વિવિધ સાઇટ્સ પર અલગ યૂઝરનેમ-પાસવર્ડ યાદ રાખવાં ન હોય તો સોશિયલ લોગ-ઇન બહુ હાથવગી સુવિધા છે, પરંતુ એમ કર્યા પછી, તમે કેવી પરમિશન્સ આપી રહ્યા છો તે અચૂક તપાસવું જોઈએ.
વિજ્ઞાન બેધારી તલવાર છે – પ્રાથમિક શાળાથી નિબંધસ્પર્ધા કે વક્તૃત્વ સ્પર્ધાઓમાં આ વિષય પૂછાતો આવ્યો છે, પણ ભણીગણી લીધા પછીય આ મુદ્દો આપણો પીછો છોડતો નથી! નવી ટેક્નોલોજીને પ્રતાપે આજે ડગલે ને પગલે, દરેક ક્લિક કે આંગળીના ઇશારે આપણા મનમાં આ વિચાર આવ્યા વિના રહેતો નથી.
ઇન્ટરનેટ પર લગભગ દરેક બાબતનાં સારાં-નરસાં પાસાં હોય છે. પરિણામે આપણે સતત દ્વિધામાં રહીએ કે કઈ તરફ જવું?! સદનસીબે, જો આવી મૂંઝવણ કરાવતી બાબતોને જરા ઊંડાણપૂર્વક સમજી લઇએ તો તેનાં નરસાં પાસાંની અસર ઓછી કરીને સારાં પાસાંનો લાભ લઈ શકીએ.
આવી દ્વિધા કરાવતી એક બાબત છે સોશિયલ લોગ-ઇન.