ફ્રેન્ઝમાં ફ્રેન્ડ્ઝનો મેળો

તમે જુદી જુદી ઘણી સોશિયલ મીડિયા સાઇટ્સ પર, એકથી વધુ એકાઉન્ટ સાથે એક્ટિવ હો તો તમારા પીસીમાં ડાઉનલોડ કરી લેવા જેવી એક સર્વિસ જાણી લો.

જેમ જરૂરિયાત શોધની જનની છે તેમ અલગ અલગ પ્રકારના કમ્પ્યુટર પ્રોગ્રામ્સની પણ જન્મદાતા છે! ફેર એટલો કે કેટલાય નવા પ્રોગ્રામ એવા હોય છે કે એ આપણી સામે આવે નહીં ત્યાં સુધી આપણને તેની ખોટ વર્તાય નહીં, પણ સામે આવે પછી એમ થાય કે આના વિના અત્યાર સુધી આપણને કેમ ચાલ્યું?

અહીં જે કમ્પ્યુટર પ્રોગ્રામની વાત કરવી છે એ ખરેખર ‘જેના વિના બિલકુલ ન ચાલે’ એવા પ્રોગ્રામ્સની કેટેગરીમાં આવે છે કે નહીં એનો આધાર સોશિયલ મીડિયામાં તમે કેટલા એક્ટિવ છો તેના પર છે.

મોટા ભાગે તો એવું હશે કે તમે વોટ્સએપ, ફેસબુક મેસેન્જર, ટેલીગ્રામ, સ્કાઇપ, વીચેટ, હેંગઆઉટ્સ વગેરે ઇન્સ્ટસ્ટ મેસેજિંગ એપ્સ પર એક્ટિવ હશો અને તમે અનુભવતા હશો કે આ બધી અલગ અલગ એપ્સ પર એક સાથે એક્ટિવ રહેવું કેટલું મુશ્કેલ છે!

એક સમયે આપણું ફક્ત એક ઈ-મેઇલ આઇડી હોય તો આપણે સૌના સંપર્કમાં રહી શકતા હતા. આપણું ખાતું જીમેઈલમાં હોય અને મિત્રોનાં ખાતાં યાહૂ, હોટમેઇલ, રીડીફમેઇલ વગેરે અલગ અલગ સર્વિસમાં હોય તો તેનાથી આપણને કે મિત્રોને કોઈ ફેર પડતો નહોતો કેમ કે આ બધી સર્વિસ એકબીજા સાથે મેઇલ્સની સહેલાઈથી આપલે કરી શકે છે. પણ આપણો સમય ઈ-મેઇલનો પડાવ વટાવીને આગળ વધી ગયો છે.

હવે સમય ઇન્સ્ટન્ટ મેસેજિંગનો છે, પણ તેની અલગ અલગ સર્વિસને એકબીજા સાથે બનતું નથી.

ઉપરાંત વોટ્સએપ જેવી સર્વિસ હવે ફક્ત સ્વજનો સાથે શાયરી કે જોક્સ કે ગુડમોર્નિંગનાં ઉછીના પિક્ચર્સની આપલે કરવા પૂરતી સીમિત નથી. હવે તો તમારા ક્લાયન્ટસ પણ અગત્યના મેસેજ કે ડોક્યુમેન્ટ્સ મેઇલ કરવાને બદલે વોટ્સએપ કરી દે છે. તકલીફ એ છે કે આ પ્રકારના કામના મેસેજીસનો મારો અલગ અલગ સર્વિસીઝ પર થાય છે! આપણે વારંવાર બધી સર્વિસ ચેક કરતા રહેવું પડે. ઉપરાંત મહત્વનો મેસેજ હોય તો તેને વોટ્સએપ જેવી સર્વિસમાં રાખી મૂકવાને બદલે પીસીમાં ડાઉનલોડ પણ કરવો પડે.

આ બધી તકલીફનો અંત લાવવાનો એક પ્રયાસ એટલે ફ્રેન્ઝ નામની એક સર્વિસ. વિયેના (ઓસ્ટ્રીયા)ના બે ફ્રેન્ડઝે ભેગા મળીને આ પ્રોગ્રામ વિક્સાવ્યો છે. http://www.meetfranz.com/  સાઇટ પર જઈને તમે તેને વિન્ડોઝ (૭ કે ત્યાર પછીનું), મેક (૧૦.૯ કે પછીનું) અને લિનક્સ માટે ડાઉનલોડ કરી શકો છો. વિન્ડોઝ માટે લગભગ ૪૪ એમબીનો આ પ્રોગ્રામ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરશો એટલે…

ના તેમાં વધુ એક ખાતું ખોલવાનું નથી! ફક્ત વોટ્સએપ, મેસેન્જર, વીચેટ, હેંગઆઉટ જેવી કુલ ૧૪ ઉપલબ્ધ મેસેન્જર સર્વિસમાંથી જેટલી સર્વિસ પર તમે એક્ટિવ હો તેને પસંદ કરી, તેમાં સાઇન-ઇન થવાનું છે (ફ્રેન્ઝના દાવા મુજબ આ સર્વિસ આપણા કોઈ મેસેજ વાંચતી નથી, ફક્ત બધી સર્વિસના મેસેજ એક પ્લેટફોર્મ પર જોવાની સગવડ પૂરી પાડે છે).

આ પછી, તમે જ્યારે પણ કમ્પ્યુટર પર ફ્રેન્ઝ ઓપન કરશો ત્યારે બધી જ મેસેજિંગ સર્વિસના મેસેજ અલગ અલગ ટેબમાં જોવા મળશે. તમે બિઝનેસ અને ફેમિલિ માટે અલગ અલગ મોબાઇલ પર વોટ્સએપ વાપરતા હો તો તે બંને પણ ઉમેરી શકશો.

આપણે એક સ્માર્ટફોનમાં સામાન્ય રીતે વોટ્સએપનાં બે એકાઉન્ટ ચલાવી શકતા નથી (એના પણ ઉપાય છે, એની વાત કરીશું આગળ ઉપર), પણ પીસી પર ફ્રેન્ઝનો ઉપયોગ કરતા હશો તો તેમાં અલગ અલગ ટેબમાં અલગ અલગ વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકાશે.

પણ, આગળ કહ્યું તેમ, તમને આવી સર્વિસ વિના ચાલે કે નહીં, એ તમે જ નક્કી કરી શકશો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here