ભારતમાં વોટ્સએપની સફર બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે. આખી દુનિયા માટે વોટ્સએપ નવેમ્બર ૨૦૦૯માં લોન્ચ થઈ અને એકાદ વર્ષ બાદ તેણે ભારતમાં પધરામણી કરી. એટલે આમ જુઓ તો વોટ્સએપ સાથે આપણો સંબંધ માંડ બારેક વર્ષ જૂનો છે. છતાં આજે આપણી સવાર વોટ્સએપના દર્શન સાથે ઊગે છે અને રાત પણ વોટ્સએપના મેસેજ સ્ક્રોલ કરતાં કરતાં જ ઢળે છે.
વોટ્સએપની શરૂઆત ફક્ત ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે લાઇવ ટચમાં રહેવાની એક સરળ, હળવી સગવડ તરીકે થઈ હતી. વોટ્સએપના સ્થાપકો તેને એવી જ રાખવા માગતા હતા, પણ લોન્ચના પાંચ-છ વર્ષમાં ફેસબુકની જંગી ઓફર સામે તેઓ ઝુકી ગયા અને ફેમિલી ફોકસ્ડ વોટ્સએપ, મની ફોકસ્ડ ફેસબુકને વેચાઈ ગઈ.
આવું જ કંઈક વર્ષો પહેલાં કોલ્ડડ્રિંક માર્કેટમાં થયું હતું. ભારતમાંથી ફરજિયાત વિદાય કરી દેવાયેલી કોકા-કોલા કંપનીએ ભારતમાં ફરી પ્રવેશ કર્યો ત્યાં સુધીમાં, થમ્સઅપ બ્રાન્ડ ભારતમાં જબરી પોપ્યુલર થઈ ચૂકી હતી. આમ છતાં તેના સર્વેસર્વા રમેશ ચૌહાણને લાગ્યું કે તેઓ કોકા-કોલા સામે ટકી નહીં શકે એટલે તેમણે પોતાની કંપની કોકા-કોલાને વેચી દીધી. એ પછી, કોકા-કોલાએ તેમની બધી બ્રાન્ડ ખતમ કરી નાખી, પણ ભારતમાં તેનો બિઝનેસ થમ્સઅપથી જ ટક્યો! ભારતીયોના દિલમાંથી થમ્સઅપને તેઓ ડગાવી શક્યા નહીં.
કંઈક એમ, ફેસબુક કંપનીએ વોટ્સએપનું ફોકસ બદલવાની ઘણી કોશિશ કરી, હજી પ્રયાસો ચાલુ જ છે, પણ કંપની તેનું ફેમિલી-ફોકસ બહુ બદલી શકી નથી.
વોટ્સએપ ફેમિલી એપ તરીકે અડગ રહી, પણ ફેસબુકને કારણે તેની વિશ્વસનીયતા ડગી ગઈ.
વોટ્સએપ પર યૂઝર્સ જે કંઈ મૂકે એ બધું સાચું ન હોય એવું તો લોકો સમજતા હતા, પણ હવે મૂળ એપ પર જ લોકોને ભરોસો રહ્યો નહીં. એટલે તો ભારતની ક્રાંતિકારી યુપીઆઈ વ્યવસ્થામાં જોડાવાની વોટ્સએપને મોડી મોડી છૂટ મળી ત્યારે લોકોએ ખાસ ઉત્સાહ બતાવ્યો નહીં. વોટ્સએપ પર ઇમોજીની આપલે કરાય, રૂપિયાની નહીં એવી એક – ખોટી – માન્યતા લોકોના મનમાં ઘર કરી ગઈ.
જોકે એ જ વોટ્સએપ હવે વિવિઝ બિઝનેસના કમ્યુનિકેશનમાં મહત્ત્વનું સ્થાન મેળવી રહી છે.
જેમ કે બેન્ક્સ. બેન્ક્સ અત્યાર સુધી આપણા ટ્રાન્ઝેક્શનની વિગતો આપણને ઈ-મેઇલ અને એસએમએસ મારફત આપતી હતી, હવે પાર વગરની બેન્કિંગ સર્વિસ વોટ્સએપ પર ઉપલબ્ધ થવા લાગી છે.
એક પ્લેટફોર્મ તરીકે વોટ્સએપ ખરેખર સલામત અને પ્રાઇવેટ છે, એટલે જ વોટ્સએપ પર યુપીઆઇનો ઉપયોગ કરવામાં આપણે ભલે ખચકાઈએ, ટ્રાન્ઝેક્શન સિવાયની માહિતી મેળવવા કે એક્શન્સ લેવામાં બહુ અચકાવા જેવું નથી. આ અંકમાં એની જ વિગતાવર વાત કરી છે.
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)