ભારતીય રેલવેનો નવો મુકામ

ઇન્ટરનેટ પર રેલવે બુકિંગ વધુ ને વધુ લોકપ્રિય બની રહ્યું છે ત્યારે એક કદમ આગળ વધીને ભારતીય રેલવેએ યાત્રીઓ વિવિધ ટ્રેનનું લાઇવ સ્ટેટસ જાણી શકે એવી સુવિધા વિકસાવી છે.

આગળ શું વાંચશો?

 • રેલરડાર સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરશો?
 • ટ્રેનનું લાઈવ સ્ટેટસ જુઓ આ રીતે…
 • પ્લેનનો લાઈવ ટ્રાફિક જુઓ..

ગયા મહિને ત્રણ સરસ મજાની સરપ્રાઇઝ મળી! એક તો જીમેઇલમાં એસએમએસની સગવડ મળી, બીજું ભારતીય રેલવેએ આખા દેશમાં દોડતી ટ્રેનો બરાબર અત્યારે ક્યાં છે એ મેપ પર જોઈ શકાય એવી ભેટ આપી. આ બંને સમાચાર તો તમે અખબારોમાં વાંચ્યા હશે. તો ત્રીજી સરપ્રાઇઝ? આપણાં અખબારો આવી બાબતોને પણ સમાચાર તરીકે મહત્ત્વ આપતાં થયાં એ!

અચ્છા, જીમેઇલમાં ચેટબોક્સમાંથી તમે એસએમએસ મોકલી શકો છો અને તેના રીપ્લાય મેળવી શકો છો એ વિશે તો અખબારોમાં વિગતવાર સમાચાર હતા અને તમારા જીમેઇલમાં આ સગવડ ઉમેરાઈ પણ ગઈ હશે, એટલે આપણે વાત કરીએ રેલવેની લેટેસ્ટ ગિફ્ટની.

સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સર્વિસ (સીઆરઆઇએસ)એ એક ખાનગી ટેક્નોલોજી કંપનીની મદદથી એક નવી વેબ એપ્લિકેશન ડેવલપ કરી છે, જેને નામ આપવામાં આવ્યું છે રેલરડાર. આ એપ્લિકેશનની મદદથી આપણે સૌ એક નક્શા પર કોઈ ચોક્કસ ટ્રેન બરાબર આ સમયે ક્યાં પહોંચી છે તે જાણી શકીએ છીએ. આમ જુઓ તો આ સર્વિસ સાવ નવી નથી, અગાઉ ‘સ્પોટ યોર ટ્રેન’ નામે આ જ પ્રકારની સેવા આપવામાં આવતી હતી, હવે તેમાં સુધારાવધારા કરવામાં આવ્યા છે (મેપ પર ફ્લાઇટ્સનું સ્ટેટસ બતાવતી સાઇટ્સ પણ તમે જોઈ હશે).

ભારતીય રેલવેની દરરોજ લગભગ ૧૧ હજાર ટ્રેનો પાટા પર દોડતી હોય છે અને તેમાંથી સાત હજાર જેટલી પેસેન્જર ટ્રેન હોય છે. આમાંથી સાડા છ હજાર જેટલી ટ્રેનનું લાઇવ લોકેશન આપણે રેલરડાર પર જાણી શકીએ છીએ (લાઇવ એટલે નક્શા પર કીડીની જેમ ટ્રેન ગતિ કરતી દેખાતી હશે એવી આશા ન રાખતા! જોકે ફ્લાઇટનું સ્ટેટસ બરાબર એ જ રીતે જોઈ શકાય છે).

આ માહિતી કેટલી વિશ્ર્વસનીય અને કેટલી સચોટ હોય છે? આ પ્રશ્નના જવાબમાં વેબસાઇટમાં જણાવાયું છે કે ભારતીય રેલવેનાં જુદાં જુદાં સ્ટેશને પહોંચતી ટ્રેન વિશે જે સત્તાવાર માહિતી એકઠી થતી હોય છે તેના આધાર પર આ સેવા તૈયાર કરવામાં આવી હોવાથી એ પૂરેપૂરી વિશ્વસનીય છે અને સામાન્ય સંજોગોમાં ઘણે અંશે સચોટ છે, પરંતુ પાટા પર દોડી રહેલી ટ્રેનની ગતિને જુદાં જુદાં ઘણાં કારણો અસર કરી શકે છે, ઉપરાંત ટ્રેનનો સમય નક્શા પર વાસ્તવિક સમય કરતાં ઓછામાં ઓછી પાંચ મિનિટ જેટલો મોડો હોય છે. અત્યારે આ મેપ પરનો ડેટા દર પાંચ મિનિટે ઓટોમેટિક રીફ્રેશ થાય છે.

હવે આ બધી જાણકારી મેળવ્યા પછી, ‘પેસેન્જર તરીકે મને પોતાને આ સર્વિસથી શું ફાયદો?’ એવો વિચાર આવ્યો હોય, તો પહેલી વાત એ કે તમારા ખિસ્સામાં સ્માર્ટફોન હોય તો તમે પોતે તેના બ્રાઉઝરમાં આ મેપ ઓપન કરી, આગલું સ્ટેશન બરાબર ક્યારે આવશે એ જાણી શકો છો. ટ્રેનનાં લાઇવ લોકેશન જાણવાના બીજા ફાયદા પણ છે, જાણવા હોય તો પહોંચો એ સાઇટના એફએક્યુ વિભાગમાં!

 • ૧૮૫૩માં, મુંબઈના બોરીબંદરથી ૨૧ તોપોની સલામી સાથે, ૪૦૦ મહેમાનોને લઈને ભારતીય ઉપખંડમાં પહેલી ટ્રેન મુંબઈથી થાણેના ૨૧ માઈલના અંતર માટે દોડી.
 • ૧૮૫૪માં હાવરાથી હૂગલીના ૨૪ માઇલના અંતરની ટ્રેન શરૂ થઈ અને એ સાથે પૂર્વ ભારતમાં પણ રેલનો પ્રસાર શરુ થયો.
 • ૧૮૫૬માં મદ્રાસ રેલવે કંપનીએ ૬૩ માઇલના અંતર માટે ટ્રેન શ‚ કરી.
 • ૧૮૫૯માં અલ્હાબાદથી કાનપુર સુધીના ૧૧૯ માઇલના અંતરની ટ્રેન શરુ થઈ.
 • ૧૮૮૦ સુધીમાં આખા ભારતમાં વિસ્તરેલી ટ્રેન વ્યવસ્થાએ ૯૦૦૦ માઇલના અંતરને આંબી લીધું. આજે ભારતીય રેલ એશિયાનું પ્રથમ ને વિશ્ર્વનું બીજા ક્રમનું રેલ નેટવર્ક છે.
 • આજે ભારતમાં રેલવે ટ્રેકની લંબાઈ ૧,૦૮,૭૦૬ કિમી છે.
 • ભારતીય ટ્રેન ૩૦૦ યાર્ડ, ૭૦૦ રીપેર શોપ્સ, ૨૩૦૦ ગૂડ શેડ્ઝ, ૬,૮૫૩ સ્ટેશન્સ, ૭,૫૬૬ એન્જિન, ૩૭,૮૪૦ કોચ અને ૨,૨૨,૧૪૭ માલગાડીનાં વેગન ધરાવે છે.
 • ભારતીય રેલમાં ૧૫.૪ લાખ જેટલા કર્મચારીઓ કામ કરે છે.
 • દરરોજ લગભગ ૨ કરોડ યાત્રીઓ ભારતીય રેલમાં મુસાફરી કરે છે.

રેલરડાર સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરશો?

 • રેલરડારની સાઇટ http://railradar.trainenquiry.com/ પર જાઓ.
 • સાઇટ પર ભારતનો નક્શો અને તેના પર લાલ અને બ્લુ રંગના સંખ્યાબંધ એરો દેખાશે. બ્લુ એરો સમયસર દોડતી ટ્રેન બતાવે છે જ્યારે લાલ નિર્ધિરિત સમય કરતાં મોડી ચાલતી ટ્રેન બતાવે છે.
 • સદભાગ્યે, પહેલી નજરે નક્શો બ્લુ રંગના એરોથી ભરાયેલો દેખાય છે!
 • નક્શામાં જમણી તરફ ઉપર આ સમયે કેટલી ટ્રેન એક્ટિવ છે તેની સંખ્યા તથા તેમાંથી કેટલા ટકા ટ્રેન સમયસર કે મોડી છે તે જોઈ શકાય છે.
 • આ નક્શો ગૂગલ મેપનો જ છે, એટલે માઉસની મદદથી તમે તેને નાનો કે મોટો કરી શકો છો.
 • અચ્છા તો હવે સમય છે કોઈ ચોક્કસ ટ્રેનનું સ્ટેટસ જાણવાનો! કોઈ પણ ટ્રેનના એરો પર ક્લિક કરતાં ટ્રેનની વિગતો સાથે ઉપર બતાવેલું બોક્સ ખૂલે છે.

ટ્રેનનું લાઇવ સ્ટેટસ જુઓ આ રીતે..

 • મોટી એક્સપ્રેસ ટ્રેન તો ઠીક, ધારો કે તમે ભાવનગરથી સુરેન્દ્રનગર જતી પેસેન્જર ટ્રેન અત્યારે કેટલે પહોંચી તે જાણવા માગતા હો તે પણ અહીં જાણી શકો છો. તેના બે રસ્તા છે, સ્ક્રીન પર ડાબી તરફના સર્ચ બોક્સમાં ટ્રેન કે સ્ટેશનનું નામ આપીને સર્ચ કરો અથવા સૌરાષ્ટ્ર પર ઝૂમ ઇન કરી, ભાવનગરથી સુરેન્દ્રનગરના રુટ પરના વિવિધ એરો પર માઉસ લઈ જાવ. તેમ કરતાં ટ્રેનનું નામ જાણવા મળશે.
 • જેમ કે મુંબઈથી અમદાવાદના રૂટ પર ચેન્નઈ સેન્ટ્રલથી અમદાવાદ જતી નવજીવન એક્સપ્રેસના એરો પર ક્લિક કરશો એટલે એક નાનું બોક્સ ખૂલશે. તેમાં જાણવા મળશે કે આ ટ્રેન કોસંબા જંક્શનથી ઉપડી ગઈ છે, નેક્સ્ટ હોલ્ટ અંકલેશ્વર છે અને ટ્રેન નિર્ધારિત સમય કરતાં ૧૦ મિનિટ મોડી ચાલે છે.
 • હજી વધુ લેટેસ્ટ સ્ટેટસ જોઈતું હોય તો ત્યાં આપેલી લિંક પર ક્લિક કરતાં તમે http://trainenquiry.com/TrainStatus.aspx પર પહોંચશો, જ્યાં જાણવા મળશે કે ટ્રેન સુરતથી ૩૯ કિલોમીટર આગળ નીકળી ગઈ છે અને હવે અંકલેશ્વર ૧૧ કિલોમીટર દૂર છે, જ્યાં પહોંચવાનો ટ્રેનનો નિર્ધિરિત સમય ૩.૩૬ હતો, પણ ટ્રેન લગભગ ૪ને ૬ મિનિટે પહોંચશે!

પ્લેનનો લાઈવ ટ્રાફિક જુઓ

પરદેશથી આવતા પુત્રનું પ્લેન કેટલે પહોંચ્યું એ જાણવું હોય કે અમસ્તુ જ આકાશમાં ઊડતા પ્લેનનો લાઈવ ટ્રાફિક તપાસવો હોય તો પહોંચો આ સાઈટ પરઃ http://www.flightradar24.com/  આ મેપ પર પ્લેનને આગળ વધતા જોઈ શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here