કોઈ પણ નવી શરૂઆત હંમેશાં નવો ઉમંગ, ઉત્સાહ લાવતી હોય છે. ખાસ કરીને નવા વર્ષનો પ્રારંભ. આપણે આખું વર્ષ જે એક ઘરેડથી કામ કર્યું હોય, તેમાં કંઈક જુદો પ્રયાસ કરવાનું આપણું જોમ ચઢે.
આમ પણ સમય બહુ દયાળુ છે – એ આપણને સૌને નવી નવી તક આપતો રહે છે, પછી ભલે આપણે એ તક ઝડપી લેવામાં કાચા પડીએ! ભારતીય કેલેન્ડર હોય કે અંગ્રેજી કેલેન્ડર, તેમાં વર્ષો સતત બદલાતાં જાય છે અને એ દરેક ‘નવી શરૂઆત’ વખતે આપણને કંઈક નવું કરવાનો, જૂની ભૂલો સુધારી લેવાનો ઉત્સાહ જાગતો હોય છે. તમને પણ જાગતો હશે અને પછી કદાચ બધું ઠેરનું ઠેર થઈ જતું હશે!
છતાં આપણે વિચારેલી, કરવા ધારેલી બાબતોમાંથી ફક્ત અમુકનું પણ પાલન કરી શકીએ તો બરાબર સમજાય કે નવેસરથી શરૂઆત કરવાની આવી તકો ખરેખર ઝડપી લેવા જેવી હોય છે (કેમ? એની વાત આ વખતના સ્વાગત લેખમાં કરી છે).
કૃપાળુ સમયે ફરી આવી તક આપી છે – નૂતન વર્ષ શરૂ થવામાં છે!
વીતેલું આખું વર્ષ આપણે ભલે એક સરખી ઘરેડથી કામ કર્યું, હવે તેને કંઈક નવો ટ્વીસ્ટ આપી જોઈએ.
‘સાયબરસફર’માં આપણું ફોકસ ડિજિટલ લાઇફ છે, એટલે એ દૃષ્ટિએ આપણાં રોજબરોજનાં કામકાજ, તેને સંબંધિત ફાઇલ્સને નવી રીતે મેનેજ કરવાની કેટલીક રીત જાણીએ.
આજના સમયમાં આપણા કામકાજનો લગભગ બધો આધાર ડિજિટલ સાધનો, એપ્સ અને સર્વિસ પર છે. તમે એ બધી બાબતોનો જ્યારે, જેમ જરૂર પડે તેમ ઉપયોગ કરો છો? કે પછી ચોક્કસ વિચારપૂર્વક અને આયોજનબદ્ધ રીતે?
જો થોડો સમય ફાળવીને નીચેની બાબતોને આધારે થોડું નવેસરથી પ્લાનિંગ કરશો, તો નવું વર્ષ અલગ બની શકે છે!
ખાસ તો આપણાં ડિજિટલ સાધનો તરફથી આપણને જે વિચારો મળે છે તેનું ભાથું મેનેજ કરવા તરફ પણ ધ્યાન આપવા જેવું છે. તમે નોકરી કરતા હો કે પોતાનો બિઝનેસ હોય તો લાભ પાંચમના મુહૂર્તથી નવેસરથી આગળ વધવાનો ઉમંગ હોય. વિદ્યાર્થી હો તોય વેકેશન સાથે લાઇફને ‘રિબૂટ’ કરવાની આ તક છે.
નિવૃત્ત હો કે ગૃહિણી હો તો પણ તક ઝડપી લેવા જેવી છે. તમે આ પાછલી કેટેગરીમાં હશો તો પણ, પરિવારની બધી બાબતોના કેન્દ્રમાં તમે હો અને એ કારણે ટાસ્ક, ટાઇમ કે ફોકસ મેનેજમેન્ટ તમારે માટે પણ મહત્ત્વની બાબત છે.
એટલા માટે નીચે, આવી જુદી જુદી કેટેગરીમાં આપણા રોજિંદા જીવનને નવેસરથી ગોઠવવાની તક આપે તેવા ત્રણ-ત્રણ મુદ્દાની વાત કરી છે. વાત વાસ્તવિક જીવનની છે, પણ એમાં ડિજિટલ ટૂલ્સ કેવી રીતે કામ લાગે એના પર ફોકસ છે.
કેનવાસ પર થોડા લસરકાથી પણ ચિત્ર ઉપસી શકે એવું અહીં છે – તમે પોતાની રીતે દરેકમાં થોડા ઊંડા ઊતરશો તો આખું ચિત્ર વધુ સ્પષ્ટ થશે!