હજી પણ ઘણા લોકો એવા છે જે ઓનલાઇન ખરીદી કરવાને બદલે નજીકની દુકાનમાંથી ચીજવસ્તુ ખરીદવાનું પસંદ કરે છે. એટીએમને બદલે બેન્કમાં રૂબરૂ જઈને રોકડ રૂપિયા ઉપાડવાનું પસંદ કરે છે.
કેમ? કેમ કે એમાં એમને જીવતા-જાગતા લોકોના જીવંત સંપર્કનો ઉષ્માભર્યો અનુભવ થાય છે!
ઘણા લોકોએ નજીકના દુકાનદાર કે બેન્ક-પોસ્ટ ઓફિસના કર્મચારીઓ સાથે મૈત્રીભર્યા સંબંધ કેળવ્યા હોય છે અને ફક્ત એ સંબંધ જાળવી રાખવા તેઓ જરૂર ન હોય તો પણ, બહાનાં કાઢીને પણ રૂબરૂ મળવાનું પસંદ કરે છે.
આજે સોશિયલ મીડિયા પર હજારો ફ્રેન્ડ્સ હોય અને એમના ‘જીવંત સંપર્ક’માં રહી શકાતું હોય ત્યારે આવી વાતો જૂનવાણી લાગે, પણ થોડા સમયમાં હાલનું સોશિયલ મીડિયા પણ જૂનવાણી બની જવાનું છે.
દુનિયા તેજ ગતિએ ‘મેટાવર્સ’ તરફ આગળ વધી રહી છે, અથવા એમ કહો કે અગાઉની ફેસબુક અને હવે ‘મેટા’ બનેલી કંપનીની આગેવાનીમાં કેટલીય કંપની આપણને એ જુદી દુનિયામાં લઈ જવા ઉતાવળી બની છે.
કોરોના પછીની દુનિયામાં ઓફિસની મીટિંગ્સ, સ્કૂલ-કોલેજના ક્લાસ વગેરે બધું ઓનલાઇન થવા લાગ્યું હતું અને આપણામાંથી ઘણાને એ ગોઠતું નહોતું. સમય અને સંસાધનોની બચત થાય એ જુદી વાત છે, પણ બધું ઓનલાઇન થાય એમાં પેલી ‘જીવંત સંપર્ક’વાળી મજા રહેતી નથી એ આપણે અનુભવી લીધું છે.
પેમેન્ટ કે શોપિંગ કોન્ટેક્ટલેસ થાય તો ચાલે, પણ કલીગ કે ક્લાસમેટના હાથની અસલી તાળી મેળવવાની મજા જુદી છે એ આપણે અનુભવી લીધું છે. હવે ફરી બધું ‘નોર્મલ’ છે, ઓફિસ, બિઝનેસ, બજારો, કોલેજ અને સ્કૂલ સુદ્ધાં ફરી ધમધમવા લાગ્યાં છે એટલે એટલે જ આપણે ખુશ છીએ!
એ જોતાં, આપણે ‘મેટાવર્સ’ને જલદી અને હોંશથી આવકારીએ એવી શક્યતા ઓછી છે. છતાં, ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણે જલદી મેટાવર્સમાં પ્રવેશ કરીશું.
અગાઉ પશ્ચિમના દેશોમાં કંઈક નવી વાત બને એની અસર આપણા સુધી પહોંચતાં ઘણો સમય લાગી જતો. હવે ઇન્ટરનેટના જમાનામાં ઘણી બધી બાબતોની પહેલી ટ્રાયલ ‘દુનિયા સૌથી મોટા ઇન્ટરનેટ માર્કેટ’ ભારતમાં જ થાય છે. એ જોતાં વિદેશોમાં જોરશોરધી આગળ વધી રહેલો મેટાવર્સનો કન્સેપ્ટ આપણે ત્યાં પહોંચતાં પણ બહુ વાર લાગવાની નથી.
એ ધ્યાને લઈને, આ અંકમાં ‘મેટાવર્સ’ની વિગતવાર વાત કરી છે. એ શું છે, તેનાથી કેવાં પરિવર્તનો આવશે કે આવવા લાગ્યાં છે એની પણ વાત કરી છે. પરિવર્તન અનિવાર્ય છે અને નવી ટેક્નોલોજી અચૂક જરૂરી છે, ફક્ત એ આપણા બહેતર ભવિષ્ય માટે હોવી જોઈએ. મેટાવર્સ એવી જ ટેક્નોલોજી છે કે માત્ર અમુક કંપનીઓ માટે કમાણીનો નવો રસ્તો, એ સમય કહેશે.
અત્યારે મેટાવર્સ વિક્સાવવામાં ગળાડૂબ લોકો પણ પોતાનાં બાળકો ખુલ્લા મેદાનમાં રમવા જાય એવું વધુ પસંદ કરે છે – આ વાત યાદ રાખવા જેવી છે.
– હિમાંશુ
‘સાયબરસફર’ના અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો.