આ શબ્દ હજી પણ ઘણા લોકોને ગૂંચવે છે.
સ્માર્ટફોનનો ઉપયોગ કરતા ઘણા લોકોને હજી પણ તેની પાયાની બાબતો પૂરતી જાણકારી ન હોવાને કારણે નાની નાની વાતે તેઓ ગૂંચવણ અનુભવતા હોય છે.
આવા પ્રશ્નો ક્યારેક એટલા પ્રાથમિક હોય છે કે તેઓ બીજાને પૂછતાં પણ ખચકાય છે અને જો હિંમત કરીને પૂછે તો સામેની વ્યક્તિ પાસે તેની વિગતવાર સમજ આપવા જેટલી ધીરજ કે સમય નથી હોતાં!
આપણે ઉદાહરણ સાથે આ શબ્દ સમજવાની કોશિશ કરીએ.
સાદા ફોનમાં આપણે ફોનની ફોનબુકમાં કોન્ટેક્ટ્સ સેવ કરતા હતા. સ્માર્ટફોનમાં આપણે એન્ડ્રોઇડ હોય તો ગૂગલ એકાઉન્ટથી અને આઇફોન હોય તો એપલ એકાઉન્ટથી સાઇન-ઇન થતા હોઇએ છીએ. આ પછી ફોનની મેમરીમાં, સિમકાર્ડમાં અથવા આપણા ગૂગલ કે એપલ એકાઉન્ટમાં કોન્ટેક્ટ્સ સેવ કરવાની સગવડ મળતી હોય છે.
તેનો લાભ લઇને તમે તમારા બધા જ કોન્ટેક્ટ ગૂગલ કે એપલ એકાઉન્ટમાં જ સેવ કરો એ સારું રહેશે. ફાયદો એ થશે કે તમે ઇચ્છો ત્યારે કોઈ પણ અન્ય ડિવાઇસમાં પણ, તમારા એકાઉન્ટથી સાઇન-ઇન થઇને કોન્ટેક્ટ્સ જોઈ શકશો.
ઉપરાંત જ્યારે પણ નવો ફોન ખરીદો ત્યારે એ ફોનમાં તમારા એકાઉન્ટથી સાઇન-ઇન થતાં, જૂના ફોનમાંના બધા કોન્ટેક્ટ્સ નવા ફોનમાં પણ સેવ થઈ જશે.
આમાં ‘સિન્ક્ડ’ ક્યાં આવ્યું?!
જવાબ આપણા ઉદાહરણમાં જ છે. આપણે ફોનમાં ગૂગલ કે એપલ એકાઉન્ટમાં સેવ કરેલા કોન્ટેક્ટ ફોનમાં નહીં પરંતુ, પોતાના એકાઉન્ટના ‘ક્લાઉડ’માં સેવ થાય છે. આથી ત્યાંથી ગમે તે ડિવાઇસમાં તેને જોઈ શકાય છે.
આનો અર્થ એ થયો કે ક્લાઉડમાંનો ડેટા જે તે ડિવાઇસમાંના ડેટા સાથે ‘સિન્ક્ડ’ એટલે કે તાલમેલમાં રહે છે. ‘સિન્ક’ ફીચરને કારણે આપણો ડેટા ક્લાઉડમાં તથા ડિવાઇસ બંનેમાં એક સરખી રીતે સચવાય છે. આથી કોઈ પણ ડિવાઇસમાં નવો કોન્ટેક્ટ ઉમેરતાં કે કોઈ કોન્ટેક્ટ ડિલીટ કરતાં એ ફેરફાર ક્લાઉડમાં પણ થાય છે.
ક્લાઉડમાંનો આપણો ડેટા અને ડિવાઇસમાંનો આપણો ડેટા કેવી રીતે સિન્ક્ડ રહે છે એ એક મુદ્દો બરાબર સમજી લેશો તો પછી બીજી બધી જ બાબતોની તમારી ગૂંચવણો ઉકેલાઈ જશે!
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)