આગળ શું વાંચશો?
- ગૂગલ લેન્સ એક્ઝેક્ટલી શું છે?
- ગૂગલ લેન્સનો લાભ કેવી રીતે લેશો?
- ગૂગલ લેન્સથી શું શું કરી શકાય છે?
આપણે કોઈ પણ બાબતે, કંઈ પણ જાણવું હોય તો એ વિશે દિમાગ કંઈ નક્કી કરે એ પહેલાં તો આપણી આંગળીઓ આપોઆપ ગૂગલ તરફ વળવા લાગે એવી સ્થિતિ આવી ગઈ છે!
પરંતુ એ માટે આપણે ગૂગલને કહેવું પડે કે આપણે શું જાણવા માગીએ છીએ. આપણા મનમાં કયો સવાલ છે એ આપણે કાં તો ગૂગલના સર્ચ બોક્સમાં ટાઇપ કરવો પડે અથવા હવે વોઇસ ટાઇપિંગની સુવિધા પણ મળી ગઈ હોવાથી, આપણે ગૂગલના સર્ચ બોક્સમાં, માઇક પર ક્લિક કરીને બોલીને આપણો સવાલ ગૂગલને પૂછવો પડે. ટૂંકમાં, અત્યાર સુધી આપણે પૂછવું હોય તે ટાઇપ કરીને અથવા બોલીને ગૂગલને પૂછવું પડતું હતું.
પરંતુ કોઈ સવાલ એવા પણ હોય જે આપણે લખી શકીએ તેમ ન હોઇએ તો? જેમ કે…
- બગીચામાં કોઈ મજાનું પણ અજાણ્યું ફૂલ કે પંખી જોયું? એના વિશે વધુ જાણવું હોય તો ગૂગલને કઈ રીતે પૂછશો?
- પડોશી એક ખાસ બ્રીડનું નવું ગલૂડિયું લાવ્યા પણ આપણને ટટળાવવા તેની બ્રીડ કહેતા નથી. એ વિશે ગૂગલને કઈ રીતે પૂછશો?
- આર્ટ મ્યુઝિયમમાં કોઈ પેઇન્ટિંગ જોયું અને તેના વિશે વધુ જાણવું હોય તો કેવી રીતે ગૂગલ કરશો?
ટૂંકમાં એવા કેટલાય અળવીતરા સવાલો હોઈ શકે છે, જેના વિશે આપણને એટલી પ્રાથમિક માહિતી પણ ન હોય કે તે લખીને ગૂગલને કંઈક પૂછી શકીએ.