ગૂગલ પર ક્રિકેટર, એક્ટર વિશે સર્ચ કરતાં અમુક પ્રકારની માહિતી પહેલેથી તારવેલી જોવા મળે છે અને કોઈ ઇમારત, શહેર વગેરે વિશે સર્ચ કરતાં જુદા પ્રકારની માહિતી મળે છે. આવું કઈ રીતે થાય છે?
ઇન્ટરનેટ અને ખાસ તો, સોશિયલ મીડિયાને કારણે આપણા જૂના પરિચિતોને ફરી શોધવાનું કામ હવે ઘણું સહેલું થઈ ગયું છે. ફેસબુક આ બાબતમાં જબરજસ્ત પાવરફુલ છે – તમે એના પર એકાઉન્ટ ખોલાવો અને બે-ચાર લોકોને પોતાના ફ્રેન્ડ તરીકે ઓળખાવો એ સાથે ફેસબુકનાં કમ્પ્યુટર્સ જટીલ ગણતરીઓ કરવા લાગી જાય છે અને ફેસબુક પર બીજી કઈ કઈ વ્યક્તિોને આપણે ઓળખતા હોઈશું અને કોને ફેસબુક ફ્રેન્ડ બનાવવામાં આપણને રસ હશે એ તે નક્કી કરી લે છે અને એમનાં નામ આપણને સૂચવવા લાગે છે. ક્યારેક તો જે વ્યક્તિ સાથેનો સંપર્ક વર્ષોથી આપણે ગુમાવી બેઠા હોઈએ (ફેસબુકની શરૂઆત થઈ એની પણ પહેલાંથી) એવી વ્યક્તિને પણ ફેસબુક આપણા માટે શોધી લાવે છે.