દીવા તળે અંધારું – એ આપણી જાણીતી કહેવત અમસ્તી નહીં પડી હોય! માઇક્રોસોફ્ટ વર્ડનો જ દાખલો લઈએ તો લગભગ રોજેરોજ આપણે આ પ્રોગ્રામ ઓપન કરીને તેમાં કરતા હોઈશું, તેની કેટલીક સ્માર્ટ ટેકનિક પણ બરાબર જાણી લીધી હશે, છતાં, તેના તળિયે રહેલા સ્ટેટસબારની ખૂબીઓ આપણાથી અજાણી રહી હોય એવું બની શકે છે!
વર્ડમાં આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ ઓપન કરીએ એટલે તેના તળિયે, સ્ટેટસબારમાં એ ડોક્યુમેન્ટને સંબંધિત ઘણી બધી માહિતી આપણી નજર સમક્ષ રહે. તમને ખબર હશે જ કે વર્ડમાંના ડોક્યુમેન્ટને આપણે જુદા જુદા વ્યૂઇંગ મોડમાં જોઈ શકીએ છીએ, જેમ કે નોર્મલ, ફૂલસ્ક્રીન, વેબલેઆઉટ, આઉટલાઇન, ડ્રાફ્ટ વગેરે. આપણે જે મોડમાં હોઈએ તેને સંબંધિત માહિતી સ્ટેટસબારમાં જોવા મળે.

સામાન્ય રીતે સ્ટેટસબારમાં ડાબી તરફ ડોક્યુમેન્ટમાંના પેજ અને સેક્શનનો ક્રમ, આપણે કુલ કેટલાં પેજમાંથી કયા પેજ પર છીએ, આખા ડોક્યુમેન્ટમાં કેટલા વર્ડ છે વગેરે માહિતી જોવા મળે છે. જમણી તરફ જુદા જુદા વ્યૂ મોડના શોર્ટકટ આપેલા છે અને સાથોસાથ સ્લાઇડરથી પેજને ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરવાની સગવડ પણ મળે છે.