ગૂગલ – માંડ બે અઢી દાયકા પહેલાં આ શબ્દ આપણામાંથી કોઇએ સાંભળ્યો પણ નહોતો અને અત્યારે ગૂગલ આપણા જીવનમાં એકદમ ગાઢ રીતે વણાઈ ગયેલ છે.
આજે એવી સ્થિતિ છે કે…
- મનમાં કોઈ પણ સવાલ જાગે તો આપણી આંગળી આપોઆપ ગૂગલ તરફ વળે.
- સવાર પડતાવેંત આપણે હાથમાં ગૂગલનો એન્ડ્રોઇડ ફોન લઇએ.
- દિવસ આખો જીમેઇલ અને ગૂગલ ડ્રાઇવમાં સ્પ્રેડશીટ કે ડોક્સમાં વિતાવીએ.
- ઓફિસની મીટિંગ કે યોગાના ક્લાસ માટે ગૂગલ મીટ ઓપન કરીએ.
- આપણી સાંજ અને રાત પણ યુટ્યૂબમાં ખાખાંખોળાં કરતાં વિતે.
- પોતાનો કોઈ ફોટો શોધવો હોય તો ગૂગલની ફોટોઝ એપ ઓપન કરીએ.
- કોઈ જગ્યાએ પહોંચવું હોય તો મેપ્સ એપમાં એપ્સમાં મદદથી નેવિગેશન કરીએ.
- બિઝનેસનું ઓનલાઇન પ્રમોશન કરવું હોય તો ગૂગલ એડ્સનો આશરો લઇએ.
કેટકટેલી રીતે ગૂગલે આપણા દિલોદિમાગ અને કામકાજ પર કબજો જમાવી દીધો છે! આ બધી તો આપણે રોજેરોજ જેના સંપર્કમાં આવીએ છીએ તેવી સર્વિસિસની વાત છે. એ બધા ઉપરાંત પાછલાં ૨૫ વર્ષમાં ગૂગલે એવી કેટલીય જાતની ટેકનોલોજી, સોલ્યુશન, સર્વિસ અને પ્રોડક્ટ વિકસાવ્યાં છે, જે સાથે મળીને આપણા પર ગજબ અસર કરે છે, પણ તેના વિશે આપણે ખાસ કશું જાણતા નથી.
પાછલાં ૨૫ વર્ષ પર પાછા વળીને નજર ફેરવીએ તો સ્પષ્ટ થાય કે આપણું જીવન ગજબનું બદલાઈ ગયું છે અને એમાં ગૂગલનો સિંહફાળો છે. ઇન્ટરનેટને આજની સ્થિતિએ પહોંચાડવામાં ગૂગલ જેટલી વિસ્તૃત ભૂમિકા બીજી કોઈ કંપનીએ ભજવી નથી.
આપણે વિચારવાનો મુદ્દો એ કે ગૂગલે તેની ૨૫ વર્ષની સફર દરમિયાન ઝીણી ઝીણી વાત પર ફોકસ કરીને પાર વગરની સર્વિસ વિકસાવી, પરંતુ આપણે તેનો કેટલો લાભ લઇએ છીએ? ‘સાયબરસફર’ની ભાષામાં કહું તો આ બધી સર્વિસનો આપણે પૂરેપૂરો કસ કાઢીએ છીએ ખરા?
આપણે જે સવાલ પૂછીએ તેના જવાબ ધરાવતાં વેબપેજિસનો ગૂગલ સર્ચ એન્જિન ઢગલો કરી આપે એ તો બરાબર, પરંતુ આપણે ધારીએ તો એ જ સર્ચ એન્જિનની મદદથી રોજેરોજ નાનાં નાનાં પગલાં લઈને આપણું ઇંગ્લિશ ધારદાર બનાવી શકીએ. આજના સમયમાં ઇંગ્લિશ બહુ સારી રીતે શીખ્યા વિના ચાલે તેમ નથી પરંતુ એ માટે આપણે ગૂગલ (કે પછી અન્ય કોઈ પણ સારી ઓનલાઇન સર્વિસ)ની મદદ લઈએ છીએ ખરા?
યુટ્યૂબ પર પાર વગરના વીડિયો જોઈને આપણે ટાઇમપાસ કરીએ છીએ, પરંતુ કોઈ ચોક્કસ વિષય પર ફોકસ કરીને તેના વિવિધ વીડિયો શોધીને એ વિષયની આપણી સમજ વિસ્તારવાનો આપણે પ્રયાસ કરીએ છીએ ખરા?
સોશિયલ સાઇટ્સ પર આપણે ફ્રેન્ડઝ સાથે જગતભરની, જાતભાતની વાતોની ચર્ચા કરીએ છીએ, પરંતુ એ જ ફ્રેન્ડ સાથે કોઈ એક પ્રોજેક્ટ પર, એક ફાઇલ પર ગૂગલ ડ્રાઇવમાં એક સાથે કામ કરીએ છીએ ખરા?
આ બધી એવી સગવડો છે જેના વિશે આપણી પહેલાંની પેઢીને કોઈ કલ્પના પણ નહોતી. ગૂગલને ૨૫ વર્ષ થયાં એ વાતને નિમિત્ત બનાવીને ગૂગલે આપણને શું શું આપ્યું અને આપણે તેની પાસેથી શું શું લઇએ છીએ એનો વિચાર કરવા જેવો છે.
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)