તમારા અભ્યાસ, વ્યવસાય કે રસના વિષય કોઈ પણ હોય, તમે તેના ગ્લોબલ ટ્રેન્ડ્સથી સતત માહિતગાર રહેવા માગતા હો તો તમારા સ્માર્ટફોનમાં એક સારું આરએસએસ ફીડ રીડર હોવું અનિવાર્ય છે. આવી એક સર્વિસ છે ફીડલી.
આગળ શું વાંચશો?
- આ સર્વિસ આપણા માટે કેમ જરૂરી છે?
- રીડિંગ પહેલાંનો તબક્કો એટલે બ્રાઉઝિંગ
- ફીડલીથી શું શક્ય બને છે?
- ફીડલીનો ઉપયોગ શરૂ કરીએ
- ફીડલીમાં કન્ટેન્ટ ઉમેરીએ
- ફીડલીમાં કસ્ટમાઇઝેશન
- ફીડલીની મર્યાદાઓ
- આરએસએસ શું છે?
વાત માર્ચ ૨૦૧૩ની છે. એ દિવસે, ગૂગલે પોતાના બ્લોગ પર જાહેરાત કરી કે તે ‘ગૂગલ રીડર’ નામની તેની એક સર્વિસ બંધ કરી રહી છે. ગૂગલે આ સર્વિસ ૨૦૦૫માં શરૂ કરી હતી, તે ખાસ્સી લોકપ્રિય પણ થઈ હતી, પણ પછી – ગૂગલના માનવા પ્રમાણે – સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો અને લોકોની કામકાજની રીત બદલાઈ, એટલે ગૂગલે તેની આ રીડર સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો.
ગૂગલના આ નિર્ણયથી, આ જ પ્રકારની સર્વિસ આપતી બીજી એક કંપનીને જાણે લોટરી લાગી! લોટરી એટલે જેવી તેવી નહીં, જેકપોટ જેવી!
આ કંપનીએ ઇન્ટરનેટ પર તાબડતોબ જાહેરાતનો મારો ચલાવ્યો – ‘ગૂગલ રીડર બંધ થઈ જતાં પરેશાન છો? અમારી સાથે જોડાઈ જાવ!’ લોકોએ પોતાના ગૂગલ રીડર એકાઉન્ટમાં જે કંઈ સેટિંગ્સ કર્યાં હોય તેના સહિત તેઓ આ નવી સર્વિસમાં જોડાઈ શકે તેવી ગોઠવણ પણ કંપનીએ કરી આપી.
પરિણામ? ગૂગલને જે સર્વિસ માટે લાગતું હતું કે તેનો વપરાશ ઘટી રહ્યો છે, તેના ૮૦ ટકા યૂઝર્સ આ નવી સર્વિસ – ફીડલી (feedly.com)માં જોડાઈ ગયા અને ચાર-છ મહિનામાં ફીડલીના યૂઝર્સની સંખ્યા ૧૦ લાખમાંથી ૧૫ ગણી વધીને દોઢ કરોડે પહોંચી ગઈ!
ગૂગલની રીડર સર્વિસ ફ્રી હતી, ફીડલીના સંચાલકો પણ તેમની સર્વિસ ફ્રી આપે છે, પણ તેમણે કેટલીક વિશેષ સગવડો પણ આપવાનું નક્કી કર્યું, થોડો ચાર્જ લઈને.
હવે બરાબર ધ્યાનથી વાંચજો – કંપનીએ પોતાના યૂઝર્સને કહ્યું કે જો તેમને વધારા લાભ જોઈતા હોય તો તેઓ મહિને ફક્ત ૫ ડોલર, અથવા વર્ષે ૪૫ ડોલર આપે. એ સાથે કંપનીએ માસ્ટરસ્ટ્રોક માર્યો – તેણે પહેલા ૫૦૦૦ યૂઝર્સને, ફક્ત ૯૯ ડોલરમાં આ વધારાના લાભ, આજીવન આપવાનું પ્રોમિસ આપ્યું.
કંપનીના સીઇઓ કહે છે કે “અમે રાત્રે ૧૧ વાગ્યે આ ઓફર શરૂ કરી, ઘરે જઈને સૂઈ ગયા અને બીજે દિવસે સવારે આવીને જોયું તો આખી દુનિયામાં પથરાયેલા, પૂરેપૂરા ૫૦૦૦ લોકોએ આ ઓફર વધાવી લીધી હતી અને કંપનીને એક જ રાતમાં પાંચ લાખ ડોલર (આશરે ૩ કરોડ રૂપિયા) મળી ગયા!
ગૂગલની સર્વિસ બંધ થયાના એકાદ વર્ષમાં એ સ્થિતિ આવી કે લોકો પોતાના સ્માર્ટફોનન કે પીસીમાં ફીડલીની સર્વિસ પર ૪ કરોડ વેબસાઇટ્સનું કન્ટેન્ટ વાંચવા લાગ્યા અને દર સેકન્ડે ૨,૦૦૦ નવા આર્ટિકલ ફીડલી પર ઉમેરાવા લાગ્યા – આ જંગી ટ્રાફિક અને જંગી આવક કેટલા લોકો સંભાળતા હતા? ગણીને ૧૨ જણા!
આ આખી વાતમાં આપણા માટે લાભની વાત એ છે કે આપણે પણ આપણા પીસી-લેપટોપ કે સ્માર્ટફોનન-ટેબલેટ પર, ફીડલીની ફ્રી સર્વિસનો લાભ લઈને ઇન્ટરનેટ પર જે કંઈ નવું ઉમેરાય છે તેમાંથી આપણા રસના લેખો પર, ઓછા સમયમાં, ફટાફટ નજર દોડાવી શકીએ છીએ.
‘સાયબરસફર’ સાથે સાવ શરૂઆતથી જોડાયેલા વાચકોને યાદ હશે કે આપણે ત્રીજા જ અંકમાં, એપ્રિલ ૨૦૧૨માં ‘બનાવો તમારી પોતાની લાઇબ્રેરી, ઇન્ટરનેટ પર’ શીર્ષક સાથેની કવરસ્ટોરીમાં આરએસએસ ટેક્નોલોજીની વાત કરી હતી (તેની ટૂંકમાં માહિતી માટે જુઓ આગળ).
આ ટેક્નોલોજીથી, આપણા રસની જુદી જુદી વેબસાઇટ કે બ્લોગ પર મૂકાતા તમામ નવા લેખ આપણે ફીડલી જેવી સર્વિસમાં, એક જ જગ્યાએ જોઈ-વાંચી શકીએ છીએ.
ફીડલી જેવી સર્વિસનો ઉપયોગ કરતા હોઈએ તો પછી આપણે દરરોજ જુદી જુદી વેબસાઇટ-બ્લોગ પર જવાની જરૂર નહીં, એક જ જગ્યાએ મનપસંદ લખાણ વાંચી શકીએ છીએ અને પછી જે વધુ કામનું લાગે તે વાંચવા માટે મૂળ વેબસાઇટ પર જઈ શકીએ છીએ.