સામાન્ય રીતે, વેકેશન પડતાં જ છોકરાં (નાનાં હોય કે મોટાં) ટીવી અને કમ્પ્યુટર સામે ચીટકી જાય અને મા-બાપ થોડો સમય તો એ ચલાવી લે, પણ પછી એમને વાંધો પડે એ સ્વાભાવિક છે.
કિડ્ઝની ચેનલ પર વારંવાર જોવા મળતી પેલી જાહેરખબરમાં કહે છે તેમ ‘હટા ટીવી, હટા કમ્પ્યુટર, દમ હૈ તો બાહર નીકલ’ વારંવાર બાળકોને કહેવું પડે તો વળી નવો પ્રોબ્લેમ થાય – ઘર બહાર જવું ક્યાં? અને કેટલીક વાર? બંગલો દરેક પાસે હોય નહીં અને દરેક એપાર્ટમેન્ટમાં કારનો એટલો ખડકલો થઈ પડ્યો છે કે બાળકો માટે મોટું મજાનું આંગણું તો હવે સપનું થઈ પડ્યું છે.
તો કરવું શું? જવાબ સિમ્પલ છે – ઘરે બેસીને કાગળના વાઘ કરવા! બસ થોડી જ વાર માટે કમ્પ્યુટર અને નેટ કનેક્શન ઓન કરો, એક એવી મજાની સાઇટ પર પહોંચી જાવ, જ્યાં તમારાં આવતાં બે-ત્રણ વેકેશન ઓછાં પડે એવો ખજાનો ભર્યો છે.