
આપણે અવારનવાર વાત કરી છે કે આપણી જિંદગી હવે મુખ્યત્વે ત્રણ સ્ક્રીનમાં વહેંચાઈ ગઈ છે – મોબાઇલનો સ્ક્રીન, કમ્પ્યૂટરનો સ્ક્રીન અને ટીવીનો સ્ક્રીન. કોરોના પહેલાંના સમયમાં મલ્ટિપ્લેક્સનો સ્ક્રીન પણ હતો, પણ હાલ પૂરતો એ યાદોમાં ધકેલાઈ ગયો છે! તમે ખમતીધર હો તો આ યાદીમાં ટેબલેટ અને લેપટોપના સ્ક્રીન પણ ઉમેરાય. આ બધા સ્ક્રીન સાથેનો આપણો સંબંધ થોડો થોડો જુદો છે. ટીવીના સ્ક્રીનમાં રીમોટ કંટ્રોલથી આપણને થોડો ઘણો કંટ્રોલ હોવાનો અને આપણી મરજી મુજબ કંઈક કર્યાનો સંતોષ મળે. મૂવીના સ્ક્રીનમાં તો એ પણ નથી. પરંતુ વાત જ્યારે મોબાઇલ, ટેબલેટ, લેપટોપ અને પીસીના સ્ક્રીનની હોય ત્યારે એ બધા ડિવાઇસમાં આપણે પોતે ઘણું બધું કરવાનું હોય છે.