અત્યારે તમે આ વાંચી રહ્યા છો, બરાબર એ મિનિટે, તમને ખબર છે કે તમારા ફોનમાંની કઈ કઈ એપ્સ તમારા પર આવેલા એસએમએસ વાંચી શકે છે?
જેમ ઇન્ટરનેટ પરની આપણી બધી પ્રવૃત્તિઓ ગૂગલના ચોપડે નોંધાય છે તેમ આપણાં બેન્ક ખાતાં, મ્યુચ્યુઅલ ફંડ કે શેરમાં રોકાણ, વીમા, લોન, ક્રેડિટ કાર્ડનાં બિલ અને પેમેન્ટ, ઓનલાઇન ખરીદીની વિગતો, બેન્ક ખાતા સહિત બીજાં કેટલાંય મહત્ત્વનાં એકાઉન્ટના ઓટીપી વગેરે બધું જ આપણા એસએમએસના ચોપડે નોંધાતું હોય છે. આપણે ભલે હવે લગભગ કોઈને એસએમએસ મોકલતા ન હોઈએ, પરંતુ આપણે માટે મહત્ત્વની તમામ જાણકારી હજી પણ એસએમએસ દ્વારા જ આપણને મોકલવામાં આવે છે.
આ કારણે, આપણા એસએમએસ વાંચવાની આપણે કઈ કઈ એપને પરમિશન આપી છે તે જાણવું જરૂરી છે. છતાં, મોટા ભાગના લોકોની જેમ તમને પણ લગભગ ખબર નહીં જ હોય કે અત્યારે તમારા ફોનમાંની કઈ કઈ એપ્સ તમારા એસએમએસ વાંચી રહી છે!
આ તો ફક્ત એક ઉદાહરણ થયું. એપ્સ આપણા સ્માર્ટફોનને ખરેખર સ્માર્ટ બનાવે છે, તેની ઉપયોગિતા વધારે છે એટલે તેના વિના આપણને ચાલવાનું નથી, પણ એ યાદ રાખવા જેવું છે કે જ્યારે પણ આપણે ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ કરીએ ત્યારે આપણે તેનો ઉપયોગ કરીશું કે પછી એપ આપણો ઉપયોગ કરી જશે એ જાણવું જરૂરી છે.
સ્માર્ટફોનની ઇકોસિસ્ટમ એવી રીતે ગોઠવાઈ છે કે લાખો ડેવલપર્સ ફોન માટે એપ્સ બનાવે છે. તેમનું કામ સહેલું બનાવવા તથા આપણા ફોનમાં બિનજરૂરી ભાર વધે નહીં એ માટે, એપ ફોનના જુદા જુદા રિસોર્સનો ઉપયોગ કરી શકે એવી સુવિધા ઓપરેટિંગ સિસ્ટમ આપતી હોય છે.
તકલીફ એ છે કે સારા હેતુથી ઊભી થયેલી આ વ્યવસ્થાનો ઘણા એપ ડેવલપર્સ ગેરલાભ લે છે. એમણે બનાવેલી એપ્સને આપણે બેધ્યાનપણે મંજૂરીઓ આપી દઈએ તો ક્યારેક મોટું નુક્સાન વેઠવાનો વારો આવી શકે.
એટલે જ આ અંકમાં, વિવિધ એપ્સને આપણે આપેલી પરમિશન્સ કેવી રીતે તપાસવી, કેવી રીતે બિનજરૂરી પરમિશન રદ કરવી, પરમિશન માટે મળતી નવી સલામતી સુવિધાઓનો કેવી રીતે લાભ લેવો વગેરે બાબતો પર ફોકસ કર્યું છે.
આપણે જ્યારે કોઈ સાયબર ફ્રોડનો ભોગ બનીએ ત્યારે તેમાં મોટા ભાગે જે તે ક્ષણે આપણાથી થયેલી ચૂક ઉપરાંત, લાંબા સમયથી કેટલીક મહત્ત્વની બાબતો તરફની આપણી બેકાળજી પણ મોટી ભૂમિકા ભજવતી હોય છે. આપણે પોતે સામે ચાલીને આપણી મહત્ત્વની માહિતીઓની લ્હાણી કરતા રહીએ તો ક્યારેક ને ક્યારેક કોઈ તેનો લાભ ઉઠાવી લે એવું બની શકે.
એટલા માટે જ, ફોનમાંની એપ્સને આપણે આપેલી મંજૂરીઓ તપાસવી જરૂરી છે!
– હિમાંશુ