તમારા બિઝનેસનું ઇન્ટરનેટ પર એક એડ્રેસ મેળવવું હોય, તો એ તમે ધારો છો એટલું મુશ્કેલ નથી. ગૂગલ હવે તદ્દન સરળ રીતે આ કામ કરી આપે છે. અલબત્ત, આ રીતે બનતી વેબસાઇટ પૂરેપૂરી વેબસાઇટ ન કહેવાય, પણ તમારો વેપાર તેનાથી વધારી શકો એટલું નક્કી!
તમારો કોઈ નાનો-મોટો બિઝનેસ હોય, કરિયાણાની દુકાન હોય, પ્રોવિઝન પાર્લર હોય, ઝેરોક્સ શોપ હોય, નાનું રેસ્ટોરાં હોય, બ્યુટી પાર્લર હોય, તમે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હો… તો તમને નવા કસ્ટમર કે ક્લાયન્ટ કેવી રીતે મળે? છાપાં ભેગાં લીફલેટ વહેંચવાં, ટચૂકડી જાહેરખબરો કરવી વગેરે જૂની પદ્ધતિઓ ઉપરાંત ઓનલાઇન માર્કેટિંગનો પણ તમે લાભ લઈ શકો છો – જો તમારી એક વેબસાઇટ હોય!
