જૂની હિન્દી ફિલ્મોના વિલન અજિત યાદ છે? એમનો એક ડાયલોગ ખાસ્સો પોપ્યુલર હતો, ‘‘માઇકલ, ઇસે લિક્વિડ ઓક્સિજન મેં ડાલ દો… લિક્વિજ ઇસે જીને નહીં દેગા, ઓક્સિજન મરને નહીં દેગા…’’
અજિતની આ ‘ફિલોસોફી’ અત્યારે આપણે માટે ગૂગલે અપનાવી લીધી લાગે છે!
ગૂગલ પહેલાં આપણને જોરદાર રીતે, આપણી કલ્પના ન હોય એટલું બધું સાવ મફત આપે છે અને પછી હળવેકથી, જુદા જુદા લાભ પાછા ખેંચે છે. ત્યાં સુધીમાં આપણને તેની એવી આદત પડી ગઈ હોય કે એ સર્વિસનો ઉપયોગ ન બંધ કરી શકીએ, ન એને માટે રૂપિયા ખર્ચી શકીએ!
મરને ભી નહીં દૂંગા, જીને ભી નહીં દૂંગા જેવું કંઈક.
ગૂગલ કંપની પાછી અજિતથી પણ આગળ વધે છે, આપણે તેની આવી રીતભાત સામે ફરિયાદ કરી શકીએ એવી સ્થિતિ પણ કંપની રહેવા દેતી નથી.
જેમ કે, હમણાં સુધી વોટ્સએપ અને ગૂગલ બંને કંપની એકમેકના સાથમાં એવી સગવડ આપતી હતી કે આપણે વોટ્સએપમાંના પોતાના બધા ડેટાનો ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ સાચવી શકીએ. પછી જ્યારે ફોન બદલવાનો થાય ત્યારે ગૂગલ ડ્રાઇવમાંનો બધો બેકઅપ નવા ફોનમાં સહેલાઈથી ખેંચી લાવી શકીએ.
આ બધું અત્યાર સુધી મફત હતું. બેકઅપ ડેટા આપણા ગૂગલ એકાઉન્ટમાં ગણતરીમાં લેવાતો નહોતો. આ સગવડ આપણને (એન્ડ્રોઇડ યૂઝર્સને) પાંચેક વર્ષથી મળતી હતી.
આ ‘સગવડ’માં ગૂગલનો બીજો પણ સ્વાર્થ હોઈ શકે છે – વોટ્સએપમાં બધું એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય, બે છેડા વચ્ચે કોઈ તેને જોઈ શકે નહીં, પરંતુ ગૂગલ ડ્રાઇવમાં અગાઉ આ ડેટા એટલો સલામત નહોતો. ગૂગલે તેનો કોઈક રીતે ઉપયોગ કર્યો હોય એવું પણ શક્ય છે.
હવે વોટ્સએપ અને ગૂગલે ધડાકો કરીને કહ્યું કે બેકઅપનો ડેટા ગૂગલ એકાઉન્ટમાં ગણતરીમાં લેવાશે. જો તમે વીડિયો સાથે બેકઅપ લેતા હો, તો ગૂગલ એકાઉન્ટની ફ્રી લિમિટ બહુ જલદી પૂરી થઈ જવાની શક્યતા ખરી.
મતલબ કે આપણે ન બેકઅપ વિના ચલાવી શકીએ, ન એના માટે રૂપિયા ખર્ચવાની આપણી તૈયારી હોય.
આ વાતે ફરિયાદ એટલા માટે થઈ શકે એમ નથી કે વોટ્સએપે બેકઅપ વિના, એક ફોનમાંથી બીજા ફોનમાં વોટ્સએપ એકાઉન્ટનો ડેટા ટ્રાન્સફર કરવાની સહેલી રીત આપી છે. બીજી તરફ ગૂગલ પહેલેથી અન્ય કંપનીઓ કરતાં ઓછામાં ઓછી ત્રણ ગણી વધુ સ્પેસ, મફત એકાઉન્ટમાં આપે છે! ઉપરાંત, ફક્ત વોટ્સએપના બેકઅપ માટે વધુ એક ફ્રી ગૂગલ એકાઉન્ટ ખોલાવી લેવાનો રસ્તો તો ખુલ્લો જ છે.
આ બધી વાતો તમને ગૂંચવતી હોય તો આ અંકની કવરસ્ટોરી તમારે માટે જ છે. તેમાં વોટ્સએપના વિવિધ રીતે લેવાતા બેકઅપ, તેમાં આવેલા ફેરફાર અને તેના કયા ઉપાય થઈ શકે એની વિગતવાર વાત કરી છે.
એવો જ બીજો લેખ એપ-કેબમાં સલામતી માટેનાં ફીચર્સ સંબંધિત છે. આ સગવડ પણ ધીમે ધીમે આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની રહી છે ત્યારે, આપણા પોતાના માટે કે સંતાનો માટે તેમાં કેવાં સેફ્ટી ફીચર્સ છે એ સમજવું જરૂરી છે.
આ બધું લગભગ આપણી નજર સામે જ હોય છે, ફક્ત તેમાં થોડા ઊંડા ઊતરવું જરૂરી હોય છે.
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)