બ્લોગ એટલે શું એની જાણ એક મિત્ર દ્વારા થઈ ત્યારે આંખમાં વિસ્મય સહિતનું આશ્ચર્ય છલકાયું હતું. મોટી વયે કમ્પ્યુટર શીખી, ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશી એય ઓછું રોમાંચકારી નહોતું. બ્લોગ વિશ્વને તો ઓહોહોહો થઈ ગયું. બ્લોગ શરુ કરવાનુંયે મન થયું. એ મિત્રની મદદ તો ન મળી પણ ઈ-મેગેઝીન રીડ ગુજરાતી પ્રકાશિત કરતા શ્રી મૃગેશભાઈ શાહે બહુ પ્રેમથી મારો બ્લોગ ખોલી આપ્યો અને એક નવી દુનિયામાં પ્રવેશ કર્યો.
બ્લોગને અમુક અંશે ઈ-સામયિક જેવું કહી શકાય, જેમાં કોઈ પોતાની જ રચનાઓ અને કોઈ બીજાઓની રચનાઓ પ્રકાશિત કરતા હોય. સમયાંતર બધાના જુદા જુદા હોય. શરુઆતમાં હું એમાં ક્યારેક ક્યારેક મારી રચનાઓ મૂકતી, પણ નિયમિત રીતે સક્રિય રહી શકતી નહીં. ક્યારેક બ્રેક એટલા લાંબા થઈ જતા કે આગળ પાછળના રેફરન્સ ભુલાઈ જાય. પછીથી હું એમાં નિયમિત બની. મારી રચનાઓ, ઉપરાંત જે મને ઉપયોગી લાગ્યું હોય, ગમ્યું હોય, જાણીતો પ્રયોગ કરું તો ગમતાંનો ગુલાલ… અલબત્ત, ધ્યેય મારી રચનાઓ બીજા લોકો સુધી પહોંચાડવાનું.