‘‘ભારતમાં ડિજિટલ કોમર્સ કોઈના ‘બાપનો ધંધો’ નહીં રહે!’’

By Himanshu Kikani

3

હમણાં તમે પણ ન્યૂઝ સાઇટ્સ પર આ સમાચાર જાણ્યા હશે – ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર, અમેરિકામાં રહેતા તેમના પુત્ર સાથે ત્યાંની એક રેસ્ટોરાંમાં ગયા. રેસ્ટોરાંના ગેટ પર બંનેને, તેમનું કોવિડ વેક્સિન સર્ટિફિકેટ બતાવવા કહેવામાં આવ્યું. જયશંકરના પુત્રે પોતાનું વોલેટ કાઢી, તેમાંથી સર્ટિફિકેટનું કાગળિયું કાઢીને એ બતાવ્યું, જયશંકરને પોતાના મોબાઇલમાં ડિજિટલ સર્ટિફિકેટ બતાવ્યું!

માનવું મુશ્કેલ બને, પણ ઘણી બધી રીતે ભારત ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ બાબતે વિશ્વના વિકસિત દેશોથી પણ આગળ નીકળી રહ્યું છે.

વિદેશોમાં દરેક નાગરિકને આગવી ઓળખ સમાન સોશિયલ સિક્યોરિટી નંબર હોય છે, આપણે ત્યાં એ રીતે, બાયોમેટ્રિક્સ ડીટેઇલ્સ સાથે ‘આધાર’નો આધાર મળ્યો. ફેર એ છે કે ભારતમાં આ કામ સવા અબજની વસતિ માટે કરવાનું હતું (ભારતમાં ૨૦૦ કરોડ વેક્સિનના ડોઝ અપાયા અને એક અબજથી વધુ લાભાર્થીઓએ તે માટે ઓનલાઇન અને ઓફલાઇન રજિસ્ટ્રેશન કર્યું હતું).

વિદેશોમાં પ્લાસ્ટિક મની વર્ષોથી પોપ્યુલર છે. હવે બેન્કનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સને સ્માર્ટફોનમાંની ‘પે’ સિસ્ટમ સાથે કનેક્ટ કરીને કોન્ટેક્ટલેસ તથા કાર્ડલેસ પેમેન્ટ પણ વિસ્તર્યું છે. પરંતુ ભારતે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) વ્યવસ્થા વિકસાવી અને બે બેન્ક ખાતાં વચ્ચે સીધી જ રકમની આપલે શક્ય બનાવી – હાથમાં કોઈ કાર્ડની જરૂર નહીં, કોઈ પોઇન્ટ ઓફ સેલ મશીનની જરૂર નહીં, ફક્ત સ્માર્ટફોન (કે સાદો ફોન) જોઈએ.

વિદેશની બધી કંપનીઓ આપણા વિવિધ પ્રકારના ડિજિટલ ડેટાની પાછળ પડી છે અને આપણને પોતાનો ડેટા, ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ કેમ છુપાવવાં એની ચિંતા રહે છે ત્યારે ભારતે એકાઉન્ટ એગ્રિગેટર્સની મદદથી, આપણો ફાઇનાન્સિયલ ડેટા આપણી સહમતીથી શેર કરી શકાય અને તેનો આપણને ફાયદો મળે એવી વ્યવસ્થા વિચારી.

સરકારી સહાય માત્ર જે તે હેતુ માટે, જે તે લાભાર્થીને જ મળે – કોઈ વચેટિયા વિના, કોઈ કમિશન વિના સીધી જ મળે – એવી ‘ઇ-રૂપી’ વ્યવસ્થા પણ ધીમી પણ મક્કમ ગતિએ વિકસી રહી છે (આ બધી જ બાબતો વિશે આપણે ‘સાયબરસફર’ સતત વિગતવાર વાત કરી છે).

દુનિયા આ બધું જોઈ રહી છે અને હવે તેની નજર આ મહિને જ ભારતમાં લાઇવ થઈ રહેલા ‘‘ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી)’’ પર છે – ભારત ફરી એક વાર નવા પ્રકારની ડિજિટલ ક્રાંતિ સર્જશે?

આ લેખના શીર્ષકે તમને કદાચ હળવો આંચકો આપ્યો હશે, પણ ઓએનડીસીના સીઇઓ ટી. કોશીએ લગભગ આ જ શબ્દોમાં ઓનએનડીસી શું છે એનો અણસાર આપ્યો છે.

નવી ડિજિટલ ટેક્નોલોજીનો લાભ ભારતના જન જન સુધી પહોંચાડવો હોય તો સૌથી પહેલાં ઇ-કોમર્સના ક્ષેત્રે લોકશાહી લાવવાની જરૂર હતી કારણ કે મુક્ત વેપાર અર્થતંત્રનો આધાર છે. ઓએનડીસીનું લક્ષ્ય એ જ છે. એ કેટલું પાર પડશે, અત્યારે સામાન્ય વેપારીને ઇ-કોમર્સ દઝા઼ડે, દબાવે છે, પણ એ જ વેપારી ઇ-કોમર્સને પોતાની શક્તિ બનાવી શકશે કે કેમ એ આવનારો સમય કહેશે, પણ ભારતમાં સતત કંઈક નવું, અનોખું, ખરેખર અભૂતપૂર્વ થઈ રહ્યું છે એનો આનંદ છે!

આ અંકમાં ‘ઓએનડીસી’ વિશે વિગતવાર વાત કરી છે, જેથી નજીકના ભવિષ્યમાં વેપારી કે ગ્રાહક કોઈ પણ રીતે તમે તેનો લાભ લો ત્યારે આ કન્સેપ્ટ તમને એકદમ સ્પષ્ટ હોય!

– હિમાંશુ

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop