‘સાયબરસફર’માં આપણે અવારનવાર વાત કરી છે કે ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં આવડે એટલું પૂરતું નથી, એનાં વિવિધ પાસાંની પૂરતી સમજ હોવી જોઈએ. ટેક્નોલોજીનો આપણે પોતાના લાભ માટે પૂરો ઉપયોગ કરી શકીએ તો આપણે એના સાચા જાણકાર કહેવાઈએ.
આ વાત અત્યારે ફરી યાદ આવવાનું એક કારણ છે.
વર્ષ ૨૦૨૦ અને ત્યાર પછી ગયા ૨૦૨૧ના વર્ષમાં કોરોનાને પ્રતાપે આપણે સૌએ અચાનક ‘ટેક સેવી’ થવું પડ્યું. શિક્ષકોએ ભણાવવા માટે, વિદ્યાર્થીઓએ ભણવા માટે, મા-બાપે સંતાનો નવી રીતે બરાબર ભણી શકે એ જોવા માટે, લોકોએ ઓફિસને બદલે ઘરેથી કામ કરવા માટે, ગૃહિણીઓએ ઘેરબેઠાં ચીજવસ્તુઓ ઓર્ડર કરી, ઓનલાઇન પેમેન્ટ કરવા માટે…
આમ બધાએ કોઈ ને કોઈ કારણસર નવી ટેક્નોલોજીના વધુ ઉપયોગ તરફ વળવું પડ્યું. ‘વધુ’ લખવાનું કારણ એટલું જ કે આ બધું શરૂ તો ક્યારનું થઈ ગયું હતું, કોરોનાએ આપણને જોરદાર ધક્કો માર્યો!
પરંતુ આ દરમિયાન ઘણા કિસ્સામાં જોવા મળ્યું કે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ તો શરૂ થઈ ગયો, પણ તેનો પૂરો લાભ લેવામાં આપણે કાચા પડીએ છીએ.
આ વખતની કવરસ્ટોરીનાં મૂળ એ જ વાતમાં છે.
પાછલાં એક-બે વર્ષમાં સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ડહોળાયું એમાં ઘણા લોકોએ કાં તો નોકરી ગુમાવી અથવા નાનો-મોટો બિઝનેસ હોય તો એ ખોરવાયો. એ દરમિયાન, ‘‘નોકરી શોધવામાં ફેસબુક કરતાં લિંક્ડઇન વધુ કામ લાગે છે’’ એવી વાતો સાંભળી હોવાને કારણે ઘણા લોકોએ છૂટકે-નાછૂટકે લિંક્ડઇન પર ઝંપલાવ્યું.
આવા, લિંક્ડઇન પર નવા નવા જોડાયેલા લોકોનું લક્ષ્ય દેખીતી રીતે નવી નોકરી કે બિઝનેસ માટે નવા ક્લાયન્ટ્સ શોધવાનું હતું. આ બાબતે ‘ફેસબુક કરતાં લિંક્ડઇન વધુ સારું’ એવી એમણે સાંભળેલી વાતો ઘણે અંશે સાચી હતી, પણ એમની સમજ અધકચરી હતી.
પરિણામે લિંક્ડઇન પર નોકરી શોધતી વખતે ઘણા લોકોએ પોતાનો પ્રોફાઇલ પૂરેપૂરો ભર્યો નહોતો, એમાં વિગતો આપી હોય તો એ બીજા લોકો સહેલાઈથી જોઈ શકે એવી વ્યવસ્થા કરી નહોતી, કાં તો પ્રોફાઇલમાં જ પોતે નોકરી શોધી રહ્યા છે એવું સ્પષ્ટપણે જણાવી શકાય એવી વ્યવસ્થાનો તેમણે લાભ લીધો નહોતો.
આથી, જે હેતુથી આ લોકો લિંક્ડઇન પર પહોંચ્યા હતા, એ પાર પડવાની શક્યતાઓ ઘટી ગઈ. લિંક્ડઇન પર એક્ટિવ અન્ય લોકો તેમને મદદ કરવા તૈયાર હોવા છતાં.
હવે આપણે ૨૦૨૨માં પહોંચ્યા છીએ ત્યારે કોરોના અને ઓમિક્રોન વાઇરસ ફરી માથું ઊંચકી રહ્યા છે. આપણે ફરી અનિશ્ચિતતાઓ તરફ ધકેલાઈ રહ્યા છીએ. એ સંજોગમાં, પાછલાં એક-બે વર્ષમાં જે ભૂલો કરી એ આ વર્ષે ન કરીએ અને નવા પડકારોનો સામનો કરવા માટે ટેક્નોલોજીનો પૂરો ઉપયોગ કરી શકીએ તો ફાયદામાં રહેશું!
ખરેખર હેપ્પી ન્યૂ યર!
– હિમાંશુ
‘સાયબરસફર’ના અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો.