fbpx
Search
Close this search box.

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માનવ મગજમાં ચિપ! જાણવા જેવું બધું, સરળ ભાષામાં

હમણાં, જાન્યુઆરી, 2024ના અંતે, અમેરિકન ટેક્નોક્રેટ ઇલોન મસ્કે તેમની માલિકીના એક્સ પ્લેટફોર્મ પર એક ટૂંકી પોસ્ટ મૂકીઃ ‘‘ગઈ કાલે, પહેલા માણસે ન્યૂરાલિંક તરફથી ઇમ્પ્લાન્ટ મેળવ્યું અને તે સારી રીતે રીકવર થઈ રહ્યો છે. શરૂઆતનાં પરિણામો ‘પ્રોમિસિંગ ન્યૂરોન સ્પાઇક ડિટેક્શન’ બતાવે છે.’’

બીજા દિવસે આ પોસ્ટ દુનિયાભરના મીડિયામાં હેડલાઇન બની.

ઇતિહાસમાં પહેલી વાર, એક જીવતા-જાગતા માણસના મગજમાં કમ્પ્યૂટર ચિપ બેસાડવામાં આવી.

ઇલોન મસ્કની ‘ન્યૂરાલિંક’ને આવી ટ્રાયલ માટે ગયા વર્ષે જરૂરી મંજૂરી મળી ગઈ હતી.

આપણે આ અખતરો શું છે, તેના આખરી હેતુ શા છે અને શરૂઆત કેવી રીતે થઈ છે તેની મુદ્દાસર વાત કરીએ.

ન્યૂરાલિંક કંપની કહે છે કે માનવ-મગજ અને કમ્પ્યૂટર/સ્માર્ટફોન એકમેક સાથે ‘વાત’ કરી શકે તો અનેક માનવજીવનને બહેતર બનાવી શકાય.

આ પ્રક્રિયાને બ્રેઇન-કમ્પ્યૂટર ઇન્ટરફેસ (બીસીઆઇ) કહે છે. ન્યૂરાલિંક ઉપરાંત બીજી સંખ્યાબંધ કંપનીઓ બીસીઆઇ વિક્સાવવા પર કામ કરી રહી છે.

ન્યૂરાલિંકે પહેલાં પ્રાણીઓના મગજમાં આવી ચિપ બેસાડવાના પ્રયોગો કર્યા (તે વિશે ઘણા વિવાદો પણ થયા) અને હવે પહેલી વાર માનવમગજમાં ચિપ બેસાડવામાં આવી છે.

કંપની કહે છે કે તે આ બીસીઆઇ ટેક્નોલોજી કંપનીઓની લેબમાંથી લોકોના ઘરોમાં પહોંચાડવા માગે છે.

હાલનો હેતુઃ કંપની હાલમાં જે લોકોને ક્વાડ્રીપ્લેજિયા (એક પ્રકારનો લકવો) થયો હોય એ લોકો ફક્ત પોતાના વિચારોથી પોતાના કમ્પ્યૂટર/સ્માર્ટફોન કંટ્રોલ કરી શકે, તેના પર ટેક્સ્ટ લખી શકે (ફક્ત વિચારીને!) એ દિશાના પ્રયાસો કરી રહી છે.

લાંબા ગાળાનું ભાવિઃ બ્રેઇન-કમ્પ્યૂટર ઇન્ટરફેસ સફળ થાય, તો લાંબા ગાળાનું લક્ષ્ય અંધ વ્યક્તિને દૃષ્ટિ આપવાનું, મૂક-બધીર વ્યક્તિને બોલતી-સાંભળતી કરવાનું અને લકવાગ્રસ્ત વ્યક્તિને હાથ-પગ ચલાવવા સક્ષમ કરવાનું છે!

મૂળ કન્સેપ્ટ એકદમ સાદો છે – ઉદાહરણ તરીકે, અત્યારે જે લોકો લકવાને કારણે હાથ-પગ ચલાવી શકતા નથી, એમના મગજમાંથી હાથ-પગ ચલાવવાના આદેશો તો નીકળે છે, પણ તે કરોડરજ્જુમાંની કે ચેતાતંત્રની અન્ય તકલીફને કારણે હાથ-પગ સુધી પહોંચતા નથી.

ભવિષ્મયમાં, મગજમાં બેસાડેલી ચિપ, મગજના આ સંદેશા ઝીલીને ચિપ સાથે કનેક્ટેડ એપમાં પહોંચાડશે, એપ એ જ સંદેશા ફરી શરીરમાં, હાથ-પગના ચેતાતંત્રને મોકલશે – વચ્ચે જ્યાં તકલીફ છે તે કરોડરજ્જુ જેવા ભાગને બાયપાસ કરવામાં આવશે!

બ્રેઇન-કમ્પ્યૂટર ઇન્ટરફેસ સ્થાપિત કરવા માટે જે ઇમ્પ્લાન્ટ (કે સાદા શબ્દોમાં ચિપ) મગજમાં બેસાડવામાં આવે છે તેને કંપનીએ ‘ટેલિપથી’ નામ આપ્યું છે.

તેનું કદ રૂપિયાના સિક્કા જેવડું છે, ફક્ત પાંચ-છ સિક્કા એકમેક પર મૂક્યા હોય એવું.

આ ચિપ માનવની ખોપરીમાં એક છિદ્ર કરીને મગજ પર ફિટ કરવામાં આવે છે. ચિપમાં ૬૪ થ્રેડ્સ (એક પ્રકારના તાર) છે અને બધામાં ૧,૦૨૪ અત્યંત સૂક્ષ્મ ‘ઇલેક્ટ્રોડ્સ’ છે (ઇલેક્ટ્રોડ્સ એટલે કોઈ વસ્તુમાં ઇલેક્ટ્રિસિટીના પ્રવાહને અંદર-બહાર જવાની સગવડ આપતા કન્ડક્ટર).

આવા ઇલેક્ટ્રોડ સાથેના થ્રેડ્સ મગજમાં પથરાઈ જાય છે અને મગજમાંથી વહેતાં ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ ઝીલી શકે છે.

ઇલોન મસ્કે તેમની પોસ્ટમાં ‘પ્રોમિસિંગ ન્યૂરોન સ્પાઇક ડિટેક્શન’ બતાવે છે’’ એમ કહ્યું તેનો અર્થ આ જ છે – ચિપના થ્રેડ્સ મગજનાં સિગ્નલ્સ ઝીલી શકે છે!

માનવમગજમાં ફિટ કરવામાં આવેલી ચિપ એક બાયોકમ્પેટિબલ (એટલે કે મગજના કોષો સાથે હળીમળીને રહે તેવા) મટિરિઅલથી બનેલા ‘કેસ’માં મૂકવામાં આવી છે. તે માનવશરીરમાં સામાન્ય રીતે સંભવ હોય તેના કરતાં અનેકગણી વધુ મુશ્કેલ સ્થિતિ સામે ટકી રહે છે.

આ કેસમાં એક નાની બેટરી છે, જે વાયરલેસ રીતે ચાર્જ થતી રહે છે.

આ બેટરી નીચે એકથી વધુ ચિપ્સ છે, જે બ્રેઇન-કમ્પ્યૂટર ઇન્ટરફેસનું મુખ્ય કામ કરે છે – મગજ અને કમ્પ્યૂટર વચ્ચે સંદેશાવ્યવહાર!

ન્યૂરાલિંક કંપની કહે છે કે આ ચિપ સાથે જોડેલા થ્રેડ્સ એટલા બધા પાતળા છે કે કોઈ ડોક્ટર-સર્જન તેને પોતાના હાથે મગજ પર પાથરી શકે નહીં.

કંપનીએ આ સર્જરી સંપૂર્ણપણે ઓટોમેટિક થાય એવો એક રોબોટ ડેવલપ કર્યો છે.

આ રોબોટ માનવવાળથી પણ પાતળી એવી એક સોયની મદદથી થ્રેડ્સને મગજમાં દાખલ કરીને તેમને યોગ્ય, નિર્ધારિત જગ્યાએ પહોંચાડે છે.

માનવમગજમાં ચિપ અને તેની સાથે કનેક્ટેડ થ્રેડ્સ પાથર્યા પછી, વાયા થ્રેડ્સ, મગજના સંદેશાઓ ઝીલીને તેને ન્યૂરાલિંકની એપમાં મોકલવામાં આવે છે.

આ એપ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેનો ઉપયોગ કરવા માટે ટ્રેઇન થયેલી વ્યક્તિ, એપના સ્ક્રીન પર, ફક્ત પોતાના વિચારોની મદદથી કર્સર ફેરવી શકે છે, માઉસની જેમ ક્લિક કરી શકે છે અને આગળ જતાં, ફક્ત વિચારોથી સ્ક્રીન પર શબ્દો-વાક્યો ટાઇપ પણ કરી શકશે!

કંપની પોતે કહે છે કે જીવતા જાગતા માણસ પર હવે શરૂ થયેલી ટ્રાયલ્સ પૂરી થતાં જ છ વર્ષ જેવો સમય લાગશે.

આખી વાતમાં, સમય, નાણાં, અન્ય સંસાધનો અને કાયદાકીય અડચણો ઉપરાંત પણ ઘણા પડકારો છે.

આપણે ફક્ત વિચારીને સ્માર્ટફોન પર જોઈતો વીડિયો ઓપન કરી શકીએ એ દિવસો હજી બહુ દૂર છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.