વર્ષોથી તમે એક જ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો તેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. તમને તમારા બ્રાઉઝરથી પૂરો સંતોષ ન હોય તો અહીં કેટલાંક મહત્ત્વનાં બ્રાઉઝરનો પરિચય મેળવી લો…
ટીવી પરની જાહેરાતોમાં આપણે અવારનવાર નકલી ડેન્ટિસ્ટને કોઈ ચોક્કસ બ્રાન્ડની ટૂથપેસ્ટની ભલામણ કરતા જોઇએ છીએ પરંતુ અસલી ડેન્ટિસ્ટનો અભિપ્રાય લઈએ ત્યારે સામાન્ય રીતે તેઓ કોઈ એક જ બ્રાન્ડને વળગી રહેવાને બદલે થોડા થોડા સમયે જુદી જુદી બ્રાન્ડની ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાની સલાહ આપતા હોય છે.
એવું જ રાંધવા માટેના તેલની બાબતમાં કહેવાય છે. નિષ્ણાતો કહે છે કે કોઈ એક જ પ્રકારનું તેલ લાંબા ગાળા માટે ઉપયોગ કરવાને બદલે આપણે જુદા જુદા પ્રકારનું તેલ વાપરવું જોઈએ, જેથી લાભ-ગેરલાભનું સંતુલન જાળવી શકાય!
‘સાયબરસફર’માં વાસ્તવિક જિંદગીની આ વાત લખવાનું કારણ એ કે આ જ મુદ્દો ડિજિટલ દુનિયામાં પણ લાગુ પડે છે!
સામાન્ય રીતે આપણને સૌને વર્ષોથી કોઈ એક જ કંપનીના બ્રાઉઝરની મદદથી ઇન્ટરનેટ સર્ફિંગ કરવાની આદત હોય છે. તમે બહુ લાંબા સમયથી ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હો તો કદાચ તમારી પસંદ મોઝિલા ફાયરફોક્સ હોઈ શકે, બાકી અત્યારે મોટા ભાગના લોકોની જેમ તમે પણ ગૂગલના ક્રોમ બ્રાઉઝરના આદતી હશો.