આપણે એને ‘મોહિત’ તરીકે ઓળખીએ. ઉંમર માંડ પચીસ વર્ષ.
એક દિવસ, મોહિતના પરિવારે તેને તાબડતોડ હોસ્પિટલ પહોંચાડવો પડ્યો. કોઈ અકસ્માત નહોતો થયો, પણ મોહિતનું વર્તન પાંચેક દિવસથી તદ્દન બદલાઈ ગયું હતું ને એક દિવસ તેણે પોતાના પિતા પર છરીથી હુમલો કર્યો. પિતા તો બચી ગયા પણ પરિવારે મોહિતને હોસ્પિટલે પહોંચાડવો પડ્યો.
મોહિત હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પહોંચ્યો ત્યાં સુધીમાં તેણે પોતાના પરનો કાબુ લગભગ ગુમાવી દીધો હતો. તેના વર્તનમાં અસાધારણ રઘવાટ અને બેચેની હતાં. એક ક્ષણે તે અત્યંત ડરેલો લાગે તો બીજી ક્ષણે તે ભારે આક્રમક બની જાય.
મોહિતનું વર્તન આવું કેમ હતું? હોસ્ટિપલના ઇમરજન્સી વોર્ડના ડોક્ટર્સ એ કારણ જાણવાની મથામણમાં પડ્યા.
મોહિતનું સીટી સ્કેન કરવામાં આવ્યું. તેમાં કશું અસાધારણ જોવા ન મળ્યું. લેબોરેટરીના બધા ટેસ્ટ પણ નોર્મલ હતા. મોહિતના પરિવારમાં માનસિક બીમારીનો કોઈ ઇતિહાસ નહોતો. ફક્ત એટલું જાણવા મળ્યું કે પાછલા ઘણા સમયથી તે કોઈ એક નોકરીમાં સ્થિર નહોતો થઈ શકતો. રાત્રે શાંતિથી ઊંઘી પણ શકતો નહોતો.
ડોકટરોને સમજાઈ ગયું કે આ કોઈ શારીરિક નહીં, પણ માનસિક બીમારીનો કેસ છે. મનોચિકિત્સકો મોહિતના કેસમાં ઊંડા ઉતર્યા.
મોહિત અને પરિવારના સભ્યો સાથેની વાતચીત પરથી જાણવા મળ્યું કે મોહિત હાઈસ્કૂલમાં હતો ત્યારથી પોતાના ઘરે અથવા ઇન્ટરનેટ કાફેમાં રોજના લગભગ પાંચેક કલાક ઓનલાઇન ગેમ્સ રમતો હતો.
પાછલાં બેએક વર્ષમાં તે ‘માસિવ મલ્ટિપ્લેયર ઓનલાઇન રોલ પ્લેઇંગ ગેમ્સ’ રમવામાં ખાસ્સો આગળ વધ્યો હતો.
ઓનલાઇન રમી શકાતી આ ગેમ્સમાં દુનિયાના જુદા જુદા ખૂણેથી રમતા પ્લેયર્સ એક સાથે ટીમ બનાવીને અથવા એકમેકની હરીફાઈમાં ગેમ રમતા હોય છે. કોઈ એકબીજાને ઓળખતું ન હોય પરંતુ ગેમ એક સમયે સાથે જ રમાતી જાય.
આ પ્રકારની લગભગ બધી ગેમમાં હોય છે તેમ મોહિત જે ગેમનો અઠંગ ખેલાડી બની ચૂક્યો હતો એ ગેમમાં પણ આખરે એકમેકને મારવા-કાપવાની જ વાત હતી.
મોહિત ધીમે ધીમે ગેમમાં એટલો ઊંડો ખૂંપતો ગયો કે તે રોજના આઠથી દસ કલાક ગેમ રમવામાં જ વિતાવવા લાગ્યો. ક્યારેક એવું બનતું કે એ ગેમ રમવાની લ્હાયમાં ખાવાપીવાનું ભૂલી જતો. રાત્રે ઊંઘવાનું છોડીને એ ગેમ રમ્યા કરતો. પરિવારના સભ્યો સાથે વાત કરવાનું પણ તેણે છોડી દીધું હતું. મોહિતે પોતે ડોકટર્સને કહ્યું કે તેને વાસ્તવિક દુનિયામાં લોકો સાથે હળવા મળવા કે વાત કરવાને બદલે ગેમમાં વધુ મજા આવતી હતી.
જોકે તેને ક્યાંક, મનમાં અંદર ખટકો હતો કે તે ખોટું કરી રહ્યો છે. તેણે ગેમ રમવાનો સમય ઓછો કરવાની ઘણી વાર કોશિશ કરી, પણ દર વખતે તે નિષ્ફળ ગયો.
આ કેસ એક મેડિકલ જર્નલની વેબસાઇટ પર આ કેસની સારવાર કરનારા ડોકટર્સ દ્વારા પ્રકાશિત થયો છે.
ડોકટર્સના મતે આ સ્પષ્ટપણે ‘ઇન્ટરનેટ એડિકશન ડિસઓર્ડર’ (આઇએડી)નો કેસ હતો. આ પ્રકારની બીમારીમાં વ્યક્તિ ઇન્ટરનેટ પર વધુ પડતો સમય વિતાવ્યા પછી આસપાસની સાચી દુનિયા સાથેનો સંપર્ક કે વ્યવહાર લગભગ કાપી નાખે છે. એ પોતાની જ દુનિયામાં ખોવાયેલો રહે છે. પોતાના વ્યક્તિગત, પારિવારિક કે સામાજિક જીવન પર અને નોકરી કરતો હોય તો તેના પર પણ ગંભીર અસર થતી હોવા છતાં, અને તેને અસર સમજાતી હોવા છતાં તે આ આદત છોડી શકતી નથી.
મોહિતના કિસ્સામાં એવું બન્યું કે તેની કમ્પ્યૂટર અને મોબાઇલમાં ગેમ્સ રમવાની આદત વધુ પડતી વધ્યા પછી, તેના માતા-પિતાના દબાણથી અને કંઈક અંશે પોતાની ઇચ્છાથી તેણે ગેમ રમવાનું સદંતર બંધ કરી દીધું.
એ પહેલાં, પાછલાં સતત બે વર્ષથી તે રોજના ૧૦-૧૨ કલાક ગેમ રમવામાં વીતાવતો હતો. જેને અચાનક બંધ કર્યા પછી બીજા જ દિવસથી તે વધુ પડતી બેચેનીનો શિકાર બન્યો. તેણે કોઈ ટીવી પ્રોગ્રામમાં મન પરોવવાની કોશિશ કરી તો દુર્ભાગ્યે તેમાં જાણવા મળ્યું કે ઇલેકટ્રોમેગ્નેટિક વેવ્સના વધુ પડતા સંપર્કથી વ્યક્તિ નપુંસક બની શકે છે. આ ડર ૨૫ વર્ષના મોહિતના મનમાં ઘર કરી ગયો તેને લાગ્યું કે પોતે આ જ વાતનો શિકાર બની ગયો છે.
દોડાદોડ તેણે પોતાના કમ્પ્યૂટરના તમામ વાયર્સ છૂટા કરી નાખ્યા. ઘરમાં બીજાં જે કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો હતો તેના કેબલ્સ પણ તેણે ખેંચી કાઢ્યા. મોહિતનું આવું વર્તન વધતું ગયું અને છેવટે એક દિવસ તેના પિતા બહારથી ઘરે પરત ફર્યા ત્યારે બારણા પાછળ સંતાયેલા મોહિતે તેમના પર છરીથી હુમલો કર્યો. દેખીતું છે કે મોહિત જે ગેમ સતત રમતો હતો તેમાં અન્યોને ખતમ કરી નાખવાની વાત કેન્દ્ર સ્થાને હતી.
મોહિતની સારવાર કરતા ડોકટર્સનો અનુભવ હતો કે આવા કિસ્સામાં મોટા ભાગે ઓનલાઇન ગેમ્સનો વધુ પડતો પ્રભાવ લોકોના વર્તનમાં તો ઠીક અવાજમાં પણ પરખાઈ આવતો હોય છે. આવી લતનો ભોગ બનેલી વ્યક્તિ ઘણી વાર બોલે ત્યારે પણ તેની વાતચીત કે અવાજમાં ઓનલાઇન ગેમ્સના કેરેકટર્સની છાંટ આવી જતી હોય છે.
ગેમ્સમાં ખૂનામરકીનું વધુ પડતું પ્રમાણ હોવાથી વર્તનમાં દેખીતી આક્રમકતા આવી જતી હોય છે. બીજી તરફ એ વ્યક્તિ બીજી બધી રીતે સામાન્ય હોવાને કારણે એ પોતે પણ સમજતી હોય છે કે પોતે કંઈક ખોટું કરી રહ્યો છે. આ બે બાબતો વચ્ચેનું દ્વંદ્વ હદ બહાર વધી જાય ત્યારે એ વ્યક્તિ માનસિક સંતુલન ગુમાવી બેસે છે.
મોહિતના કિસ્સામાં એવું જ થયું હતું. મોહિતે ડોક્ટર્સને કહ્યું કે તે ગેમ ન રમતો હોય ત્યારે પણ તેને વિવિધ ઓનલાઇન કેરેકટર્સના અવાજો સંભળાતા હતા. તેણે પિતા પર હુમલો કર્યાે ત્યારે એ દિવસે એક્ઝેટલી શું બન્યું એ તેને બિલકુલ યાદ નહોતું.
છેવટે ડોક્ટર્સે મોહિતને દવાઓ અને લાંબા ગાળાના કાઉન્સેલિંગથી સારવાર આપી. હોસ્પિટલમાં દાખલ થયો એ દિવસથી એ ક્યારેય ઓનલાઇન ગેમ્સ રમ્યો નથી અને તેનું વર્તન સંતુલિત થતું ગયું.
હોસ્પિટલમાં બે અઠવાડિયાની સઘન સારવાર પછી તેને રજા આપવામાં આવી. એ પછી છએક મહિનામાં તેને એક પાર્ટટાઇમ જોબ મળી ગઈ. મોહિતને હજી પણ રાત્રે સારી ઊંઘ માટે દવા લેવી પડે છે. પરંતુ તેનું વર્તન બિલકુલ સામાન્ય થઈ ગયું છે.
(એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત કેસ સ્ટડીનો સારાંશ)
(‘સાયબરસફર’ના અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)