સ્માર્ટફોનમાં મેપ્સના ઉપયોગની ઘણી મર્યાદાઓ છે. તેના રસપ્રદ ઉપયો અજમાવવામાં આવી રહ્યાં છે, જે ઇમર્જન્સીથી માંડીને ડ્રોથી ડિલિવરીમાં કામ લાગી શકે છે.
અમદાવાદમાં પુસ્તક મેળો આ વખતે ખોરવાઈ ગયો, પણ શરૂઆતમાં એ મે મહિનામાં અને પછી શિયાળામાં પણ, મજાના એરકન્ડિશન્ડ ડોમમાં યોજાતો હતો. છે. ૩ બાય દ મીટરના દરેક સ્ટોલને ચોક્કસ નંબર આપવામાં આવ્યો હોય અને પુસ્તક મેળાના પ્રવેશદ્વારે સ્ટોલ નંબર સાથે આખા ડોમનો નકશો પણ આપવામાં આવ્યો હોય. તેમ છતાં ઘણા લોકોને પોતાના મનગમતા પ્રકાશકના સ્ટોલ સુધી પહોંચવામાં તકલીફ પડતી હોય છે. ક્યારેક તમને પણ પડી હશે.
હવે વિચારો કે પુસ્તક મેળામાં કોઈ સ્ટોલને નંબર આપવામાં આવ્યા ન હોય અને પ્રવેશદ્વારે કોઈ નકશો પણ આપવામાં આવ્યો ન હોય તો? તમારી પાસે કોઈ સ્ટોલધારક પ્રકાશકનો ફોન નંબર હોય અને તમે તેનો સંપર્ક કરો તો પણ એ તમને પોતાના સ્ટોલનું સરનામું કેવી રીતે સમજાવે? સરનામું આખા પુસ્તક મેળાનું છે, પણ જે તે સ્ટોલનું નથી!
હવે આખી વાત જુદી રીતે વિચારો. અમદાવાદ-રાજકોટના હાઇવે પર તમારી કારને અકસ્માત થયો અને તમારે મદદની જરૂર છે. ૧૦૮ નંબર ડાયલ કરીને તમે એમ્બ્યુલન્સ તો બોલાવશો પણ તેને તમારું એક્ઝેક્ટ લોકેશન કેવી રીતે કહેશો?
ગૂગલ મેપ પર આપણું લાઇવ લોકેશન દેખાતું હોય છે તે આપણું લોકેશન છે, એ જગ્યાનું કાયમી સરનામું નથી. મેપ પરનું લોકેશન બીજા સાથે શેર કરી શકાય એ સાચું, પણ મોબાઇલમાં લોકેશન જીપીએસને આધારે નક્કી થાય છે અને તે સચોટ હોતું નથી. આ પણ તમારો અનુભવ હશે.
તમારું લોકેશન એકદમ સચોટ રીતે કહેવું હોય તો એ સ્થળનું પૃથ્વી પરનું પાકું સરનામું કહેવું પડે, જેને માટે અક્ષાંશ-રેખાંશ સૌથી વધુ ઉપયોગી થાય, પણ એ તાબડતોબ જાણવા કઈ રીતે?
જેમ કે અમદાવાદના કાંકરિયા તળાવની વચ્ચોવચ આવેલ નગીનાવાડીના અક્ષાંશ-રેખાંશ ૨૩.૦૦૬૦૭૯, ૭૨.૬૦૧૨૨૯ એટલી ચોક્સાઈ સાથે લખીએ તો તેનું સ્થાન દસેક મીટરની ચોક્સાઈ સાથે જાણી શકાય. પરંતુ ગૂગલ મેપ પર તમે તમારા ઘરના અક્ષાંશ-રેખાંશ શોધવાનો પ્રયાસ કરી જુઓ! અઘરું પડશે!
જે જગ્યાઓનું કોઈ ઔપચારિક સરનામું નથી, તેને પણ ‘જિઓકોડિંગ’થી એક ચોક્કસ સરનામું આપી શકાય છે. તેના ઘણા ફાયદાઓ છે.
તો કટોકટીની પળે, જ્યારે પળે પળ કિંમતી હોય ત્યારે કોઈ સ્થળનું સચોટ સરનામું કેવી રીતે જાણવું અને કેવી રીતે બીજાને કહેવું?
આનો ઉપાય શું હોઈએ શકે?