ગયા વર્ષે, કોરાનાને કારણે પહેલાં પરીક્ષાઓ ખોરંભે ચઢી ગઈ, પછી લાંબું વેકેશન તો આવ્યું, પણ ફરી સ્કૂલ ખોલવાનો સમય જ ન આવ્યો!
શિક્ષણ અચાનક ઓનલાઇન થઈ ગયું – વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મમ્મી-પપ્પા દરેક માટે આ પરિવર્તન અણધાર્યું હતું. શિક્ષકો માટે એ પળોજણ બન્યું, વિદ્યાર્થીઓ માટે કંટાળાજનક બન્યું અને પેરેન્ટ્સ માટે ચિંતાજનક બન્યું.
નાનાં છોકરાંઓને લાંબા સમય સુધી મોબાઇલ પકડાવીને ભણવા માટે બેસાડી રાખવાં બહુ મુશ્કેલ છે (પહેલાં ગેમ્સ રમવા કે વીડિયો જોવામાં એટલો જ સમય ગાળી શકતાં હતાં, પણ આ રીતે ભણવા સામે સૌને વાંધો છે!). એમના માટે ઓનલાઇન શિક્ષણ કેવી રીતે રસપ્રદ બનાવી શકાય એ આખો અલગ મુદ્દો છે.
અત્યારે આપણે ધોરણ આઠથી છેક કોલેજ સુધીના વિદ્યાર્થીઓની વાત કરીએ.
જેમ મહેનતથી કમાયેલા રૂપિયાનું કેવી રીતે મેનેજમેન્ટ કરવું જોઈએ એ સ્કૂલ-કોલેજમાં શીખવવામાં આવતું નથી એમ, ડિજિટલ લાઇફનું મેનેજમેન્ટ પણ અલગ રીતે શીખવવામાં આવતું નથી. કોઈ ટીચર પોતે રસ લઈને આ વાતો પોતે સમજે અને પછી વિદ્યાર્થીઓને પણ સમજાવે તો એ અલગ વાત થઈ, પણ એ માટેના વ્યાપક પ્રયાસો થતા નથી.
યાદ રહે, સ્કૂલ્સમાં કમ્પ્યૂટર શીખવવામાં આવે છે એના કરતાં આ જુદી વાત છે!
આપણી અમુક શાળાઓમાં કોરોના પહેલાંથી ટિચિંગ ઓનલાઇન થવા લાગ્યું હતું. કેટલીક શાળાઓ ગૂગલ ક્લાસરૂમનો ઉપયોગ કરવા લાગી હતી. ઘણી કોલેજમાં પણ વિદ્યાર્થીઓને ગૂગલ એકાઉન્ટ આપવામાં આવતાં હતાં. પરંતુ કોરોનાને કારણે અચાનક જ, સૌને ઓનલાઇન ક્લાસમાં ‘જોતરાવું’ પડ્યું. એટલે સૌને આ પણ કોરોના જેવી જ ‘આફત’ લાગી.
વાસ્તવમાં આ એક જબરજસ્ત તક છે. શિક્ષણને નવી રીતે જોવા – સમજવાની તક.
આપણાં સંતાનો આગળ જઈને ગ્લોબન સિટિઝન બનવાનાં છે. ત્યારે એમણે, અત્યારે જે બધું ‘પ્રોબ્લેમેટિક’ લાગે છે એ જ બધી રીતે કામ કરવાનું છે. એ બધું જાણે-અજાણે, છૂટકે-ના છૂટકે તેમને અત્યારથી જ સમજવાની તક મળી છે. આ તક કોઈ રીતે ગુમાવવી ન જોઈએ.
આ અંકમાં આપણે ઓનલાઇન ક્લાસ દરમિયાન વિવિધ ડિજિટલ ફાઇલ્સ કેવી રીતે સાચવી શકાય તેના કેટલાક રસ્તા બતાવ્યા છે. આ વિષય આ એક અંકમાં પૂરેપૂરો સમાવી શકાય એમ નથી (ખરેખર તો ‘સાયબરસફર’ના અત્યાર સુધીના ૧૧૨ અંકમાં એ જ પ્રયાસ કરવામાં આવ્યો છે!).
શિક્ષક અને માતા-પિતા તરીકે તમે પણ આ બાબતોમાં રસ લેશો અને વિદ્યાર્થીને ઉપયોગી થઈ શકે એટલું તેની સાથે રહીને કરશો તો એ એના સારા ભવિષ્ય માટે સારું છે!
– હિમાંશુ
‘સાયબરસફર’ના અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો.