ભારત સરકારે ફરજ પાડી એટલે વોટ્સએપે અફવાઓ ફેલાતી રોકવા તરફ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે થઈને તાત્કાલિક અપડેટ્સ બહાર પાડ્યા, જેમાં સૌથી અગત્યના બે ફેરફારો છે.
પહેલું તો એ કે વોટ્સએપ હવે ફોરવર્ડેડ મેસેજને સ્પષ્ટપણે આ મેસેજ ફોરવર્ડેડ છે એવું માર્ક કરીને મોકલે છે જેથી મેસેજ મેળવનારને ચોક્કસપણે ખબર પડે કે મોકલનારે સંદેશો ટાઈપ નથી કર્યો પણ કોઈની પાસેથી આવેલો મેસેજ સીધો ફોરવર્ડ જ કરી દીધો છે.
અન્ય મહત્ત્વનો ફેરફાર એ છે કે વોટ્સએપ કહે છે કે કોઈ પણ મેસેજ હવે અન્ય પાંચ જ ચૅટમાં ફોરવર્ડ થઈ શકશે.
આ બે ફેરફારોનો તાત્કાલિક અમલ કરવા એમણે નવું વર્ઝન બહાર પાડ્યું છે અને દરેક ભારતીય ભાષાનાં વર્તમાનપત્રોમાં આ નવા ફેરફારો વિષે એક આખા પાનાની જાહેરાત આપી ને સરકાર સમક્ષ પોતાની અફવાઓનો ફેલાવો રોકવાના પ્રયત્નો પ્રત્યે એમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી દીધી છે. પણ આ ફેરફારો કેટલા અસરકારક છે એના વિષે ટેકનોલોજી વર્તુળોમાં અટકળો શરૂ થઈ ગઈ છે.
ભવિષ્યમાં શું પરિણામ આવશે એ તો ફક્ત સમય જ કહી શકે પણ અહી આપણે આ ફેરફારો, એની અસરો, એમાં રહેલાં છીંડાં અને આ ફેરફારોનો અમલ કરવા જતાં લેવા પડતાં પગલાથી એમના મૂળ બિઝનેસ મોડેલ અને આ કટિબદ્ધતા વચ્ચે પેદા થતા ખટરાગનું તાર્કિક વિશ્લેષણ કરીએ અને એ અસરો વિશે અનુમાન તો લગાવી શકીએ જ.
સૌ પ્રથમ તો એ વાત આવે કે આ ફેરફારો ફક્ત ભારતીય વપરાશકારો પૂરતા જ લાગુ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે અને એ નિયમો અસરકારક બને એ માટે ભારતીય વપરાશકારોએ પોતાનું વોટ્સએપનું વર્ઝન અપડેટ કરવાનું રહે છે. જે લોકો અપડેટ ન કરે એમને માટે જૂની પદ્ધતિ ચાલુ જ રહે છે. એટલે કે ફક્ત પાંચ જ ચેટમાં મેસેજ ફોરવર્ડ કરવા માટેનું લિમિટેશન જે લોકો એપ અપડેટ ન કરે એમને લાગુ પડતું નથી.
વળી વોટ્સએપે આ પહેલાંનું વર્ઝન કોઈ એક તારીખથી સમાપ્ત થઈ જશે એવી જાહેરાત કરીને વપરાશકર્તાઓને નવું વર્ઝન નાખવા માટેની કોઈ સમયમર્યાદા બાંધીને ફરજ નથી પાડી. એટલે જે લોકો ફોરવર્ડિંગના શોખીનો છે અથવા તો ખાસ અફવા ફેલાવવી એ રીતસર જેમનો ધંધો જ છે એ લોકો તો જૂનું વર્ઝન ચાલુ રાખીને પોતાની હાટડી હજુય ધમધમતી રાખી શકે એમ છે.
બીજી વાત એ નોંધવા જેવી છે કે સરકાર તરફથી જે વિભાગના બાબુસાહેબોને આ માર્ગદર્શક નિયમો ઘડી કાઢવા માટેનું કામ સોંપવામાં આવ્યું છે એમણે પણ નિયમો બનાવતાં પહેલાં અફવાના ફેલાવાની રીત-રસમો વિષે પૂરતો અભ્યાસ કર્યા વગર જ નિયમો બનાવ્યા હોય એ સ્પષ્ટ દેખાઈ આવે છે.
ધારો કે કોઈ એક અફવા કોઈ એક વ્યક્તિ ફક્ત પાંચ જ જણને ફોરવર્ડ કરે તો બીજા તબક્કે એ અફવા ૨૫ જણા સુધી, ત્રીજા તબક્કે ૧૨૫ જણા સુધી, ચોથા તબક્કે ૬૨૫ જણા સુધી અને ફક્ત આઠમા જ તબક્કે ભારતના એક નાનકડા નગરની જનસંખ્યા જેટલા અધધ ત્રણ લાખ, નેવું હજાર છસ્સોને પચ્ચીસ જણા સુધી પહોચી જવાની ક્ષમતા ધરાવે છે અને ગણિતનો ખરો જાદુ તો હવે પછી જ દેખા દે છે.
હવે પછી તો સીધા એ નાનકડા નગરોની જનસંખ્યા જેટલા લોકોના ચાર ગણા લોકો એ અફવાની આગની લપેટમાં આવી જાય. એ પછીના તરતના તબક્કે તો પચ્ચીસ નાનાં નગરોની વસતિ જેટલી જનસંખ્યા અફવાની અડફેટે આવી જાય છે.
એક મેસેજ પાંચ ચેટ સુધી ફોરવર્ડ કરી શકાય છે. હવે જુઓ મજા – આ પાંચ ચેટ પાંચ ગ્રુપ પણ હોઈ શકે છે. એક ગ્રુપમાં ૨૫૦ સભ્યોની મહત્તમ મર્યાદા હોય તો ૨૫૦ ગુણ્યા ૫ બરોબર ૧૨૫૦ જેટલા માણસોને સંદેશો મોકલવાની સુવિધા પાછલા બારણે એમણે ખુલ્લી રાખીને એમને કમાણી કરાવી આપતા અફવાબાજો માટે મેદાન મોકળું રાખવાનું એ લોકો ચુક્યા નથી. વળી એક મેસેજ એક સમયે પાંચથી વધારે લોકોને નથી મોકલી શકાતો પણ કટકે કટકે પાંચ પાંચ ચેટ પસંદ કરીને તમે એ જ મેસેજ અગણિત લોકોને મોકલી શકો છો.
અલબત્ત પહેલાંના અનલિમિટેડ ફોરવર્ડિંગમાં તો આંકડો રાજાની કુંવરીની જેમ વધવાની શક્યતાને લીધે અફવા દાવાનળની માફક ફેલાતી હોય છે તો હવેની આ આંશિક નિયંત્રિત પદ્ધતિમાં એની ઝડપ અલબત્ત, થોડી નિયંત્રિત તો કહી શકાય કેમ કે એ રાજાની કુંવરીની જેમ નહી તો પણ અમદાવાદમાં આવેલા પર્વતની જેમ વધે છે. (અમદાવાદમાં વળી પર્વત છે? હા આ કડી પરનો લેખ જુઓ … https://gu.wikipedia.org/wiki/અમદાવાદનો_પર્વત ) એટલે કે અનિયંત્રિત તો બની જ જઈ શકે છે.
લગભગ બધાં જ સામાજિક માધ્યમોનો બિઝનેસ ગોલ લોકોની વાતો જાણી એના રૂપિયા ઉપજાવવાનો હોવાથી આવા પ્રકારનાં નિયંત્રણો એમને માફક આવતાં નથી હોતાં.
વોટ્સએપે પણ પોતાની ઈચ્છા વિરુદ્ધ આ ફેરફારો કરવા પડ્યા છે એવું એણે બહાર પાડેલા ફેરફારો પરથી પણ સ્પષ્ટ દેખાય છે, કેમ કે ગુજરાતી કહેવત “ખાળે ડૂચા અને દરવાજા મોકળા” યાદ અપાવી દે એ રીતે આ નવા ફેરફારો અમલમાં મૂક્યા છે.
ટૂંકમાં, ભારત સરકારે કરેલા દબાણનો આ સામાજિક માધ્યમ કંપનીએ “સાપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં” એવો વચગાળાનો રસ્તો કાઢેલો હોય એમ લાગે છે. આ ફેરફારોને કારણે અફવાના ફેલાવાની થોડી અસર તો જરૂર પડશે પણ ફેરફારો અસરકારક નીવડ્યા છે એવું લાગે એવું તો હરગિઝ નહી બને.
4 responses
એકદમ સાચું. મારે પણ લેપટોપ પરથી 5 જ fwd થાય છે એટલે મોબાઈલ (જુના વરઝન)પરથી એ અંતરાય પાર કરી જાઉં છું.
( જૂનું વર્ઝન હોવાથી) મારે Fwd માર્કંડ નથી આવતું પણ કોઈ અગર એ fwd ની બદલે કૉપી – પેસ્ટ કે એડિટ કરે અને પછી એ મેસેજ fwd કરે તો?
તો એ મેસેજ નવાની જેમ જ જોવા મળે છે! એટલે જ, સરકારના દબાણ પછી લેવાયેલાં વોટ્સએપનાં આ બધાં પગલાં માત્ર પોતે કંઈક કર્યું એવું બતાવવા પૂરતાં છે, કશું નક્કર નથી.
Nice and informative article. Keep spreading such awareness
Thanks!