હવે આખી દુનિયા બધી ફાઇલ્સ ક્લાઉડમાં જ રાખીને, તેમાં જ કામ કરવા તરફ વળી ગઈ છે, પરંતુ જો તમે કમ્પ્યુટર અને ક્લાઉડ વચ્ચે ફાઇલ્સ સિંક્ડ રાખતા હો તો વાતમાં ઊંડા ઊતરવું જરૂરી છે.
કોરોના વાઇરસને પ્રતાપે આખી દુનિયા વધુ તેજ ગતિએ ડિજિટલ સોલ્યુશન્સ તરફ આગળ વધવા લાગી છે. આ ઉપરાંત, ભારતમાં હવે જીએસટી રાજમાં બધું કમ્પ્યુટરજી પર આધારિત થવા લાગ્યું છે એટલે આપણો કારભાર નાનો હોય કે મોટો, કમ્પ્યુટર પર ડેટાનો ગંજ ખડકાતો જ જાય છે. બિઝનેસ સિવાય પર્સનલ ડિજિટલ ફાઇલ્સ પણ એટલી બધી જમા થતી હોય છે કે એને મેનેજ કરવી મુશ્કેલ બની જાય છે.
જો આપણે સ્માર્ટ ટેક્નોલોજીના સ્માર્ટ યૂઝર હોઈએ તો આપણા ડેટાની સલામતી માટે ‘ક્લાઉડ બેકઅપ’ તરફ વળી ગયા હોઈએ. પરંતુ મોટા ભાગે આપણે માટે કલાઉડ બેકઅપ એટલે ગૂગલ ફોટોઝ, ગૂગલ ડ્રાઇવ, વન ડ્રાઇવ કે ડ્રોપબોક્સ જેવી સર્વિસ. એ ઉપરાંત, આગળના લેખમાં અન્ય ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ વિશે પણ આપણે જાણ્યું. એક અર્થમાં આ સર્વિસને બેકઅપ સર્વિસ કહી શકાય ખરી, પણ હકીકતમાં એ ડિઝાઇન થઈ છે ‘સિંકિંગ સર્વિસ’ તરીકે કામ કરવા માટે.