ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ અને આજીવન અભ્યાસુઓને મજા પડી જાય એવું એક અનોખું ડેટા વિઝ્યુઅલાઇઝેશન.
ડેટા વિઝ્યુઅલાઇઝેશન એક ગજબનું વિજ્ઞાન છે. જુદી જુદી અનેક બાબતો વિશે હવે જુદા જુદા અનેક સ્રોતમાંથી પાર વગરનો ડેટા મળતો હોય છે, પરંતુ આ ડેટાનું પ્રમાણ એટલું બધું વધુ હોય છે કે તેને બરાબર સમજવો મુશ્કેલ બની જાય. ડેટા પૂરેપૂરો સમજાય નહીં તો તેમાંથી યોગ્ય સાર તારવીને આગળના પગલાં લેવાં પણ મુશ્કેલ બની જાય.
ડેટા વિઝ્યુઅલાઇઝેશન આ સ્થિતિમાં આપણી મદદે આવે છે. તેમાં વિવિધ પ્રકારના ડેટાને જુદી જુદી રીતે વિઝ્યુઅલાઇઝ કરીને આપણી સમક્ષ મૂકવામાં આવે છે જેને કારણે ડેટામાંથી કંઈક અર્થ તારવવો ઘણો સરળ બની જાય છે.
અમુક ખાસ પ્રકારના ડેટા વિઝ્યુઅલાઇઝેશનમાં ડિજિટલ મેપ્સની ભૂમિકા બહુ નિર્ણાયક હોય છે કેમ કે તેમાં નર્યા, કોરા આંકડાને નકશા પર મૂકતાંની સાથે આ ડેટામાં જાણે જીવ આવે છે!