આપણા રોજબરોજના ઓફિસના કામકાજમાં ઘણી વાર બનતું હોય છે કે ઘણી બધી બાબતો આપણને પજવતી હોય, પરંતુ તેનું કોઈ સ્માર્ટ સોલ્યુશન હશે એવી આપણને જાણ પણ ન હોય! ક્યારેક ઇન્ટરનેટ પર અમસ્તાં જ સર્ફ કરતી વખતે આવું કોઈ સોલ્યુશન મળી આવે તો આપણું દિમાગ બાગબાગ થઈ જાય! આ વખતની કવર સ્ટોરીમાં આવાં સ્માર્ટ સોલ્યુશન, કહો કે ઇન્ટિગ્રેશન્સની વાત કરી છે. એવી વાતો, જે હોઈ શકે કે એ રીતે કામ થઈ શકે એની આપણને કલ્પના પણ ન હોય.
જો તમે ગૂગલ, માઇક્રોસોફ્ટ કે એપલની વિવિધ સર્વિસનો ભરપૂર ઉપયોગ કરતા હશો તો તમારો અનુભવ હશે કે આ ત્રણેય કંપનીની વિવિધ સર્વિસ એકમેક સાથે કમ્પેટિબલ હોય છે. ઇન્ટરનલી એટલે કે જે તે કંપનીની પોતાની સર્વિસ સાથે તો કમ્પેટિબલ તો હોય જ, એ ઉપરાંત અન્ય કંપનીની સર્વિસ સાથે પણ કમ્પેટિબલ હોય. પરંતુ તમારો એ પણ અનુભવ હશે કે આપણું કામકાજ હવે આ ત્રણ મોટી કંપની સિવાયની બીજી ઘણી કંપનીઓની વિવિધ સર્વિસમાં વહેંચાયેલું હોય છે.
ઓનલાઇન સ્ટોરનું સામાન્ય ઉદાહરણ લઇએ તો આપણે કદાચ પોતાના બિઝનેસ માટે વર્ડપ્રેસ પ્લેટફોર્મ પર વેબસાઇટ ઊભી કરી હોય તેમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે આપણે વૂકોમર્સ જેવા પ્લગઇનનો ઉપયોગ કરતા હોઇએ. વૂકોમર્સ પ્લેટફોર્મ યૂઝર્સ પાસેથી ઓર્ડર મેળવવા માટે કામ લાગે. યૂઝર તરફથી પેમેન્ટ મેળવવા માટે રેઝરપે કે સીસીએવન્યુ જેવી ત્રીજી કોઈ સર્વિસનો આપણે ઉપયોગ કરતા હોઇએ. આ બધો ડેટા આપણે પોતાના એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં લઈ જવો જરૂરી હોય. ક્યારેક એવું પણ બને કે ઓર્ડર અને પેમેન્ટ સંબંધિત બધો ડેટા માઇક્રોસોફ્ટ એક્સેલ આથવા ગૂગલ સ્પ્રેડશીટમાં જોઇતો હોય. આમ આપણે માટે જરૂરી ડેટા ચાર-પાંચ અલગ અલગ સર્વિસમાં વહેંચાયેલો હોય. મોટે ભાગે આપણે એક સર્વિસમાંથી બીજી સર્વિસમાં ડેટા લઈ જવા માટે મેન્યુઅલ કોપી-પેસ્ટ જેવી પદ્ધતિનો ઉપયોગ કરતા હોઇએ. પરંતુ આ કામ કરવાની સ્માર્ટ પદ્ધતિ નથી. સ્માર્ટ પદ્ધતિ એ છે જેમાં આપણે એક વાર ડેટા કે એકશનનો ફ્લો નક્કી કરીએ તે પછી બધું કામકાજ આપોઆપ થતું રહે!
ઇન્ટરનેટ પર તમે થોડું સર્ચ કરો તો આવી સગવડ આપતી સંખ્યાબંધ સર્વિસ મળી આવશે. આવી સર્વિસ હશે એવી આપણને જાણ પણ ન હોય અને જાણ થયા પછી એ એકદમ ઉપયોગી લાગે!
આપણે ઇ-કોમર્સ વેબસાઇટનું ફક્ત એક ઉદાહરણ જોયું. તેના સિવાય જુદી જુદી ઘણી બધી રીતે તમારે તમારા કામકાજ સંબંધિત ડેટા એક સર્વિસમાંથી બીજીમાં અને બીજીમાંથી ત્રીજીમાં લઈ જવાનો થતો હશે.
અગાઉ આ પ્રકારનું કામ કરવા માટે આપણે કોઈ જાણકાર પ્રોગ્રામરની મદદ લઈને કોડિંગ કરાવીને તે માટે જરૂરી પ્રોગ્રામ તૈયાર કરાવવો પડતો. હવે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ સર્વિસની મદદથી કોઈ કોવિંડ વિના આવું ઇન્ટિગ્રેશન થઈ શકે છે. આપણે પોતે નક્કી કરીએ એ મુજબ બે કે વધુ સર્વિસમાંના આપણાં એકાઉન્ટ કનેક્ટ કરીને પોતે નક્કી કરેલી શરતો મુજબ એક પછી એક એકશન ઓટોમેટિક લેવાય એવા એકશન ફ્લો આપણે નક્કી કરી શકીએ છીએ.
આ વખતે કવર સ્ટોરીમાં આવી કેટલીક સર્વિસની વાત કરી છે. તમે જાતે થોડા વધુ ઊંડા ઉતરશો તો તમારું કામકાજ ઘણું સહેલું બની શકશે. ઓફિસ એક્ઝિક્યુટિવ અને કોલેજ પૂરી કરીને વિવિધ ઇન્ડસ્ટ્રીમાં જોબ તરફ આગળ વધી રહેલા વિદ્યાર્થીઓને આ માહિતી બહુ કામ લાગશે!
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)