એઆઇ આપણને અરાજકતા તરફ ધકેલશે?

By Himanshu Kikani

3

યાદ છે? માંડ પાંચેક વર્ષ પહેલાં ૨૦૧૮માં વોટ્સએપ પર ફેલાયેલી અફવાને પરિણામે, ભારતમાં જુદી જુદી જગ્યાએ ટોળાએ ‘બાળકોને ચોરતી ટોળકી સભ્યો’ પર ત્રાટકી તેમને મારી નાખ્યા હતા? વોટ્સએપની એ અફવાને સાચી માની લેનારા લોકોને કારણે કુલ બે ડઝન જેટલા લોકોએ, સાવ વિના કારણ, જીવ ગુમાવ્યા હતા.

વોટ્સએપ પર ફોરવર્ડ થતી આવી વાતોને લોકો, ભણેલાગણેલા, જિંદગી જોઈ ચૂકેલા લોકો પણ ગજબની સહેલાઈથી સાચી માની લેતા હતા. હજી ઘણા એવું માને છે. એવું જ ગૂગલ, યુટ્યૂબ વગેરેનું હતું અને છે – એમાં લખેલું અથવા એના વીડિયોમાં જોયેલું બધું જ હજી પણ ઘણા લોકો સાચું માની લે છે.

સમાજ તરીકે, આપણી સહિયારી બુદ્ધિનું સ્તર આ છે!

આ બધી વાત અત્યારે કરવાનું કારણ એટલું જ કે આપણે ફરી એવી અરાજકતા તરફ ધકેલાઈ રહ્યા છીએ.

આપણે એકસવીસમી સદીના ત્રેવીસમા વર્ષમાં પ્રવેશ કરી લીધો છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ના યુગમાં પ્રવેશવા થનગની રહ્યા છીએ, પણ માણસ તરીકે આપણી બુદ્ધિ અને કમ્પ્યૂટરની હાલની કૃત્રિમ બુદ્ધિ – બંને સામે અત્યારે મોટા પ્રશ્નાર્થો છે!

કમનસીબે, ઇન્ટરનેટ થકી આપણું જીવન બદલી નાખનારી બે સૌથી મોટી કંપની અત્યારે, લગભગ અવિચારી ને ઉતાવળી કહી શકાય એવી રેસમાં ઊતરી છે. આ રેસની શરૂઆત ગયા વર્ષના નવેમ્બર મહિનાથી થઈ. ત્યારે ઓપનએઆઇ નામની એક રિસર્ચ કંપનીએ પોતાના એઆઇ આધારિત ચેટબોટને પબ્લિક રિવ્યૂ માટે ઓપન કર્યો. ધડાધડ લોકોએ તેની વેબસાઇટ પર હલ્લો બોલાવ્યો અને જાતભાતના સવાલોનો મારો ચલાવ્યો.

સામે ચેટબોટે પણ જબરી ઝીંક ઝીલી અને લોકો મોંમાં આંગળાં નાખી જાય એવી સલૂકાઈથી જવાબો આપ્યા. હવે તો એ ચેટબોટે વિવિધ કોલેજની પરીક્ષાઓ અને કંપનીઓના ઇન્ટરવ્યૂ પણ પાસ કરી લીધા છે.

તમને થશે કે એઆઇ આટલી આગળ વધી ગઈ હોય, તો પછી એમાં ચિંતા કરવા જેવું શું છે?

ચિંતા એ કે માનવ તરીકે હજી આપણે નવી ટેક્નોલોજીનાં જમા-ઉધાર પાસાં બરાબર સમજ્યા નથી ને એઆઇ પણ લાગે છે એટલી ‘બુદ્ધિશાળી’ નથી. એની બુદ્ધિ પાછી, એની સાથે વાતચીત કરતા લોકોને કારણે જ ‘ખીલે’ છે.

ગૂગલના ડેમોમાં જ એવી ગફલત થઈ કે કંપનીને સો અબજ ડોલરનું નુકસાન થઈ ગયું અને હવે ચેટજીપીટી તથા માઇક્રોસોફ્ટના બિંગ સર્ચ એન્જિનમાં ઉમેરાયેલી એ જ ટેક્નોલોજીનાં એવાં જ ભોપાળાં બહાર આવી રહ્યાં છે.

નિષ્ણાતો કહે છે કે આ ચેટબોટ ‘હલૂસિનેશન’ જેવી સ્થિતિ સર્જી શકે છે – જે હોય જ નહીં કે તદ્દન ખોટું હોય તે એકદમ સાચું લાગે એવી સ્થિતિ.

ગૂગલ અને બિંગ બંને સર્ચ એન્જિનમાં ટૂંક સમયમાં એવી સ્થિતિ સર્જાશે જ્યારે આપણે કંઈક પૂછીએ એ પછી જવાબ સુધી પહોંચવા વિવિધ વેબસાઇટ ફંફોસવી નહીં પડે. આપણને ઇન્સ્ટન્ટ જવાબ મળશે, પણ એ સંપૂર્ણ સચોટ, સાચો હોવાની, કમ સે કમ હાલ પૂરતી ખાતરી નહીં હોય.

હોમવર્ક માટે જવાબો કોપી-પેસ્ટ કરવા માગતા વિદ્યાર્થીઓ, પોતાની બીમારીનાં કારણ ને દવા શોધતા લોકો, ઓફિસના કામમાં શોર્ટકટ શોધતા લોકો… આ સૌ એઆઇના જવાબોને સાચા માનવા લાગશે તો ચોક્કસપણે અરાજકતા સર્જાશે, જે વોટ્સએપથી રસ્તે આવેલાં ટોળાની જેમ આપણને દેખાશે પણ નહીં !

એઆઇથી ભવિષ્ય ચોક્કસ સારું છે, પણ હાલ પૂરતું આપણે સાવધ રહેવું પડશે.                             

– હિમાંશુ

(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop