હિટલરના નાઝી જર્મની સહિત બીજા દેશો અણુશસ્રો વિકસાવવા માટે મથતા હતા. તેમાં ‘મેનહટ્ટન પ્રોજેક્ટ’ અંતર્ગત અમેરિકા સૌથી પહેલા સફળ થયું, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના ગીચ વસ્તી ધરાવતા શહેર હીરોશીમા પર અને ત્રણ દિવસ પછી નાગાસાકી પર- અણુબોમ્બ ઝીંક્યા, ત્યારે મોટા ભાગના વિજ્ઞાનીઓએ કપાળ કૂટ્યું. હિંસક જાપાનને નમાવીને વિશ્વયુદ્ધ અંત લાવવા માટે અણુહુમલો જરૂરી હતો, એવો અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટનો ખુલાસો બોમ્બથી થયેલી નિર્દોષોની તારાજી સામે પાંગળો જણાયો. ‘ઇનોલા ગ્રે’ યુદ્ધવિમાનમાંથી હીરોશીમા પર ફેંકાયેલા અણુબોમ્બ ‘લિટલ બોય’ને કારણે હીરોશીમાની સાડા ત્રણ લાખની વસ્તીમાંથી ૧.૪૦ લાખ લોકો કમોતે મર્યા અને બચેલા લોકો તથા તેમની આવનારી પેઢીઓ વિકિરણોની આડઅસર જેવી શારીરિક વિકૃતિઓનો ભોગ બનતી રહી.