અક્કલ બડી કે ટેક્‌નોલોજી?

અક્કલ બડી કે ભેંસ? અત્યાર સુધી મજાકમાં પુછાતા આ પ્રશ્નનો હવે ગંભીરતાથી લેવો પડે તેમ છે કેમ કે આપણી અક્કલને ભેંસ તો નહીં, પણ કમ્પ્યુટર તરફથી ખરેખર જબરી સ્પર્ધા મળી રહી છે, વાંચો માણસ અને કમ્પ્યુટરની જુદી જુદી બાબતોમાં ક્ષમતાની સરખામણી.

મૂળ નામ એમનું હરજી લવજી દામાણી, પણ વિખ્યાત થયા ‘શયદા’ના નામે. આ શયદા કહી ગયા છે કે “મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે…! આને કવિન્યાય કહો તો એમ, પણ એ આપણે પ્રભુ સાથે કર્યું, એ જ ટેક્નોલોજી હવે આપણી સાથે કરી રહી છે. આપણે બનાવેલી અને સતત વિકસાવેલી ટેક્નોલોજી હવે આપણાથી ચઢિયાતી થવા લાગી છે. અત્યાર સુધી આપણે હોલીવૂડની સાયન્સ ફિક્શ ફિલ્મ્સ (અને તેની અત્યંત નબળી નકલ જેવી બોલીવૂડની ફિલ્મ્સ)માં આખી ફિલ્મમાં ટેક્નોલોજી માનવથી ચઢિયાતી સાબિત થતી હોય અને અંતે માનવનો વિજય થતો હોય એવું જોતા આવ્યા છીએ, પણ આવું ક્યાં સુધી રહેશે? શું ખરેખર કમ્પ્યુટર આપણને ગુલામ બનાવી દેશે?

કમ્પ્યુટરની જગતવિખ્યાત કંપની ડેલની કમ્યુનિટી સાઇટ પર એક મજાનું ઇન્ફોગ્રાફિક મૂકવામાં આવ્યું છે, જેમાં હળવાશથી માનવ અને કમ્પ્યુટર વચ્ચે ૧૨ રાઉન્ડની ફાઇટ વિચારવામાં આવી છે. વિચાર હળવી રીતે રજૂ કરાયો છે, પણ અનેક સ્રોતમાંથી માહિતી એકઠી કરાયા પછી. તો આવો જોઈએ, ૧૨ અલગ અલગ માપદંડની રીતે માનવ ચઢે કે કમ્પ્યુટર?

૧ દૃષ્ટિ:

સરેરાશ માનવ આંખ ૫૭૬ મેગાપિક્સલ જોઈ શકે છે જે સરેરાશ લેપટોપ કેમેરાની શક્તિ કરતાં ૩૦૦ ગણી વધુ છે જે માત્ર ૨.૦ મેગાપિક્સલ જોઈ શકે છે. અત્યંત આધુનિક ડિજિટલ કેમેરાની શક્તિ પણ વધુમાં વધુ ૫૦ મેગાપિક્સલ જેટલી હોય છે.

જાણવા જેવી વાત : ૨૦૧૦માં, ૨૬ ગિગાપિક્સલનો ફોટો ડિજિટલ કેમેરાથી લેવાયો હતો: અલબત્ત, એ ફોટાને પ્રોસેસ કરવા માટે લગભગ ત્રણ કલાક લાગ્યા હતા. (આ અંકમાં આગળ લંડન શહેરના ૮૦ ગિગાપિક્સલના ફોટોગ્રાફની પણ વાત છે, ચૂકશો નહીં!)
આ રાઉન્ડનું રિઝલ્ટ : માણસ જીત્યો! ટોટલ સ્કોર : માનવ ૧ પોઇન્ટ, કમ્પ્યુટર ૦ પોઇન્ટ

૨ સાંભળવાની શક્તિ:

સરેરાશ માનવ કાન લગભગ ૨૦થી ૨૦,૦૦૦ હર્ટ્સ સુધીની રેન્જનો અવાજ પારખી શકે છે. સરેરાશ કમ્પ્યુટ રના માઇક્રોફોનની રેન્જ ઓછી છે, ૧૦૦થી ૧૬,૦૦૦ હર્ટ્સ સુધીની હોય છે.

જાણવા જેવી વાત : સાચા અર્થમાં માનવ કાનને માત આપવી મુશ્કેલ છે. એવા ઘણા માઇક્રોફોન્સ છે જે ખૂબ સંવેદનશીલ હોય છે તે ધીમામાં ધીમો અથવા મોટામાં મોટો અવાજ પારખી શકે છે, પરંતુ માનવ કાનની રેન્જ અને દિશા પારખવાની શક્તિની બરોબરી કરી શકે એવું કોઈ માઇક્રોફોન બન્યું નથી.
આ રાઉન્ડનું રિઝલ્ટ : માણસ જીત્યો! ટોટલ સ્કોર : માનવ ૨ પોઇન્ટ, કમ્પ્યુટર ૦ પોઇન્ટ

૩ અવાજ:

આપણે જ્યારે અવાજનો વિષય છેડ્યો છે તો જાણીએ કે – રોય લોમસ નામના એક માણસે ૧૨૨.૫ ડેસિબલની ક્ષમતાની સિસોટી વગાડીને માનવ શરીરમાંથી નીકળતો સૌથી મોટો અવાજ કાઢી બતાવ્યો હતો. સરેરાશ લેપટોપનાં સ્પીકર્સ માત્ર ૮૦ ડેસિબલ સુધી જ પહોંચી શકે છે.

જાણવા જેવી વાત : માનવે અનેક ઘોંઘાટિયાં મશીન બનાવ્યાં છે. સોવિયેત યુનિયને બનાવેલા ૫૭ મેગાટનના એક ન્યુક્લિયર બોમ્બના અવાજની તીવ્રતા ૨૮૨ ડેસિબલ હતી. (જેટ પ્લેનનું એન્જિન ૧૩૦થી ૧૪૦ ડેસિબલ જેટલો અવાજ કરતું હોય છે. વિવિધ પ્રકારના અવાજની તીવ્રતા જાણવા જુઓ આ પેજ :http://goo.gl/j6Tm2)

૪ સુગંધ અને સ્વાદ

માનવની જીભ પર હજારો ટેસ્ટબડ્સ હોય છે જેના ખાટા, મીઠા, ખારા, કડવા અને તીખા સ્વાદને પારખી શકે છે. જોકે પરખ કરવા માટેનું આપણું પ્રાથમિક અંગ છે નાક, જેના દ્વારા આપણે ૧૦,૦૦૦ પ્રકારની ગંધને ઓળખી શકીએ છીએ. લેપટોપ કે કમ્પ્યુટર કશું સૂંઘી શકતાં નથી. તેથી તેની આ નબળાઇ આપણા માટે પ્લસ પોઇન્ટ છે જે ટેક્નોલોજીને આપણાથી ચઢિયાતી બનાવતાં રોકશે!

જાણવા જેવી વાત : એવાં સાધનો શોધાયાં છે, જે ગંધ કે સ્વાદ સાવ છૂટાછવાયા અણુની હાજરી પણ પારખી શકે છે, આ સાધનો આ જાણકારી પર વીજળીવેગે પ્રક્રિયા કરી શકતાં નથી. એટલે તો ૧૦,૦૦૦ વર્ષ પછી પણ ગંધને પારખી કાઢવા માટે કૂતરાથી વધુ ચઢિયાતું કોઈ સાધન બનાવી શકાયું નથી!

આ રાઉન્ડનું રિઝલ્ટ : માણસ જીત્યો! ટોટલ સ્કોર : માનવ ૪ પોઇન્ટ, કમ્પ્યુટર ૦ પોઇન્ટ

૫ સ્પર્શ

કમ્પ્યુટર ટચ સ્ક્રીન અત્યંત સંવેદનશીલ બનવા લાગ્યા છે, પરંતુ માનવ હળવામાં હળવા ૧ કિલોપાસ્કલના સ્પર્શને પણ પારખી શકે છે. પરંતુ માનવ શરીર દબાણ અનુભવીને સ્પર્શને પારખે છે, જ્યારે કમ્પ્યુટર ટચ સ્ક્રીન ઇલેક્ટ્રોનિક કરંટમાં આવતા બદલાવથી સ્પર્શને ઓળખી શકે છે. એટલે આ બાબતમાં માનવ અને કમ્પ્યુટરની સીધી સરખામણી કરવી અશક્ય છે. ઉપરાંત, સ્વજનનો સ્પર્શ જે રીતે આપણા હૈયા સુધી પહોંચે એવું કમ્પ્યુટરને થતું હશે ખરું?!

જાણવા જેવી વાત : વૈજ્ઞાનિકોએ એવી સિન્થેટિક ત્વચા બનાવી છે જે લગભગ માનવ ત્વચા જેટલી સંવેદનશીલ હોય છે, પરંતુ સરેરાશ કમ્પ્યુટરના ટચપેડ પર આ સ્કિનને આવતાં હજી ઘણો સમય લાગશે.

આ રાઉન્ડનું રિઝલ્ટ : ટાઇ થઈ! ટોટલ સ્કોર : માનવ ૫ પોઇન્ટ, કમ્પ્યુટર ૧ પોઇન્ટ

૬ ઝડપથી વાંચવું

પોતે એક મિનિટમાં ૧૦,૦૦૦ અથવા તેથી વધુ શબ્દો વાંચી શકતા હોવાનો દાવો કરતા અનેક લોકો છે, પરંતુ આ દાવો સાચો જ છે એવું સાબિત કેવી રીતે થાય? સામાન્ય રીતે માનવની વાંચવાની ઝડપ એક મિનિટના ૧૦૦૦થી ૨૦૦૦ શબ્દોની છે, જેમાંથી ૫૦ ટકા જેટલા શબ્દો મગજ સમજી પણ લે છે. તેની સરખામણીમાં કોઈ પણ સ્કેનર એક મિનિટમાં ૧૦૦૦ શબ્દો વાંચી શકે છે. સ્કેનર આ શબ્દોને ભલે સમજી ન શકે પરંતુ તે ૧૦૦ ટકા ચોકસાઇથી શબ્દોને સ્ટોર કરી શકે છે.

જાણવા જેવી વાત : હજી જેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે એવાં કેટલાંક બુક સ્કેનર એક મિનિટમાં ૨૦૦ પાનાં સ્કેન કરી શકે છે, જોકે તે ટેક્સ્ટને પ્રોસેસ કરતાં નથી, ફક્ત પેજની ઇમેજ લે છે.

આ રાઉન્ડનું રિઝલ્ટ : કમ્પ્યુટર જીત્યું! ટોટલ સ્કોર : માનવ ૫ પોઇન્ટ, કમ્પ્યુટર ૨ પોઇન્ટ

૭ યાદશક્તિ

ડેનિયલ ટેમેટ નામના એક માણસનો ઙશ (૩.૧૪૧)થી ૨૨,૫૦૦મા ડેસિમલ સુધીની લાંબામાં લાંબી સંખ્યા યાદ રાખવાનો વિશ્ર્વવિક્રમ છે. તેની સરખામણીમાં ૫૦૦ ગિગાબાઇટની હાર્ડ ડ્રાઇવ ૨.૪ કરોડ ગણી વધુ મોટી સંખ્યા યાદ રાખી શકે છે.

જાણવા જેવી વાત : વૈજ્ઞાનિકો હાલમાં એક એવી ડેટા સંગ્રહ ક્ષમતા વિક્સાવી રહ્યા છે, જે ૧૨૦ પેટાબાઇટ (એટલે કે ૧૨ કરોડ ગીગાબાઇટ, આપણા સાદા કમ્પ્યુટરમાં ૨૫૦ કે ૫૦૦ જીબીની મેમરી હો છે!) જેટલી માહિતી સમાવી શકશે.

આ રાઉન્ડનું રિઝલ્ટ : કમ્પ્યુટર જીત્યું! ટોટલ સ્કોર : માનવ ૫ પોઇન્ટ, કમ્પ્યુટર ૩ પોઇન્ટ

૮ ગેમ્સ

સુપર કમ્પ્યુટર્સે હવે વર્લ્ડ ચેસ ચેમ્પિયનને હરાવ્યા છે, એ તો ઠીક, સાદા કમ્પ્યુટરમાંના ચેસ પ્રોગ્રામને પણ તેના મોસ્ટ ડિફિકલ્ટ લેબલમાં સેટ કરવામાં આવે તો મોટા ભાગના લોકો તેને હરાવી શકતા નથી. મોબાઇલમાંના ચેસ પ્રોગ્રામ પણ ગ્રાન્ડમાસ્ટરના સ્તર સુધી પહોંચવા લાગ્યા છે, એટલે આ બાબતે આપણે જ બનાવેલી ટેક્નોલોજી આપણાથી ચઢિયાતી પુરવાર થઈ ગઈ છે.

જાણવા જેવી વાત : માત્ર ચેસ જ નહીં, જિયોપાર્ડી અને પોકર જેવી ગેમમાં પણ કમ્પ્યુટર્સ આસાનીથી માણસને હરાવી દે છે. જોકે ગો નામની એક ચાઇનીસ ગેમમાં હજી કમ્પ્યુટર કરતાં માનવમગજ ચઢિયાતું છે, પણ એમાંય માણસને હારતાં વાર નહીં લાગે.

આ રાઉન્ડનું રિઝલ્ટ : કમ્પ્યુટર જીત્યું! ટોટલ સ્કોર : માનવ ૫ પોઇન્ટ, કમ્પ્યુટર ૪ પોઇન્ટ

૯ ઊર્જા વપરાશ ક્ષમતા

લેપટોપ્સ, તેના કામકાજ અનુસાર, ૨૦થી ૯૦ વોટ્સ ઊર્જા વાપરે છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડ્મિનિસ્ટ્રેશન અનુસાર, એક પુખ્ત મહિલા રોજની ૨૦૦૦ કેલરી ઊર્જા અને પુખ્ત પુરુષ ૨૫૦૦ કેલરીનો ઉપયોગ કરે છે. એટલે કે મહિલાને સતત ૯૬ વોટ્સ અને પુરુષને સતત ૧૨૦ વોટ્સની ઊર્જા જોઈએ છે. તેમાંથી મગજને માત્ર વીસેક વોટ જેટલી જ ઊર્જા જોઈએ છે. એ દૃષ્ટિએ હાલના તબક્કે માનવ સરેરાશ લેપટોપને માત આપે છે.

જાણવા જેવી વાત : વિશ્વનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર એક સેકંડમાં ૮.૨ ક્વોડ્રિલિયન (આપણા દેશની અંકપદ્ધતિ અનુસાર ૧ની પાછળ ૨૪ મીંડાં!) જેટલી ગણતરી કરી શકે છે, જે માનવ મગજની પ્રોસેસિંગ સ્પીડના ૮૦ ટકા જેટલી છે. આ સુપર કમ્પ્યુટર ૯.૯ મેગાવોટ વીજળી ખાઈ જાય છે.
આ રાઉન્ડનું રિઝલ્ટ : માણસ જીત્યો! ટોટલ સ્કોર : માનવ ૬ પોઇન્ટ, કમ્પ્યુટર ૪ પોઇન્ટ

૧૦ પાવર સ્ટોરેજ

લેપટોપની બેટરી લગભગ ૩થી ૧૦ કલાકમાં ખલાસ થઈ જાય છે. સરેરાશ માનવ ખોરાક લીધા વગર ૪થી ૬ અઠવાડિયાં સુધી જીવી શકે છે અને ૨થી ૧૦ દિવસ સુધી પાણી વગર રહી શકે છે. જોકે માનવને માત્ર ખોરાક અને પાણીની જ જ‚ર નથી હોતી, આપણને ઓક્સિજન પણ જોઈતો હોય છે જેના વગર ાંચ મિનિટથી વધુ ટકી શકીએ નહીં.

જાણવા જેવી વાત : વર્ષ ૧૯૭૭માં અવકાશમાં મોકલાયેલાં વોયેજર અવકાશયાન ૨૦૨૫ સુધી કાર્યરત રહે તેવી સંભાવના છે. તેમને પ્લુટોનિયમ કોરમાંથી પાવર મળે છે.

આ રાઉન્ડનું રિઝલ્ટ : માનવની જીત! ટોટલ સ્કોર : માનવ ૭ પોઇન્ટ, કમ્પ્યુટર ૪ પોઇન્ટ

૧૧ ઓપરેટિંગ ટેમ્પરેચર

માનવ શરીર કોમળ છે. આપણું શરીર ૩૬.૧થી ૩૭.૨ અંશ સેલ્સિયેસ વચ્ચે કાર્ય કરે છે, પણ શું લેપટોપ વધુ સારાં છે? હા, રિસર્ચ જણાવે છે કે લેપટોપ ૧૦થી ૩૫ અંશ સેલ્સિયેસ વચ્ચે લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે.

જાણવા જેવી વાત : ફરી વોયેજર અવકાશયાનની વાત કરીએ તો કયો માણસ ઝીરો તાપમાનમાં ૫૦ વર્ષ જેટલો લાંબો સમય ટકી શકે?

૧૨ વાઇરસ

આમ તો વાઇરસ લાખો પ્રકારના હોય છે, પરંતુ વૈજ્ઞાનિકોએ માત્ર ૫૦૦૦ વાઇરસને વિસ્તારથી વર્ણવ્યા છે – મોટા ભાગના એટલા માટે કે તે માનવને અસર કરે છે. કમ્પ્યુટરે લગભગ ૨૫ લાખ પ્રકારના વાઇરસનો સામનો કરવો પડે છે. એટલું ખરું કે આપણે કમ્પ્યુટર વાઇરસ શોધીને તેનો રેકોર્ડ જાળવવામાં પાવરધા છીએ. માનવ જાત ઓછા વાઇરસથી આ મુદ્દે જીતે છે.

જાણવા જેવી વાત : કોઈ પણ કમ્પ્યુટર ફેક્ટરીમાંથી બહાર નીકળે ત્યારે ૧૦૦ ટકા વાઇરસ ફ્રી હોય છે, પરંતુ માનવમાં એવું નથી. આપણે જ્યારે ગર્ભમાં હોઈએ છીએ ત્યારથી વાઇરસ અને અન્ય જીવાણુઓથી ઘેરાયેલા હોઈએ છીએ.

આ રાઉન્ડનું રિઝલ્ટ : માનવની જીત! ટોટલ સ્કોર : માનવ ૮ પોઇન્ટ, કમ્પ્યુટર ૫ પોઇન્ટ

તો છેવટે જીત્યું કોણ – માનવ (અલબત્ત, હાલ પૂરતું!)

જાણા વધુ માહિતી

  • મૂળ ઇન્ફોગ્રાફિક જુઓ અહીં : http://goo.gl/OunQ3
  • શયદાનો પરિચય મેળવો, શ્રી સુરેશ જાનીના બ્લોગ ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ પર અહીં : http://goo.gl/s5zqr

કિન્ડલ ફોર પીસી માટે ફ્રી બુક્સ શોધો

“સાયબરસફરના પહેલા અંકમાં તમારા પીસી પર કિન્ડલ  સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને એમેઝોન પર ઉપલબ્ધ બુક્સ વાંચવાની સવલત વિશે આપણે વાત કરી હતી. જો કિન્ડલ ફોર પીસી તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી લીધું હોય અને એમેઝોનમાં જુદાં જુદાં પુસ્તકો (ખાસ કરીને ફ્રી પુસ્તકો!) શોધવાનું શરૂ કરી દીધું હોય તો તમારો અનુભવ હશે કે ફ્રી બુક્સ શોધવી એ બહુ કડાકૂટભર્યું કામ છે.

એ કામ સહેલું બનાવે છે http://www.ereaderiq.com ટ્રાય કરી જોજો!

ફાઇલ કન્વર્ટ કરો, સરળતાથી

યૂટ્યુબના વિડિયો ડાઉનલોડ કરવાનું કામ ઘણાને ઘણું કડાકૂટભર્યું લાગતું હોય છે. આ કામ ઝંઝટભર્યું એટલા માટે હોય છે કે તેમાં નેટ પર જે તે ફાઇલ એક ફોર્મેટમાં હોય અને આપણા કમ્પ્યુટરના પ્રોગ્રામ તેને બીજા કોઈ ફોર્મેટમાં ઓપન કરી શકતા હોય. જે તે સાઇટ પરથી ગીતો ડાઉનલોડ કરનારાને પણ આ સવાલ સતાવે છે. www.zamzar.com સાઇટ પર તમે અનેક પ્રકારની ઓનલાઇન ફાઇલને અનેક પ્રકારનાં બીજાં ફોર્મેટમાં કન્વર્ટ કરી શકો છો. તમારે ફક્ત જે તે ફાઇલનું યુઆરએલ આપવાનું અને તમારે કયા ફોર્મેટમાં જોઈએ છે તે જણાવીને તમારું ઇમેઇલ આઇડી આપવાનું એટલે એ ઇમેઇલમાં તમારી કન્વર્ટેડ ફાઇલની લિંક પહોંચી જાય! આ સર્વિસ ફ્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here