ઘણી વાર એવું બને કે આપણે કોઈ વર્ડ ડોક્યુમેન્ટમાં લાંબા સમયની મહેનત પછી મહત્ત્વનો રિપોર્ટ તૈયાર કર્યો હોય અને પછી ક્યારેક એ ફાઇલ ફરી ઓપન કરવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણું હૃદય એક-બે ધબકાર ચૂકી જાય એવો મેસેજ વાંચવા મળે : વર્ડ આ ડોક્યુમેન્ટ વાંચી શક્યું નથી, ફાઇલ કરપ્ટ થઈ હોય શકે છે!
આવું માત્ર વર્ડમાં નહીં કોઈ પણ પ્રકારના પ્રોગ્રામની ફાઇલમાં થઈ શકે છે. ફાઇલ કરપ્ટ થવાનાં ઘણાં બધાં કારણો હોઈ શકે છે, પરંતુ અત્યારે આપણે વર્ડની કરપ્ટ થયેલી ફાઇલમાંની ટેક્સ્ટ ફરીથી કેવી રીતે મેળવી શકાય તેના પર ફોકસ કરીએ.
એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે ફાઇલ કરપ્ટ થવાનાં કારણો અને કરપ્ટ થવાનું પ્રમાણ જુદું જુદું હોવાથી તેનો કોઈ એક રામબાણ ઇલાજ હોતો નથી. આથી, જો એ ડોક્યુમેન્ટમાંની ટેકસ્ટ બહુ અગત્યની હોય અને ફરીથી તૈયાર કરવામાં લાંબો સમય લાગી શકે તેમ હોય તો આપણે તે પરત મેળવવા માટે જુદા જુદા ઉપાય અજમાવવા જ રહ્યા. સદ્નસીબે વર્ડની ફાઇલ સામાન્ય રીતે ફાઇલના હેડર્સમાં કંઈક મુશ્કેલી સર્જાવાથી કરપ્ટ થતી હોય છે અને મોટા ભાગના સંજોગોમાં ફાઇલમાંની ટેક્સ્ટ રિકવર કરી શકાતી હોય છે.