આપણા વર્ડ ડોક્યુમેન્ટમાં વિવિધ ઇમેજ અને સ્માર્ટ આર્ટ ઉમેરીને આપણે તેને વધુ અસરકારક અને આકર્ષક બનાવી શકીએ છીએ. જાણો તેની આસપાસની કેટલીક વાતો.
માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ બનાવીએ ત્યારે તેમાં ટેક્સ્ટ ઉપરાંત જુદી જુદી ઇમેજીસ અને શેપ્સ સ્વરૂપે ગ્રાફિક્સ પણ ઉમેરી શકીએ છીએ. સાદા લખાણવાળા ડોક્યુમેન્ટને બદલે ગ્રાફિક્સવાળું ડોક્યુમેન્ટ જોવામાં ઘણું વધુ આકર્ષક અને વાંચવા સમજવામાં ઘણું વધુ સરળ બની શકે છે.
આમ તો માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ એ રીતે ડિઝાઇન થયેલો છે કે તેમાં રહેલી પાર વગરની ખૂબીઓ તેના વિવિધ મેનૂમાં વિઝ્યુઅલ સ્વરૂપે આપણી સમક્ષ રહે છે એટલે તેનો ઉપયોગ પ્રમાણમાં ઘણો સરળ બની જાય છે. તેમ છતાં વર્ડમાં ગ્રાફિક્સ સંબંધિત પણ એટલી બધી ખૂબીઓ છે કે તેના ઉપયોગની બારીક ખૂબીઓ સમજી લઈએ તો આપણું કામ ઘણું આસાન બની જાય.