સામાન્ય રીતે ઇન્ટરનેટ પર જે કોઈ બાબત ખાસ્સી પોપ્યુલર હોય તેનો ઉપયોગ કરવામાં જોખમ પણ વધુ હોય છે. સ્માર્ટફોનની રીતે જોઇએ તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન, વેબસાઇટની રીતે જોઇએ તો વર્ડપ્રેસ પ્લેટફોર્મ પર બનેલી વેબસાઇટ, સોશિયલ મીડિયાની રીતે જોઇએ તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરે બધા પર યૂઝર્સની જોરદાર ભીડ હોવાને કારણે હેકર તેને પોતાનું નિશાન બનાવતા હોય છે. આવી જ એક વધુ જોખમી બાબત છે યુટ્યૂબ. આપણે સૌ જુદા જુદા અનેક પ્રકારના વીડિયો જોવા માટે યુટ્યૂબનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. યુટ્યૂબનો દર મહિને લગભગ ૨.૫ અબજ લોકો ઉપયોગ કરે છે.