‘આવાઝ કી દુનિયા કે દોસ્તોં…’ વર્ષો પહેલાં રેડિયો પર આ શબ્દો છવાઈ ગયા હતા. હવે આપણો અવાજ ખુદ આપણો દોસ્ત બનવા લાગ્યો છે. જાણો એક દાયકામાં આ ટેક્નોલોજી કેવી બદલાઈ.
ઇન્ટરનેટ પર વર્ષોથી ટેક્સ્ટ અને ઇમેજનો દબદબો રહ્યો છે. વીડિયોમાં વિઝ્યુઅલ અને વોઇસ બંને ખરાં અને વીડિયોનો પ્રભાવ હવે ઇન્ટરનેટ પર જોરદાર વિસ્તરી રહ્યો છે, પણ એકલા વોઇસ કે સાઉન્ડની દિશામાં બહુ પ્રગતિ થઈ નહોતી. આમ થવાનું એક મહત્ત્વનું કારણ છે, સાઉન્ડને ‘સમજવા’માં કમ્પ્યુટર સિસ્ટમ્સને પડતી મુશ્કેલી.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે કમ્પ્યુટર સિસ્ટમ્સ ટેક્સ્ટ કે ઇમેજ રૂપી ડેટાને ઘણી રીતે જોઈ-તપાસી-સરખાવી શકે છે. એટલે તો ઇન્ટરનેટ પરની અસંખ્ય વેબસાઇટ્સમાંથી આપણને જોઈતી માહિતી સર્ચ એન્જિન આંખના પલકારામાં તારવી શકે છે. પરંતુ પાછલા એક દાયકામાં આ સ્થિતિમાં ગજબના ફેરફાર થયા છે. કમ્પ્યુટર્સ અવાજનો અર્થ પામવા લાગ્યાં એ સાથે ‘વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ’એ ધમાલ મચાવી! છેલ્લા દસકામાં આ ટેક્નોલોજી કેવી રીતે વિસ્તરી તેના પર એક નજર ફેરવીએ…