ઇન્ટરનેટથી શિક્ષણ વ્યવસ્થામાં આવેલું પરિવર્તન સમજવું હોય તો આપણે એક શબ્દ સમજવો પડે – માસિવ ઓપન ઓનલાઇન કોર્સ (એમઓઓસી).
ઇન્ટરનેટનો હાલ જેટલો વ્યાપ નહોતો ત્યારે પણ ‘ડિસ્ટન્સ એજ્યુકેશન’ કે ‘કોરસપોન્ડન્સ કોર્સ’નો કન્સેપ્ટ તો હતો, જેમાં કોલેજમાં ગયા વિના શિક્ષણ અને ડીગ્રી મેળવી શકાતાં, પરંતુ ઇ-લર્નિંગથી શિક્ષણ ખરા અર્થમાં વિશ્વવ્યાપી બન્યું છે. હવે વિશ્વની અનેક યુનિવર્સિટીઝ લેક્ચર્સ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરે છે, જેનો કોઈ પણ લાભ લઈ શકે છે.
માસિવ ઓપન ઓનલાઇન કોર્સ તેનાથી એક ડગલું આગળ વધે છે અને આ અનૌપચારિક લાગતા શિક્ષણને જરા વધુ વ્યવસ્થિત માળખું પણ આપે છે. આ પ્રકારના કોર્સમાં ક્લાસમ લેક્ચર્સ ઉપરાંત ઇન્સ્ટ્રક્ટરનું માર્ગદર્શન, પ્રેક્ટિકલ્સ, એસાઇન્મેન્ટ્સ, ફીડબેક, એક્ઝામ વગેરે પણ સામેલ હોય છે.
સૌથી મોટી વાત એ છે કે આ પ્રકારના ઘણા ખરા કોર્સ ‘સેલ્ફ પેસ્ડ’ હોય છે એટલે કે આપણે આપણી અનુકૂળતાએ, કોર્સમાં આગળ વધી શકીએ છીએ.
ફીની વાત કરીએ તો ઓનલાઇન કોર્સીઝ મોટા ભાગે બે પ્રકારના હોય છે. કેટલીક કંપની સ્ટુડન્ટસ પાસેથી ફી લે છે, તો કેટલીક સાઇટ પર વિવિધ યુનિવર્સિટીની ગ્રાન્ટ્સથી તદ્દન ફ્રી કોર્સ ઓફર કરવામાં આવે છે. આવી સાઇટ પર જો તમે કોર્સ પૂરો કર્યાનું સર્ટિફિકેટ મેળવવા માગતા હો તો તમારે નિશ્ચિત ફી ચૂકવવી પડે છે, બાકી ફક્ત નોલેજનો કોઈ ચાર્જ નથી!
આપણા દેશના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના કોર્સ વિશેષ ઉપયોગી છે કારણ કે કમ્પ્યુટર સાયન્સ અને આઇટી જેવાં તેજ ગતિએ વિકસતાં ક્ષેત્રો સાથે આપણી કોલેજીસના અભ્યાસક્રમો તાલ મિલાવી શકતા નથી.
હવે સમય સતત શીખતા રહેવાનો છે, એટલે પોતાના ફિલ્ડમાં સતત અપડેટ રહેવા માગતી વ્યક્તિ માટે પણ આવા કોર્સીસ વરદાનપ છે.
મતલબ કે સવાલ ફક્ત તમારી પોતાની ધગશનો છે, તમને જ્ઞાન આપવા ગુરુજી તો તૈયાર જ છે!