસેન્જર સર્વિસમાં પણ ચેટબોટ સ્વરૂપે આવી સુવિધા ઉમેરી છે (જુઓ નવેમ્બર ૨૦૧૬નો અંક), પરંતુ તે મેસેન્જર પૂરતી મર્યાદિત હોવાથી હજી બહુ વેગ પકડી શકી નથી. એન્ડ્રોઇડમાં ગૂગલ આસિસ્ટન્ટમાં પણ આ પ્રકારની સર્વિસ ધીમે ધીમે ઉમેરાઈ રહી છે.
એસએમએસમાં શું શક્ય બનશે તેની ઝલક નીચેનાં બે ઉદાહરણમાં મળશે.