આ અંકમાં ખાસ બે-ત્રણ લેખ તરફ તમારું ધ્યાન દોરવા માગું છું. એકમાં મને અંગત રીતે બહુ ગમતી વાત છે અને બીજી વાત જે બિલકુલ ગમતી નથી, એ છે!
પહેલાં ગમતી વાતથી શરૂઆત કરીએ! આ અંકમાં એક લેખ છે – ‘‘આ વેકેશનમાં બાળકો સાથે ખરી ધીંગામસ્તી કરી જુઓ!’’
એમાં પણ જોકે ન ગમતી વાત છે. આજે નાનાં-મોટાં સૌ કોઈ સતત મોબાઇલમાં પરોવાયેલાં રહે છે, એકમેક સાથે વાત કરવાનું પ્રમાણ પણ હવે ઘટવા લાગ્યું છે. પહેલાં ફેવરિટ ટીવી સિરિયલના સમયે ઘરે કોઈ મળવા આવતું તો આપણને ગમતું નહીં. હવે તો ટીવી બંધ હોય ને કોઈ મળવા આવી ચઢે તો ત્યારે પણ આપણી નજર મોબાઇલના સ્ક્રીન પર ફરતી રહે છે…
આ બધામાં બાળકોનું ખરું બાળપણ ખોવાઈ રહ્યું છે – કે ખોવાઈ ગયું છે. આપણે મોટેરાંએ પોતપોતાના બાળપણમાં, વાસ્તવિક રીતે ઘરના આંગણ કે શેરી કે મેદાનમાં રમવાની જે મજા માણી છે એનો પરિચય આપણાં બાળકોને કરાવવાનો એક જ રસ્તો છે – એમની સાથે આપણે પણ બાળક બનીએ.
એવું કઈ રીતે કરી શકાય એની વાત આ લેખમાં કરી છે. એમાં લખેલી વાતો તમને ગમે તો એના પર અમલ કરી જોજો. એ લેખમાં લખ્યું છે તેમ અત્યારે બાળકનું એટેન્શન મેળવવાની બાબતે મોબાઇલ અને આપણી વચ્ચે સ્પર્ધા છે. આપણે મોબાઇલને જીતવા દેશું, તો આપણી સાથે બાળક પણ હારશે.
સતત મોબાઇલ ગેમ્સ કે વીડિયોમાં ખૂંપેલા રહેવાની કૂમળા માનસ પર ભયંકર અને બહુ લાંબા ગાળાની અસર થઈ શકે છે. એનો સામનો કરવો સહેલો છે – આપણે બસ બાળક બનીને બાળકો સાથે રમવાનું છે!
હવે થોડી ન ગમતી વાત પણ કરીએ. ‘સાયબરસફર’ની શરૂઆતથી ઇન્ટરનેટની ઉજળી બાબતો પર ફોકસ રાખ્યું હતું. ઇન્ટરનેટની મદદથી આપણી કાર્યક્ષમતા, જિજ્ઞાસા અને સર્જનાત્મકતા કેમ વધે એના રસ્તા શોધવા ને સૌ સાથે વહેંચવા એવું લક્ષ્ય હતું. પછી પ્રોડક્ટિવિટી, ક્યુરિયોસિટી અને ક્રિએટિવિટીમાં ત્રીજો ‘ટી’ નાછૂટકે ઉમેરવો પડ્યો – સાયબરસેફ્ટી!
અત્યારે આપણા દેશમાં ઓનલાઇન ફ્રોડનું પ્રમાણ બેહદ વધી રહ્યું છે. ઠગનો કીમિયો એક જ છે – ગમે તેમ કરીને આપણા ઓટીપી મેળવવા. વોટ્સએપમાં એ લોકો કેવી ટ્રિક અજમાવે છે એ આ વખતના મુખ્ય લેખમાં વિગતવાર લખ્યું છે. સાથોસાથ, સરકાર તરફથી આ દૂષણનો સામનો કરવા કેવા પ્રયાસો થઈ રહ્યા છે તેની પણ વાત કરી છે.
મને અંગત રીતે ગમતી અને ન ગમતી આ બંને વાત તમને ઉપયોગી થશે એ નક્કી!
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)