હમણાં એક મિત્ર સાથે વાત વાતમાં જાણવા મળ્યું કે તેમણે પોતાના ફોનને લોક્ડ રાખ્યો નહોતો. એવું કેમ? પૂછતાં જવાબ મળ્યો કે ફોનમાં એવું કંઈ ખાસ છે જ નહીં! લોક રાખવાની જરૂર નથી.
ઓકે, તો ફોનમાં ફેસબુક, વોટ્સએપ, જીમેઇલ વગેરે એપ છે? જવાબ હતો, હા. ફોનમાં બેન્કિંગ એપ્સ અને ગૂગલપે, ફોનપે જેવી કોઈ એપ છે? જવાબ હતો હા.
આમાંની ઘણી ખરી એપ ફોનના મુખ્ય લોક વિના તદ્દન ખુલ્લી રહે છે! ફોન થોડી વાર માટે પણ ખોટા હાથમાં જાય તો એ વ્યક્તિ ધારે તે કરી શકે.
આટલી વાતચીત પછી મિત્રને પૂછ્યું કે દિવાળી નજીક છે, તમે કોઈ મોટો બોમ્બ ફોડતી વખતે, તેની વાટ પેટાવીને દૂર જશો કે ત્યાં ને ત્યાં ઊભા રહેશો? મિત્ર સવાલનો મર્મ સમજી ગયા અને એમણે ફોનને લોક્ડ રાખવા માટે પાસવર્ડ સેટ કર્યો.
પોતાના ફોનને લોક્ડ ન રાખવા માટે મોટા ભાગના લોકો બે જ કારણ આપતા હોય છે,
એક, ફોનમાં એવું કંઈ નથી.
બીજું, અકસ્માત વખતે આપણો ફોન કોઈના હાથમાં આવે તો એ વ્યક્તિ, ફોન અનલોક્ડ હોય તો આપણા કોઈ સ્વજનનો સંપર્ક સાધી શકેને?
પહેલા કારણનો જવાબ આપણે જાણ્યો – ફોનમાં એવું ઘણું બધું હોય છે, જેને કારણે ફોનને લોક્ડ રાખવો જોઈએ. બીજું કારણ વાજબી છે, પણ તેના ઉપાય તરીકે ફોનના લોક્ડ સ્ક્રીન પર આપણું નામ અને આકસ્મિક સંજોગમાં સંપર્ક માટે કોઈ નજીકના સ્વજનનો નંબર આપી શકાય છે. આ સગવડ જાણીએ અને તેનો લાભ લઈએ!
મુદ્દો એ છે કે કોઈ જોખમ નથી એવું માની લઈને આપણે ઘણાં બધાં જોખમોને આમંત્રણ આપીએ છીએ.
વાત માત્ર પોતાના સ્માર્ટફોનને સલામત રાખવા પૂરતી સીમિત નથી. વ્યક્તિગત ઉપરાંત પારિવાિરક રીતે, સામાજિક રીતે, આપણાં બાળકોની ઓનલાઇન સલામતી માટે, આપણી આર્થિક બાબતોની સલામતી માટે જુદાં જુદાં ઘણાં પગલાં સમજવા જેવાં અને પછી તેના પર અમલ કરવા જેવાં હોય છે.
આપણે સ્માર્ટફોન અને તેમાં સોશિયલ મીડિયા, વિવિધ બ્રાઉઝર્સ, એપ્સ, પેમેન્ટ એપ્સ, બેન્ક કાર્ડ કે અન્ય રીતે ઓનલાઇન પેમેન્ટ વગેરે બધી બાબતોનો ઉપયોગ કરીએ છીએ, પણ તેનાં બારીક પાસાં તરફ આપવું જોઈએ એટલું ધ્યાન આપતા નથી. આવું વલણ ક્યારેક બહુ મોંઘું સાબિત થઈ શકે છે.
આ અંકમાં આવી વિવિધ બાબતો તરફ તમારું ધ્યાન દોર્યું છે. આમાંની ઘણી બાબતો કદાચ આપ જાણતા હશો. એવું હોય તો સરસ, ફક્ત તેના પર અમલ કરો છો કે નહીં તે તપાસી લો!
આપ અને આપના પરિવારને સલામતી, ખુશાલીભરી દિવાળી અને ઉજાસભર્યા નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)