fbpx
Search
Close this search box.

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પેટીએમ બંધ થઈ જશે? તમારા સવાલોના જવાબો

તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ‘નિયમોના સતત ઉલ્લંઘન’ બદલ અસાધારણ કડકાઈ દાખવીને પેટીએમ પેમેન્ટ્સ બેંકનાં વિવિધ ઓપરેશન્સ પર કડક નિયંત્રણો લાદી દીધાં છે. 

આ નિયંત્રણો ફેબ્રુઆરી ૨૯, ૨૦૨૪થી લાગુ થશે. 

ભારતમાં યુપીઆઇ વ્યવસ્થા અત્યંત લોકપ્રિય થઈ એ પહેલાં મોબાઇલ વોલેટ્સ ખાસ્સાં ચાલ્યાં હતાં. એ વ્યવસ્થામાં આપણે પોતાના મોબાઇલ વોલેટમાં નિશ્ચત રકમ જમા કરીને તેમાંથી અલગ અલગ જગ્યાએ ઓનલાઇન પેમેન્ટ્સ કરી શકતા હતા. 

એ પછી ૨૦૧૬માં નોટબંધી આવી. રોકડની તંગી વર્તાઈ અને લોકો નાછૂટકે ડિજિટલ પેમેન્ટ્સ તરફ વળવા લાગ્યા. બધાં મોબાઇલ વોલેટ્સમાં પેટીએમ કંપનીએ નોટબંધીનો સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો અને કંપનીના યૂઝર્સની સંખ્યા જબરજસ્ત વધી 

અત્યારે મોબાઇલ વોલેટ્સનો ઉપયોગ ઘણો ઘટી ગયો છે, પરંતુ યુપીઆઇ પ્લેટફોર્મ તરીકે પેટીએમ હજી પણ બહુ લોકપ્રિય છે. આ કારણે પેટીએમનો કોઈ ને કોઈ રીતે ઉપયોગ કરતા લોકોને પેટીએમ પર મુકાયેલાં નિયંત્રણોને કારણે ચિંતા જાગે એ સ્વાભાવિક છે. 

કદાચ તમે પણ પેટીએમના યૂઝર હશો અને એ જ કારણે અત્યારે આ વાંચી રહ્યા હશો. 

અત્યારે તમારા મનમાં જાગી રહેલા સવાલોના આપણે જવાબ મેળવીએ.

(ધ્યાન આપશો કે આ જવાબો ફેબ્રુઆરી ૦૨, ૨૦૨૪ની સ્થિતિ મુજબ છે, તેમાં ફેરફાર થઈ શકે છે)

પહેલાં પેટીએમનું માળખું બરાબર સમજી લઇએ.

પેટીએમ કંપની જુદી જુદી રીતે આપણને વિવિધ પ્રકારની સર્વિસ આપે છે, જેમાં મુખ્ય છેઃ

  1. મોબાઇલ વોલેટ
  2. યુપીઆઇ પ્લેટફોર્મ
  3. પેમેન્ટ્સ બેંક
  4. ફાસ્ટટેગ તથા અન્ય પ્રકારની ફાઇનાન્સિયલ સર્વિસિસ

હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ બધામાંથી પેટીએમ પેમેન્ટ્સ બેંક પર નિયંત્રણો મૂક્યાં છે. આથી પેટીએમની અન્ય સર્વિસિસના ઉપયોગ પર તાત્કાલિક કોઈ અસર થવાની સંભાવના નથી. મતલબ કે પેટીએમ કંપની કે એપ સદંતર બંધ થઈ જશે એવી ચિંતા રાખવાની જરૂર નથી.

એવું પણ બને કે તમારું પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં કોઈ એકાઉન્ટ હોય જ નહીં. આથી તમને આ નિયંત્રણોની કોઈ અસર થાય નહીં.

જો તમારું પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં એકાઉન્ટ હોય તો ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ પછી તેમાં તમે નાણાં ઉમેરી શકશો નહીં. 

પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં ખાતું હોય અને તેમાં રૂપિયા હોય તો તેનું શું થશે?

પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં ફેબ્રુઆરી ૨૯, ૨૦૨૪થી નવા એકાઉન્ટ ખોલાવવા પર કે હાલના એકાઉન્ટમાં વધુ રૂપિયા જમા કરવા પર નિયંત્રણો મુકાયાં છે, પરંતુ જો તમારું પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં એકાઉન્ટ હોય અને તેમાં રૂપિયા જમા હોય તો એ સલામત રહેશે. તમે તેને હાલમાં તમારા અન્ય કોઈ પણ બેંકમાંના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો તેમજ ફેબ્રુઆરી ૨૯, ૨૦૨૪ પછી પણ તમારી રકમ તમે અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશો.

પેટીએમ એપમાં યુપીઆઇનો ઉપયોગ ચાલુ રહેશે?

હા. પેટીએમ એપમાંથી તમે યુપીઆઇનો ઉપયોગ ચાલુ રાખી શકશો. હાલની સ્થિતિ અનુસાર, તેના પર આરબીઆઈએ કોઈ નિયંત્રણો મૂક્યાં નથી.

પરંતુ જો તમારું પેટીએમમાંનું યુપીઆઇ એકાઉન્ટ પેટીએમ પેમેન્ટ્સ બેંક સાથે કનેક્ટેડ હશ, તો ફેબ્રુઆરી ૨૯, ૨૦૨૪થી તેના ઉપયોગ પર નિયંત્રણ લાગુ થઈ જશે.

પેટીએમ મારફત ખરીદેલ ફાસ્ટટેગ સર્વિસ ચાલુ રહેશે?

હા. ફાસ્ટટેગ સર્વિસિસ પેમેન્ટ્સ બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ ચાલુ રહેશે. અહીં એક વાત બરાબર સમજવા જેવી છે. પેટીએમ વિવિધ પ્રકારના ફાઇનાન્સિયલ સર્વિસિસ તેની પોતાની પેમેન્ટ્સ બેંક અથવા અન્ય જાહેર/ખાનગી બેંકના સાથમાં ઓફર કરે છે. જેમ કે જો તમે પેટીએમ પર યુપીઆઇનો ઉપયોગ કરતા હો તો તેમાં મોટા ભાગે તમારી અન્ય કોઈ પણ બેંકનું ખાતું કનેક્ટ કર્યું હશે. 

જે સર્વિસિસ પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા ઓફર કરવામાં આવે છે તેને હવે અન્ય પાર્ટનર બેંક્સમાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી પેટીએમ કંપનીએ શરૂ કરી છે. આથી ફેબ્રુઆરી ૨૯, ૨૦૨૪ની ડેડલાઈન પછી પણ પેટીએમની લગભગ કોઈ સર્વિસ તદ્દન અટકી જાય તેવું બનશે નહીં.

હવે વિવિધ શોપ્સ પર પેમેન્ટ્સ માટે પેટીએમના સ્ટિકર સ્કેન કરવાં?

હા. એમાં કોઈ વાંધો નથી. ઓફલાઇન મર્ચન્ટ્સ માટેના પેટીએમ ક્યૂઆર કોડ, પેટીએમ સાઉન્ડ બોક્સ અને પેટીએમ કાર્ડ મશીન જેવી સર્વિસ રાબેતા મુજબ ચાલુ રહેવાની છે. તમે આવી સર્વિસનો ઉપયોગ કરતા દુકાનદાર હો કે ગ્રાહક, તમારે ચિંતા રાખવાની જરૂર નથી. 

પેટીએમ પેમેન્ટ્સ ગેટવેનો ઉપયોગ ચાલુ રહેશે?

જો તમે તમારી કંપની માટે ઓનલાઇન શોપ ચલાવતા હો અને તમારા વેબસ્ટોર કે એપમાં પેમેન્ટ્સ ગેટવે તરીકે પેટીએમ પેમેન્ટ્સ ગેટવેનો ઉપયોગ કરતા હો તો આ સર્વિસ પણ ચાલુ રહેશે. આરબીઆઇએ લાંબા સમયથી પેટીએમ પેમેન્ટ્સ ગેટવેમાં નવા મર્ચન્ટ એકાઉન્ટ ઉમેરવા પર નિયંત્રણો મૂક્યાં છે, પરંતુ જેમના એકાઉન્ટ ચાલુ હોય તેઓ તેનો ઉપયોગ ચાલુ રાખી શકે છે.

પેટીએમ પેમેન્ટ્સ બેંકનું શું થશે?

એક અમ્બ્રેલા કંપની તરીકે પેટીએમ કંપની તેની પોતાની પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ દ્વારા જે કોઈ સર્વિસિસ ઓફર કરે છે, માત્ર તેને જ આરબીઆઇનાં નિયંત્રણોની અસર થશે. પેટીએમ કંપની પેટીએમ પેમેન્ટ્સ બેંકને બદલે અન્ય બેંક્સ સાથેની પાર્ટનરશીપ આગળ વધારશે અને તેમની મદદથી વિવિધ સર્વિસ આપવાનું ચાલુ રાખશે. 

પેટીએમ એપ/વોલેટનો ઉપયોગ ચાલુ રહેશે?

જો તમે પેટીએમ એપમાંના વોલેટને પેટીએમ પેમેન્ટ્સ બેંક સાથે કનેક્ટ કર્યું હશે તો તે ફેબ્રુઆરી ૨૯, ૨૦૨૪થી કામ કરવાનું બંધ થશે. એ ખાસ ધ્યાને લેશો કે આપણે વોલેટમાં નવી રકમ ટ્રાન્સફર કરી શકીશું નહીં, પરંતુ તેમાંથી રકમ ટ્રાન્સફર કરીને પોતાના અન્ય બેંક એકાઉન્ટમાં લઈ જઈ શકીશું.

પેટીએમ દ્વારા લોન, ઇન્સ્યોરન્સ, ઇક્વિટીમાં રોકાણ વગેરે સર્વિસ ચાલુ રહેશે?

પેટીએમ દ્વારા ઓફર કરાતી આ બધી સર્વિસ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર સીધી આધારિત ન હોવાથી તેના ઓપરેશન્સમાં કોઈ ફેરફાર થાય તેવું લાગતું નથી.

હવે શું કરવું?

જો તમારું પેટીએમમાં કોઈ પણ પ્રકારનું એકાઉન્ટ હોય તો કંપની તરફથી આ નવી સ્થિતિ તથા ફેબ્રુઆરી ૨૯, ૨૦૨૪થી લાગુ થતા નિયંત્રણો વિશે જાણ કરતો ઇમેઇલ આવ્યો હશે. તે ઉપરાંત કંપની તરફથી આપણે લેવાં જરૂરી પગલાં વિશે પણ જાણ કરવામાં આવશે. આથી હાલની સ્થિતિમાં નીચેનાં પગલાં લેવાં હિતાવહ છે.

  1. પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં તમારું એકાઉન્ટ હોય અને તેમાં રૂપિયા જમા હોય તો તે અન્ય બેંકમાં ટ્રાન્સફર કરી લેવા. આ ટ્રાન્સફર પર ૩ ટકા જેટલો ચાર્જ લાગી શકે છે.
  2. પેટીએમ તરફથી આવતા ઇમેઇલ્સ પર નિયમિત રીતે ધ્યાન આપવું.
  3. પેટીએમના યૂઝર્સની બહુ મોટી સંખ્યા જોતાં, તેમની હાલની મૂંઝવણોનો લાભ ઉઠાવવા ઠગટોળકીઓ મેદાનમાં આવી જાય એવી પૂરી શક્યતા છે. સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ પર અન્ય કોઈ પણ જગ્યાએ પેટીએમ એકાઉન્ટમાંથી રકમ ટ્રાન્સફર કરવા વિશે કે અન્ય કોઈ પણ પ્રકારની મદદ આપવાનો દાવો કરતી લિંક પર વિશ્વાસ ન મૂકવો અને તેના પર ક્લિક કરવી નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.