આ અંક સાથે આપણી ‘સાયબરસફર’ દસ વર્ષ પૂરાં કરીને અગિયારમા વર્ષમાં પ્રવેશે છે! ફક્ત પર્સનલ ટેક્નોલોજી વિષય પર કેન્દ્રિત કોઈ મેગેઝિન હોઈ શકે, એ પણ પ્રિન્ટેડ મેગેઝિન અને એ પણ ગુજરાતી ભાષામાં (અને જે આટલું ટકે!) એ જ બતાવે છે કે આપણે ખરેખર ૨૧મી સદીમાં ઘણા આગળ વધી ગયા છીએ!
અનેક વાચકોના હૂંફાળા સાથ અને દરેક રીતે મદદરૂપ થવાની ભાવના વિના સફર આ પડાવે પહોંચી ન શકી હોત – આપ સૌનો દિલથી ઋણસ્વીકાર!
સફરના પ્રારંભે એવું વિચાર્યું હતું – એ સમયે સ્માર્ટફોનનો આજના જેવો જમાનો આવ્યો નહોતો – કે ઘર ઘરમાં કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ પહોંચવા લાગ્યાં છે, પણ આ મહાશક્તિશાળી સાધનોનો જોઈએ એવો ઉપયોગ થતો નથી, તો તેની ઉજળી બાજુ પર ફોકસ કરવું અને રોજિંદા જીવનમાં વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષે અને વધારે, શિક્ષકો તથા ઓફિસમાં કામ કરતા લોકોની કાર્યક્ષમતા વધારે અને સૌની જિંદગીમાં આ સાધનોથી કંઈક વધુ ખુશાલી આવે એવું વાંચન આપવા પર ભાર મૂકવો.
ઘર ઘરમાં કમ્પ્યૂટરમાંથી હવે દુનિયા ઘણી આગળ વધી ગઈ છે અને દરેક હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે. ઇન્ટરનેટ રીતસર આપણા જીવન પર પ્રભાવી થઈ ગયું છે. તકલીફ એ છે કે એની જેટલી સારી અસરો છે એટલી જ ખરાબ અસર પણ છે.
સારી કે નરસી બંને પ્રકારની અસરથી આપણે દૂર રહી શકીએ એવી કોઈ શક્યતા જ નથી. આપણી પાસે બે જ વિકલ્પ છે – એક આ સાધનોને આપણાં ગુલામ બનાવીએ અને એની પાસેથી કંઈક વધુ જાણીએ, વધુ મેળવીઅે અને બીજો રસ્તો આપણે એના ગુલામ બનીએ!
‘સાયબરસફર’નું ફોકસ નવા સમયનાં સાધનો અને નવી ટેક્નોલોજીનાં વિવિધ પાસાં સમજીને એના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવા પર રહ્યું છે. ‘સાયબરસફર’ માટે ટેક્નોલોજી માત્ર માધ્યમ છે, મૂળ હેતુ તો આપણા જીવનની મજા વધારવાનો છે! એટલે ફક્ત વિવિધ વેબસર્વિસ કે એપ્સ વિશે જ વાત કરવાને બદલે, કંઈક નવું, કંઈક જુદું જાણવાની, ઇન્ટરનેટ પર એની શોધ ચલાવવાની અને પછી પોતાની રીતે એમાં આગળ વધવાની વિવિધ રીતોને પ્રોત્સાહન આપવાનો પણ આ મેગેઝિનમાં પ્રયાસ થાય છે.
આગામી વર્ષોમાં આપણી આ સફર બદલાતા સમય અનુસાર નવા નવા સ્વરૂપે આગળ વધારવાની પણ નેમ છે, સાથ આપતા રહેશો!
– હિમાંશુ