આ સવાલ કોઈ પણ વ્યક્તિને પૂછીએ તો જવાબ આપવામાં એ બિલકુલ વાર ન લગાડે. ગણિત, ભૂગોળ, ઇતિહાસ, વિજ્ઞાન… ત્યાંથી આગળ વધો તો બાયોલોજી, એકાઉન્ટન્સી, સ્ટેટિસ્ટિક્સ…
આપણે સૌ – કોઈ ભેદભાવ વગર – કોઈ ને કોઈ વિષયમાં કાચા હોઈએ જ છીએ. સ્કૂલના શરૂઆતના દિવસોમાં જ આપણને કોઈ વિષય તરફ અણગમો થઈ ગયો હોય અને એ સ્થિતિ લગભગ ક્યારેય સુધરે નહીં. પરિણામે, સ્કૂલ-કોલેજ વટાવીને પોતાના ઘર, નોકરી કે બિઝનેસમાં ઠરીઠામ થઈ ગયા હોઈએ તો પણ આપણા મનમાંથી પેલા વિષય તરફનો અણગમો જાય નહીં.
એટલે કોઈ પૂછે તો આપણે તરત કહી શકીએ કે કયા વિષયમાં આપણે કાચા છીએ.
ઉપર લખ્યા એ બધા વિષય ઉપરાંત, બીજા એક વિષયમાં પણ આપણામાંથી મોટા ભાગના લોકો કાચા – અંગ્રેજીમાં! તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હો કે પછી ઇંગ્લિશ મીડિયમમમાં – ઇંગ્લિશ પ્રત્યેના અણગમામાં કોઈ ભેદભાવ નહીં!
મોટા થયા પછી, જીવનમાં પોતપોતાની રીતે ઠરીઠામ થયા પછી આપણને કોઈ ચોક્કસ વિષય ગમે કે ન ગમે એનાથી બહુ મોટો ફેર પડે નહીં, એટલે આપણે એ વાત સહજ સ્વીકારી લીધી હોય. પરંતુ ઇંગ્લિશ એક એવો વિષય છે, જેની તરફ અણગમો હોય તો સારી નોકરી મળી ગયા પછી પણ એ નડે. ખરેખર તો વધુ નડે!
તેમ છતાં, તમે ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે ઇંગ્લિશ કે બીજો કોઈ પણ વિષય ન ગમવા પાછળનું ખરેખર કારણ શું હતું? વિષય કોઈ પણ હોય, શરૂઆતમાં તે ગમવા પાછળનું કારણ મોટા ભાગે એક સરખું હોય છે – શરૂઆતમાં આપણને તેનાં કેટલાંક પાસાં સમજવામાં તકલીફ પડી હોય. આપણા દુર્ભાગ્યે સારા શિક્ષક ન મળ્યા હોય અને માતા-પિતા પણ પૂરતું ધ્યાન આપી શક્યાં ન હોય તો, એ વિષયની આપણી પેલી કેટલીક તકલીફ દૂર ન થાય. એ ભાગ કાચો રહી જાય, એટલે બાકીની વાતો સમજવામાં મુશ્કેલી થાય. આમ આ વિષચક્ર આગળ વધતું જાય અને છેવટે આપણને લાગે કે એ વિષય જ નકામો છે!
એ વિષય પ્રત્યે આપણા મનમાં એક કાયમી પૂર્વગ્રહ ઘર કરી જાય.
નીલ એમ. ગોલ્ડમેન નામના એક ટીચરને લાગ્યું કે આ વિષચક્ર તોડવું જોઈએ. એ માટે એમણે દિલથી પ્રયાસ પણ કર્યો. ટીચિંગમાં ઝંપલાવતાં પહેલાં એમણે પંદરેક વર્ષ સોફ્ટવેર એન્જિનીયર તરીકે નોકરી કરી હતી. એમને લાગ્યું કે ઘણાં બાળકો અંગ્રેજી લખાણ વાંચતી વખતે તેમાં લખેલી વાતો બરાબર સમજી શકતાં નથી, કેમ કે ઘણા શબ્દો એમને ભારે લાગે છે. એટલે એમને વાંચવું જ ગમતું નથી. એટલે એ વાંચતાં નથી. એટલે એમનું શબ્દભંડોળ નબળું રહી જાય છે, એટલે એમને, જો એ કંઈ વાંચે તો, એમાંના ઘણા શબ્દો સમજાતા નથી…
અનુભવ અમેરિકન ટીચરનો છે, પણ વાત આપણી જ હોય એવું લાગે છેને?
જો આવા જ કોઈ કારણે તમને ઇંગ્લિશ ભાષા પ્રત્યે અણગમો હોય, ઇંગ્લિશ વાંચવું તમને ગમતું ન હોય, બીજી તરફ ઇંગ્લિશનું મહત્ત્વ તમે બરાબર સમજતા હો, તો આ અંકની કવરસ્ટોરી તમને ગમશે.
એ ટીચરે પોતાના અનુભવને કામે લગાડીને એક વેબસાઇટ બનાવી છે, જે આપણે કોઈ પણ લખાણ તેને આપીએ એટલે તેને સહેલું બનાવી દે છે – પલકવારમાં.
તમે તમારી ભાષાની સમજ ખરેખર વિક્સાવવા માગતા હો તો આ સાઇટની ક્યારેક ક્યારેક મુલાકાત લેવાથી વાત પતશે નહીં. એનો નિયમિત ઉપયોગ કરી જુઓ, થોડા સમય પછી તમને આ સાઇટની જરૂર નહીં પડે!
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)