‘સાયબરસફર’માં વારંવાર એક વાત લખી છે – આપણા દેશની બેન્કિંગ વ્યવસ્થામાં પાછલાં ૭૦-૮૦ વર્ષમાં જેટલાં પરિવર્તનો નથી થયાં એટલાં ફક્ત પાછલાં ૭-૮ વર્ષમાં થયાં છે.
આપણી સમગ્ર બેન્કિંગ વ્યવસ્થા વર્ષોથી, તદ્દન જૂની-પુરાણી રીતે કામ કરતી બેન્કની શાખાઓ અને એટલા જ જૂના-પુરાણા ચેક અને રકમ જમા-ઉપાડની સ્લીપના આધારે ચાલતી હતી.
આપણે બેન્કને લગતું સાવ નાનું અમથું કામ હોય તોય બેન્કની બ્રાન્ચ પર ધક્કો ખાવો પડે અને ત્યાં બે વાતની ઝંઝટનો અચૂક સામનો કરવાનો થાય – અકળાયેલા કસ્ટમર્સની વધુ પડતી ભીડ અને કંટાળેલા બેન્ક કર્મચારીઓ!
એ પછી બેન્કિંગમાં કમ્પ્યૂટર્સ આવ્યાં, એટીએમ આવ્યાં, શાખાઓ પરનું ભારણ થોડું ઘટ્યું. એ પછી મોબાઇલ વોલેટ્સ અને એમના પછી યુપીઆઇ આવતાં તો ચમત્કાર થયો! યુપીઆઇ પહેલાંથી જ બેન્કિંગ વ્યવસ્થામાં નાણાંની ડિજિટલ લેવડદેવડ માટે નેફ્ટ, આરટીજીએસ, આઇએમપીએસ વગેરેની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ તેના ઉપયોગ વિશે પૂરતી જાગૃતિ નહોતી.
યુપીઆઇથી નાણાંની ફટાફટ લેવડદેવડની સગવડ રીતસર આપણા હાથમાં આવી ગઈ. ફક્ત બેન્કિંગ એપ્સ નહીં, પેટીએમ, ફોનપે, ગૂગલપે જેવી પ્રાઇવેટ કંપનીની એપ્સ અને એરટેલ, જિઓ જેવી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીની એપ્સ તથા વોટ્સએપ જેવી પ્રચંડ રીતે લોકપ્રિય એપ્સમાં પણ યુપીઆઇનો ઉપયોગ શક્ય બન્યો.
આટલું હજી ઓછું હોય તેમ, વોટ્સએપમાં જ બેન્કિંગની કેટલાય પ્રકારની સગવડો મળવી શરૂ થઈ ગઈ.
આ બધાનું પરિણામ? આપણા બેન્કના ધક્કા લગભગ બંધ થયા અને આંગળીના ઇશારે લેવડદેવડ શક્ય બની.
એનું બીજું પરિણામ? રૂપિયાની લેવડદેવડ સંબંધિત ફ્રોડ અને છેતરપિંડીના પ્રયાસોનો પણ રીતસર રાફડો ફાટ્યો!
બેન્કિંગ વ્યવસ્થામાં જેટલાં મોટાં પરિવર્તનો આવ્યાં છે, એટલા જ મોટા પ્રમાણમાં રૂપિયા સંબંધિત ઓનલાઇન છેતરપિંડીમાં પણ ઉછાળો આવ્યો. આપણા સૌ પર, આપણને નિશાન બનાવતા ફોન કોલ, એસએમએસ અને વોટ્સએપ મેસેજિસનો રીતસર મારો થવા લાગ્યો છે.
જરા સાવધાની હટી, તો દુર્ઘટના ઘટી!
હવે એવી સ્થિતિ છે કે સામાન્ય લોકો ઓનલાઇન પેમેન્ટના નામથી ગભરાવા લાગ્યા છે.
સદનસીબે આ સ્થિતિનો સામનો કરવા માટે પણ પ્રયાસો થાય છે. એ પણ, પ્રોએક્ટિવ રીતે. આ અંકના બે મોટા લેખમાં એવા પ્રયાસોની વિગતવાર વાત કરી છે. સગવડ અને જોખમ બંને વધ્યાં છે, સામે જાગૃતિ પણ વધશે તો ખાતાં સરભર થઈ જશે!
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)