લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ – બંનેને પગલે ભારતમાં અને અન્ય દેશોમાં લોકો બિઝનેસને ધમધમતો રાખવા અને નિકટના સ્વજનો સાથે જીવંત સંપર્ક રાખવા વીડિયો કોન્ફરન્સિંગ સર્વિસ તરફ વળી રહ્યા છે.
આગળ શું વાંચશો?
- ગ્રૂપ વીડિયોનો આ જુવાળ ટકશે?
- બિઝનેસ માટે ગ્રૂપ વીડિયો વરદાન
- વીડિયો સોશિયલ સાઇટ્સ
- ગૂગલ ડ્યુઓ : પારિવારિક ઉપયોગ માટે એકદમ સરળ
- ઝૂમ : ખાસ્સાં ફીચર્સ, પણ એટલી જ વિવાદાસ્પદ
- ફેસબુક મેસેન્જર : સહેલી સર્વિસ, હવે પીસી એપ પણ
- સ્કાઇપ : હવે ઉપયોગમાં વધુ સરળ બની
- વોટ્સએપ : હંમેશા હાથવગી, પણ મર્યાદિત
- હેંગઆઉટ : બિઝનેસમાં વધુ ઉપયોગી
ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ કઈ છે, જાણો છો? આમ તો આપણા દેશમાં ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી એપની બોલબાલા છે, પણ કોરોના વાઇરસે આખા દેશમાં લોકડાઉન સર્જ્યા પછી, લોકો ‘ઝૂમ ક્લાઉડ મીટિંગ્સ’ નામની એક એપ તરફ વળ્યા છે. આ એપ વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા આપે છે. આ એપનો પ્લે સ્ટોર પર ડાઉનલોડ આંકડો પાંચ કરોડને ઓળંગી ગયો છે!
આમ જુઓ તો વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા તો ઘણી એપ્સ આપે છે, જેમાંની ઘણી તો પહેલેથી આપણા ફોનમાં બિરાજમાન છે, એટલે ઝૂમ જેવી વધારાની વીડિયો કોન્ફરન્સિંગ એપ આટલા મોટા પ્રમાણમાં ડાઉનલોડ થવાનું કોઈ ખાસ કારણ?
માર્ચ ૧૪થી ૨૧ના એક જ અઠવાડિયામાં બિઝનેસ કોન્ફરન્સિંગ એપ્સના ડાઉનલોડની સંખ્યા આખા વિશ્વમાં ૬.૨ કરોડને આંબી ગઈ – યાદ રહે, આ એક જ અઠવાડિયાના આંકડા છે!
કારણ એ કે આ એપ જેટલી મોટી સંખ્યામાં લોકોને એક સાથે ગ્રૂપ વીડિયો કોલિંગ કરવાની સગવડ આપે છે – એ પણ મફતમાં – એટલી બીજી કોઈ એપ આપતી નથી. ઝૂમ એપમાં ફ્રી એકાઉન્ટમાં પણ એક સાથે ૧૦૦ લોકો વીડિયો કોન્ફરન્સ કરી શકે છે. એટલે ખાસ કરીને સ્કૂલ્સ અને મોટા બિઝનેસીસને ઝૂમમાં ખાસ રસ પડ્યો છે. હવે સંખ્યાબંધ સ્કૂલ્સે ઝૂમ એપની મદદથી, સ્ટુડન્ટ્સ સાથે વીડિયો ક્લાસ શરૂ કરી દીધા છે.