નવું વર્ષ હંમેશાં નવો ઉત્સાહ લઈને આવતું હોય છે – ખાસ કરીને પહેલા મહિને આપણા સૌના મનમાં, નવા વર્ષમાં કંઈકેટલીય વાતમાં કંઈક નવું કરી બતાવાવનું જોમ ચઢે – સવાલ ફક્ત આ ઉત્સાહ કે ઉજમને ટકાવી રાખવાનો હોય છે!
આપણે એકવીસમી સદીના ત્રેવીસમાં વર્ષમાં પ્રવેશી ગયા છીએ ત્યારે ‘સાયબરસફર’ના આ અંકમાં બે બાબતો આલેખી છે, જેમાંથી એક આપણામાં ખરેખર ઉત્સાહ જગાવે એવી છે, જ્યારે બીજી વાત એવી છે જે શરૂઆતમાં તો તમને ચાનક ચઢાવશે, તમે એ દિશામાં આગળ પણ વધશો, પણ પછી એ ઉત્સાહ ટકાવી રાખવાની જવાબદારી તમારા શિરે રહેશે.
પહેલાં એની વાત કરીએ, જે ખરેખર ગમે એવી છે અને એમાં આપણે પોતે એનો લાભ લેવા સિવાય ખાસ કંઈ કરવાનું નથી.
ઇન્ટરનેટ પર આપણને અકળાવે એવી આમ તો ઘણી બધી બાબતો છે, પણ એમાંની સૌથી પહેલા ક્રમની બાબત કદાચ પાસવર્ડ હશે! લગભગ દરેક ઓનલાઇન સર્વિસ, એપમાં હવે યૂઝર એકાઉન્ટ બનાવવાનું અને પાસવર્ડ નક્કી કરવાનું અનિવાર્ય હોય છે. પાસવર્ડ એવો હોવો જોઈએ જે આપણને યાદ રહે અને બીજા કોઈ તેને ક્રેક કરી ન શકે – આ બંને વાત એક સાથે શક્ય બનાવવી લગભગ અશક્ય છે!
જો તમે તમારા ફેવરિટ બ્રાઉઝરમાં જ સામેલ પાસવર્ડ મેનેજર સર્વિસનો લાભ લેતા હો કે એથી આગળ વધીને કોઈ પેઇડ પાસવર્ડ મેનેજમેન્ટ સર્વિસમાં તમારા પાસવર્ડ્સ સેવ કરતા હો તો વાત થોડી સહેલી બને. લગભગ આ બધી જ સર્વિસ એકદમ અટપટા, આપણને કોઈ રીતે યાદ રહે નહીં – અને યાદ રાખવાની જરૂર પણ નહીં – એવા પાસવર્ડ નક્કી કરવામાં મદદ કરે છે. આપણા બધા પાસવર્ડ એ જ સર્વિસમાં સચવાય અને ક્લાઉડ સર્વિસને કારણે આપણા દરેક ડિવાઇસમાં પણ એ સચવાય.
પણ, આમાં બે તકલીફ છે. એક તો, આવી પાસવર્ડ મેનેજર સર્વિસનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ અને બીજું, બધા પાસવર્ડ એક જ સર્વિસમાં સેવ કરીએ તો ત્યાંથી એ ચોરાવાનો હૈયે થડકો તો રહે જ.
હવે આ બંને તકલીફનો સચોટ ઉપાય આવી રહ્યો છે. આ નવા વર્ષમાં આપણે વધુ ને વધુ વેબસાઇટ્સ, એપ્સમાં પાસવર્ડને બદલે આપણી ફિંગરપ્રિન્ટ કે ફેસનો જ ઉપયોગ કરી શકીશું. મતલબ કે સંખ્યાબંધ સાઇટ્સમાં આપણને પાસવર્ડ યાદ રાખવાની જરૂર નહીં રહે, કેમ કે આપણે પાસવર્ડ બનાવ્યો જ નહીં હોય!
બીજી વાત એવી છે, જે નવા વર્ષમાં વધુ ધ્યાન આપવા જેવી છે – ફક્ત શરૂઆતમાં નહીં, આખેઆખું વર્ષ.
આ અંકમાં એવી કેટલીક ડિજિટલ સ્કિલ્સની વાત કરી છે જે સામાન્ય રીતે સ્કૂલ-કોલેજમાં શીખવવામાં આવતી નથી, પરંતુ હવે લગભગ તમામ પ્રકારની કરિયરમાં એ કામે લાગી શકે છે. સદનસીબે એ બધું જ, જાતે શીખવાના અનેક રસ્તા હવે આપણી પાસે છે.
એ જ રીતે, સોશિયલ મીડિયા પર આપણો સમય વેડફાઇ જાય તેને બદલે, જો ચોક્કસ ધ્યેય સાથે, નિશ્ચિત ફોકસ સાથે તેનો ઉપયોગ કરીએ તો એ પણ, લગભગ દરેક પ્રકારની કરિયરમાં આપણને બહુ મદદદરૂપ થઈ શકે છે. એ વિશે થોડું દિશાસૂચન પણ આ અંકમાં છે.
નવા વર્ષમાં તમારું ફોકસ બદલી જુઓ!
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)