હમણાં કોઈ જગ્યાએ એક સરસ વાત વાંચવા મળી હતી – ટેકનોલોજી આપણે માટે છે, નહીં કે આપણે ટેકનોલોજી માટે!
અત્યારે ઇન્ટરનેટ પર જે રીતે પ્રાઇવસીની ચિંતાઓ ઊભી થઈ છે અને બહુ મોટા પાયે આપણી જાસૂસી કરીને આપણા વિશે જાતભાતનો ડેટા એકઠો કરીને તેનો આપણી જ સામે ઉપયોગ કરવામાં આવે છે એ જોતાં એવું લાગે છે કે આપણે ટેકનોલોજી માટે બન્યા છીએ!
પરંતુ આપણે સ્થિતિ ઉલટાવી શકીએ છીએ.
વાત સાવ સાદી અને નાની હોય પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવાની ટેવ કેળવીએ તો એ લાંબા ગાળા ઘણી બધી રીતે ઉપયોગી થાય. જેમ કે કમ્પ્યુટરની વાત કરીએ તો એમાં ઘણાં બધાં કામકાજ એવાં હોય છે જે મોટા ભાગે આપણે મેન્યુઅલી એટલે કે જાતે કરતા હોઇએ છીએ, પરંતુ એ જ કામ થોડું સ્માર્ટ થિંકિંગ કરીને કરીએ તો એ કામની જવાબદારી આપણે કમ્પ્યુટરને માથે નાખી શકીએ અને આપણું કામ સહેલું બનાવી શકીએ.
અહીં કેટલાંક એવાં નાનાં નાનાં ઉદાહરણ આપ્યાં છે, જેમાં જાતે મજૂરી કરવાને બદલે ટેકનોલોજી જેને માટે ડિઝાઇન થયેલી છે એવું સ્માર્ટ વર્કિંગ શક્ય બને છે.
આ દરેક બાબત વિશે વધુ જાણવા તમારે તેમાં થોડા ઊંડા ઊતરવું પડશે. ‘સાયબરસફર’ મેગેઝિનમાં આ દરેક બાબત વિશે સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી આપતા લેખો અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યા છે.
- સાવ સાદી રીતે શરૂઆત કરીએ તો કમ્પ્યુટરમાં વિન્ડોઝ એક્સપ્લોરરમાં સંખ્યાબંધ ફાઇલ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવી હોય તો એક એક ફાઇલ મૂવ કરવાને બદલે બાજુ બાજુમાં બે વિન્ડો ઓપન કરીને એક સાથે સંખ્યાબંધ ફાઇલ્સ (સળંગ ક્રમબદ્ધ ગોઠવાયેલી ફાઇલ્સ અથવા અલગ અલગ રહેલી ફાઇલ્સ) સિલેક્ટ કરીને તેને એક સાથે બીજા ફોલ્ડરમાં મૂવ કરતાં આપણને આવડવું જોઇએ.
- એ જ રીતે સંખ્યાબંધ ફાઇલ્સનાં નામ એક સાથે બદલવાની સગવડ પણ વિન્ડોઝ એક્સપ્લોરર આપે છે.
- ફોટોશોપ જેવા પ્રોગ્રામમાં તમારે ઢગલાબંધ ફાઇલ્સમાં એક સરખા પ્રકારનું એડિટિંગ કરવાનું હોય તો તેમાં એક ફાઇલ પર લીધેલાં એકશન્સ રેકોર્ડ કરીને, બીજી તમામ ફાઇલ્સ પર ફક્ત એક શોર્ટકટ કીની મદદથી એ એકશન્સ રીપીટ કરવાની સગવડ હોય છે. આ શીખી રાખશો તો બહુ સમય બચશે.
- એક્સેલ અને વર્ડ જેવા પ્રોગ્રામમાં મેક્રોઝ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. આપણે એક સરખા પ્રકારનું કોઈ કામ વારંવાર કરવાનું થતું હોય તો તેના માટે મેક્રો રેકોર્ડ કરીને આપણી મગજમારી મેક્રોને માથે નાખી શકીએ છીએ.
- ઓફિસમાં આપણે વારંવાર એક સરખા લેટર અનેક લોકોને મોકલવાના થતા હોય છે. ફક્ત એક વાર થોડો સમય કાઢીને મેઇલમર્જ કરતાં શીખી જશો તો એક્સેલમાં સેવ કરેલાં એડ્રેસીસ વર્ડમાં લેટરની ફાઇલમાં બોલાવીને એક સાથે અનેક, જુદા જુદા એડ્રેસ ધરાવતા લેટર્સની પ્રિન્ટ તમે મેળવી શકશો.
- જીમેઇલમાં પણ તમારે એક સરખા પ્રકારના મેઇલ્સ, જુદા જુદા સમયે અનેક લોકોને મોકલવાના થતા હોય તો એક મેઇલનું ટેમ્પલેટ બનાવીને, બીજી વાર કમ્પોઝ બોક્સમાં એ ટેમ્પલેટ કોલ કરીને ફક્ત ઉપરનું એડ્રેસ બદલીને આપણે બહુ ઝડપથી નવી વ્યક્તિને પહેલેથી નિશ્ચિત મેઇલ મોકલી શકીએ છીએ.
આગળ કહ્યું તેમ આ બધી સગવડ બહુ નાની નાની છે અને સામાન્ય રીતે આપણી નજરમાં આવતી નથી. પરંતુ તેના પર ફોકસ કરશો તો તમારે માટે મહત્વની બીજી બાબતો પર ફોકસ કરવા વધુ સમય મળશે! કમ્પ્યુટર અને સ્માર્ટફોનમાં આવી બીજી સંખ્યાબંધ બાબતો એવી છે, જે આપણું કામ બહુ સહેલું અને ઝડપી બનાવી શકે છે.
ટેક્નોલોજીની ગુલામીમાંથી આઝાદીની શુભેચ્છાઓ!
(આ લેખ ઓગસ્ટ 15, 2018ના રોજ ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત)
2 responses
Very nice suggestions.
Thannks!