ઇન્ટરનેટ પર ગમે ત્યાં, ભૂલ વિનાનું ઇંગ્લિશ લખવા પીસી અને ફોનમાં સ્પેલચેક ઇનેબલ્ડ રાખો.
ઇન્ટરનેટ પર હવે સ્થાનિક ભાષાઓનો ઉપયોગ ઘણો બધો વધ્યો છે પરંતુ ઘણી બધી વાર આપણે કંઇ ને કંઇ ઇંગ્લિશમાં ટાઇપ કરવાનું થતું રહેતું હોય છે.
આપણે જીવનમાં સફળતાના એવા કોઈ મુકામે પહોંચી ગયા હોઇએ જ્યાં લોકો આપણી ભાષાની ભૂલોને બદલે વિચારોની તાકાત તરફ વધુ ધ્યાન આપતા હોય તો તો વાંધો નથી, પરંતુ આપણે એ મુકામ તરફ હજી આગળ વધી રહ્યા હોઇએ ત્યારે ભાષામાં ભૂલો થાય અને આખી દુનિયા એ જુએ, તે ન ચાલે!
બે ઘડી ગમ્મત માટે આપણે ફેસબુક કે વોટ્સએપ પર કંઈ શેર કરી રહ્યા હોઇએ ત્યારે ભાષાની ભૂલો ચાલી જાય પણ કોઈ સિરિયસ સાઇટ પર આપણે કમેન્ટ કરી રહ્યા હોઇએ કે કોઈને ઈ-મેઇલ મોકલી રહ્યા હોઇએ ત્યારે તેમાં સ્પેલિંગની ભૂલો હોય એ પણ ન ચાલે.
આમ તો જો તમે ઇન્ટરનેટના એડવાન્સ્ડ યૂઝર હશો તો ગ્રામરલી જેવી સર્વિસ (grammarly.com જેના વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ) નો ઉપયોગ કરતા હશો, જે ઇન્ટરનેટ પર જુદે જુદે ઠેકાણે આપણે કંઈ પણ ટાઇપ કરી ત્યારે આપણી સ્પેલિંગની ભૂલો અને સાથોસાથ ગ્રામરની ભૂલો પણ ખરેખર સ્માર્ટલી રીતે તારવી બતાવે છે અને આપણી ભૂલને સ્થાને આપણે શું લખવું જોઈએ એ પણ બતાવે છે.
પરંતુ જો તમે ગ્રામરલીના ઉપયોગમાં ગૂંચવાતા હો તો કમ સે કમ ગૂગલ ક્રોમમાં બાય-ડિફોલ્ટ મળતી સ્પેલ ચેક સુવિધાનો લાભ તો અચૂક લેવો જોઇએ.
પીસી/લેપટોપના ક્રોમ બ્રાઉઝરમાં ઓટોમેટિક સ્પેલચેકર ઇનેબલ કરો આ રીતે…
(૧) પીસી કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરો. તેમાં ઉપર જમણી તરફ આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ.
(૨) તેમાં છેક નીચે સુધી સ્ક્રોલ કરીને એડવાન્સ્ડ સેટિંગમાં જાઓ.
(૩) ‘એડવાન્સ્ડ સેટિંગ્સ’માં ‘લેંગ્વેજિસ’નો વિકલ્પ શોધી કાઢો.
તેમાં સ્પેલ ચેકનો વિકલ્પ દેખાશે. તેમાં ‘બેઝિક સ્પેલ ચેક’ અને ‘એનહેન્સ્ડ સ્પેલ ચેક’ એમ બે વિકલ્પ મળશે.
‘એન્હેન્સ્ડ સ્પેલ ચેક’ વિકલ્પ પસંદ કરતાં, આપણે જે કંઈક ટાઈપ કરીશું તે ગૂગલને મળશે, પણ ગૂગલ સર્ચના સ્પેલ ચેકનો જ અહીં લાભ મળવાથી વધુ સારી રીતે સ્પેલ ચેક થઈ શકશે.
આ ત્રણ પગલાં લીધા પછી, હવે તમે જ્યારે પણ જીમેઇલ કે કોઈ વેબસાઇટ્સ પર ટેક્સ્ટ ફિલ્ડમાં કંઈ પણ ટાઇપ કરશો અને તેમાં સ્પેલિંગની ભૂલો કરશો તો ભૂલ ભરેલા શબ્દ નીચે લાઇન દેખાશે.
તેના પર માઉસ લઇ જઇને રાઇટ ક્લિક કરતાં ક્રોમની સિસ્ટમ સાચો સ્પેલિંગ બતાવશે જેને ક્લિક કરીને આપણે આપણી ભૂલ સુધારી શકીશું.
સ્માર્ટફોનમાં ઓટોમેટિક સ્પેલચેકર ઇનેબલ કરો આ રીતે…
મોબાઇલમાં મોબાઇલમાં સ્પેલ ચેકિંગ માટે ફોનના સેટિંગ્સમાં લેંગ્વેજ એન્ડ ઇનપૂટ સેકશનમાં જવાનું થશે. ફોનના મોડેલ અને ઓપરેટિંગ સિસ્ટમ મુજબ તેની જગ્યા જુદી જુદી હોઈ શકે છે. પરંતુ સેટિંગ્સમાં ‘લેંગ્વેજ’ કે ‘ઇનપૂટ’ સર્ચ કરીને સીધા તેના સુધી પહોંચી શકાશે.
એ પછી તમે જે કી-બોર્ડનો ઉપયોગ કરતા હો તેને માટે સ્પેલ ચેકર ઓન કરી શકશો.
એટલું યાદ રાખશો કે સ્પેલ ચેકર અને ઓટોકરેક્ટ એ બંને જુદી જુદી બાબત છે. જો ઓટોકરેક્ટ ઓન હશે તો તમે ઇંગ્લિશ લિપિમાં ગુજરાતી કંઈ પણ લખ્યું હશે તો સિસ્ટમ તેને પોતાની રીતે ‘સુધારી’ લેવાનો લોચો કરશે!
સ્પેલચેક ફોનમાં આપણે પસંદ કરેલી ભાષાના શબ્દોના સ્પેલિંગમાં કંઈ ભૂલ હોય તો એ તરફ આપણું ધ્યાન દોરે છે. એટલે આપણા દૈનિક ઉપયોગને ધ્યાને લેતા ઓટોકરેક્ટ બંધ રાખીને સ્પેલ ચેક ઓન રાખવું ઠીક રહેશે.
અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો