સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો ફફડાટ ફેલાયો છે તેનો હેકર્સ લાભ લઈ રહ્યા છે. આ સમયે હેકર્સ શું શું કરી રહ્યા છે, તેમનો સામનો કેવી રીતે થઈ રહ્યો છે અને આપણે શું સાવચેતી રાખવી, એ જાણો…
આગળ શું વાંચશો?
- હોસ્પિટલ્સ પર નિશાન
- અત્યારે શું થઈ રહ્યું છે?
- સામનો કેવી રીતે થઈ રહ્યો છે?
- આપણા પર નિશાન
- ‘કોરોના એન્ટિ-વાઇરસ!’
- ‘નેટફ્લિક્સના ફ્રી પાસ’
- ‘કોરોના વાઇરસ ફાઇન્ડર’
- ‘મફત મેળવો કોરોના સેફ્ટી માસ્ક’
- ‘કોરોના ટેસ્ટ માટે રેડ ક્રોસની કિટ’
- ‘ડબલ્યુએચઓનો મેસેજ’
- ‘‘…નહીંતર કોરોનાનો ચેપ લગાડીશું!’’
- ‘કોવિડ-૧૯ની રસી ખરીદો’
- ‘રાહત ફંડમાં તમારું યોગદાન આપો’
- કોઈ ભૂલ થઈ ગઈ હોય તો…
- આપણે શું ધ્યાન રાખવું?
સમગ્ર વિશ્વમાં અત્યારે અવ્યવસ્થાનો માહોલ છે. કોવિડ-૧૯ વાઇરસે મચાવેલા તરખાટને પગલે ભારત જેવા દેશોમાં સંપૂર્ણ લોકડાઉન છે. લોકો પોતપોતાના ઘરમાં પૂરાઈ ગયા છે અને સરકારી તંત્રો, ખાસ કરીને આરોગ્ય તંત્ર આ મહામારી સામે કેવી રીતે લડવું તેની મથામણમાં છે.
સમગ્ર વિશ્વની હૉસ્પિટલ્સ સામે અત્યારે બે સૌથી મોટા પડકાર છે – પહેલો પડકાર, ડૉક્ટર્સ અને અન્ય કર્મચારીઓને સલામત રાખીને કોવિડ-૧૯ના દર્દીઓને કેવી રીતે અસરકારક સારવાર પૂરી પાડવી અને બીજો પડકાર, હૉસ્પિટલ્સને સાયબરક્રિમિનલ્સના હુમલાથી કેવી રીતે બચાવવી.
ચોતરફ ભય અને અવ્યવસ્થા હોય ત્યારે ગુનાખોરોને મોકળું મેદાન મળતું હોય છે. અગાઉ દુકાળ કે પૂર હોનારત જેવી કુદરતી આફતો સમયે લૂંટફાટના કિસ્સાઓ વધી જતા, પણ હવે સમય બદલાયો છે. આજના સમયમાં, વિશ્વમાં વ્યાપેલી અંધાધૂંધીને કારણે સાયબરક્રિમિનલ્સ હરકતમાં આવી ગયા છે.