આ ડાઇરેક્ટ ટેક્નોલોજીનો વિષય નથી, પણ વિદ્યાર્થીઓને બહુ કામ લાગે તેવી વાત છે.
એન્જિનીયરિંગ કે બીજી કોઈ પણ વિદ્યાશાખામાં ડિગ્રી મેળવીને કારકિર્દી ઘડવા તરફ આગળ વધી રહેલા સ્ટુડન્ટ પાસેથી ઇન્ડસ્ટ્રીની મુખ્યત્વે ત્રણ અપેક્ષાઓ હોય છે
- ટેકનિકલ બાબતોની જાણકારી
- સારી કમ્યુનિકેશન સ્કિલ્સ
- કોગ્નિટિવ થિંકિંગ.
આમાંથી ટેકનિકલ બાબતોની જાણકારી વિદ્યાર્થીને કોલેજમાં અભ્યાસ દરમિયાન મળી હોય છે. જ્યારે અન્ય બે બાબતો શીખવાની જવાબદારી મોટા ભાગે વિદ્યાર્થીના પોતાના શીરે છે. કમ્યુનિકેશન સ્કિલ શું છે એ આપણે સારી રીતે જાણીએ છીએ અને સાદા શબ્દોમાં કોગ્નિટિવ થિકિંગ એટલે આપણી વિચારશક્તિ.
આ બંને કુશળતા કોઈ પણ ક્ષેત્રમાં આજીવન કામ લાગી શકે છે.
તેમાંથી કોગ્નિટિવ સ્કિલ્સ પર ફોકસ કરીએ તો વાસ્તવમાં આપણા વ્યક્તિત્વનું ઘડતર ઘણે અંશે આપણી કોગ્નિટિવ સ્કિલ્સ કેટલી કેળવાઈ છે તેના પર આધાર રાખે છે.
એમ કહી શકાય કે આપણું મગજ વિચારવા માટે, વાંચવા માટે, શીખવા માટે, યાદ રાખવા માટે, સમજવા માટે અને ધ્યાન આપવા માટે જે કુશળતાનો ઉપયોગ કરે છે તેને બધું મળીને કોગ્નિટિવ સ્કિલ કહે છે.
બીજા શબ્દોમાં, સારું કોગ્નિટિવ થિંકિંગ કરી શકતી વ્યક્તિ તેને જે કોઈ માહિતી મળે તેનો મગજમાં યોગ્ય રીતે સંગ્રહ કરી, તેમાંથી યોગ્ય સાર તારવી શકે છે અને જ્યારે જરૂર ઊભી થાય ત્યારે, એ સમયની સ્થિતિ તથા માહિતીમાં, અગાઉની માહિતી ઉમેરી, બધી બાબત પર એક સાથે વિચાર કરીને યોગ્ય નિર્ણય લઈ શકે છે.
આમાંની કોઈ પણ પાસું નબળું હોય તો આપણને જે કોઈ માહિતી મળે તેને સમજવામાં, મનમાં સંઘરી રાખવામાં અને વખત આવ્યે એ માહિતીનો યોગ્ય સંદર્ભ મુજબ ઉપયોગ કરવામાં આપણને મુશ્કેલી પડી શકે છે.
વ્યક્તિની આ સ્કિલ જેમ વધુ ધારદાર તેમ તે પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનમાં વધુ સરળતાથી અને વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે છે. કારણ કે આપણને જે કોઈ નવી માહિતી મળે છે તેનું પ્રોસેસિંગ કરવામાં આપણું કોગ્નિટિવ થિંકિંગ મોટો ભાગ ભજવે છે.
ભવિષ્યના આયોજનમાં આ ક્ષમતા મદદરૂપ થાય છે, તેમ અણધારી સ્થિતિ સમયે, નિર્ધારિત આયોજન બદલીને તાબડતોડ નવો ઉકેલ શોધવામાં પણ મદદરૂપ થાય છે.
દરેક કંપની એવા યુવાનને નોકરી આપવા ઇચ્છે છે જે માત્ર તેને જે કહેવામાં આવે એ રીતે કામ ન કરે, પરંતુ પોતાની રીતે સ્થિતિ સમજી વિચારીને એ મુજબ નિર્ણય કરી શકે. ઉમેદવાર પોતાનો બાયોડેટા જે રીતે તૈયાર કરે, તેના આધારે પણ તેની કોગ્નિટિવ સ્કિલ્સ કેટલીક ધારદાર છે તેનો અંદાજ આવી જાય છે.
મગજને સતત કસરત મળે તેવું વાંચન, ઇન્ટરનેટ સર્ફિંગ, પઝલ સોલ્વિંગ, ચેસ જેવી ગેમ્સ અને હા, અનેક વીડિયો ગેમ્સથી પણ કોગ્નિટિવ સ્કિલ્સ ડેવલપ કરી શકાય છે!